Abtak Media Google News

દુકાનમાંથી ગાય ભેંસોના ઇન્જેક્શનના બોક્સ અને પ્રવાહી ભરેલી બોટલો સહિતનો માતબર જથ્થો કબજે કરતી એસ.ઓ.જી.

ભાણવડના કૃષ્ણગઢ ગામના  શખ્સે  ઇન્જેક્શનનો જથ્થો સપ્લાય કરાયો હોવાનું  ખુલ્યું: એકની ધરપકડ

જામનગર તાલુકાના નાઘેડી ગામમાંથી ગાયો- ભેંસો ને ઇન્જેક્શન આપી વધુ દૂધ મેળવવા માટેના ગેરકાયદેસર ઇન્જેક્શનોના વેચાણ કરવાનું નેટવર્ક એસ.ઓ.જી. શાખાની ટુકડીએ પકડી પાડ્યું છે, એક દુકાનમાંથી ઇન્જેક્શનના બોક્સ તથા ઇન્જેક્શનના પ્રવાહી ની બોટલો સહિતનો જથ્થો કબજે કરી લઈ એક દુકાનદાર ની અટકાયત કરી લીધી છે, જ્યારે ઉપરોક્ત પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના એક શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાથી તેને ફરારી જાહેર કરી તપાસનો દોર ભાણવડ સુધી લંબાવાયો છે.

આ દરોડા ની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા અને ચામુંડા પાન એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન ચલાવતા બાબુભાઈ ભુરાભાઈ છૈયા કે જે પોતાની દુકાનમાં ગાય- ભેંસ વધુ દૂધ આપે તેવા પ્રકારના પ્રતિબંધિત ઇન્જેક્શન રાખી અને તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાનું એસ.ઓ.જી. શાખાની ટીમને ધ્યાનમાં આવ્યું હતું, જેથી એસ.ઓ.જી. ની ટુકડીએ મોડી સાંજે નાઘેડી ગામમાં દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન દુકાનમાંથી છ નંગ ના બોક્સ પૈકીના 240 નંગ ઇન્જેક્શન નો જથ્થો ઉપરાંત પ્રવાહી ની બોટલો વગેરે મળી આવ્યા હતા. જે તમામ સામગ્રી કબજે કરી લેવામાં આવી છે, અને દુકાનદાર બાબુભાઈ ભુરાભાઈ છૈયા ની અટકાયટ કરી લઈ તેની સામે પંચકોષી  બી.ડિવિઝન પોલીસ મથકમાં પ્રાણી પ્રત્યેક ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ 11(1)(સી)  મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

પ્રાથમિક પૂછ પરછમાં પોતે છેલ્લા છ મહિનાથી આવા ઇન્જેક્શનનું વેચાણ કરતો હોવાનું અને એક ઇન્જેક્શન 40 રૂપિયામાં વેચતો હોવાની કબુલાત આપી હતી.

ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના મહેશ જગાભાઈ વરુ નામના શખ્સ દ્વારા  ઉપરોક્ત જથ્થો સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે, અને તપાસનો દોર ભાણવડ સુધી લંબાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.