Abtak Media Google News

સરકારના નીતિ નિયમોને નેવે મુકી ખાનગી બસના સંચાલકોએ ગેરકાયદેસર ઉપયોગ શરૂ કર્યો: સરકારે ખાનગી બસ સંચાલકો પાસેથી ભાડાની વસુલાત કરવી જોઇએ

શહેરમાં એસ.ટી. બસ સ્ટેન્ડથી પણ વિશાળ જગ્યા એવા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ખાનગી બસો માટેનું નવુ બસ સ્ટેન્ડ કાર્યરત થયું છે. સરકારી મહેસુલ વિભાગ હસ્તકના પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર ખાનગી બસો 24 કલાક અવર-જવર કરશે. આ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એસ.ટી. બસ સ્ટેન્ડને પણ પાછળ રાખી દે તે રીતની ખાનગી એ.સી. બસોનો જમાવડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તાથી સુભાષબ્રિજ સુધીના ફલાયઓવરના કામને લઇને કમિશ્નર દ્વારા જાહેરનામાની અમલવારી શરૂ કરી દેવાઇ છે.

જેને લઇને ઇન્દીરા માર્ગ ઉપર આવેલા તમામ ખાનગી બસના સંચાલકોએ પોતાની ખાનગી બસોની અવર-જવર માટે પ્રદર્શન ગ્રાઉન્ડ કાર્યરત કર્યુ છે. જેથી પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપરથી ખાનગી બસોની અવર જવર હાથ ધરાઇ છે. આ ખાનગી બસના સંચાલકો દ્વારા બસોનું સંચાલનની સાથે બુકીંગ સેવા પણ શરૂ કરી દીધી છે. આમ જોઇએ તો જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડની જેમ જ સમાતંર રીતે પ્રદર્શન ગ્રાઉન્ડ ઉ5રથી ખાનગી બસો મુસાફરોને મળશે. સાત રસ્તા નજીકનું મહેસુલ વિભાગ હસ્તકનું પ્રદર્શન ગ્રાઉન્ડ સરકારના નિયમ મુજબ સિટી મામલતદાર હસ્તક આવેલું છે. આ પ્રદર્શન ગ્રાઉન્ડનો ઉપયોગ કોઇપણએ કરવો હોય તો સરકારના નક્કી કરાયેલા નીતિ નિયમ મુજબ ચાર્જ ભરવાનો હોય છે.

ત્યારે ઘણા લાંબા સમયથી આ પ્રદર્શન ગ્રાઉન્ડની હાલત ખુબ જ ખરાબ બનતી જાય છે. એટલુ જ નહીં ડમ્પીંગ પોઇન્ટ સમાન પ્રદર્શન ગ્રાઉન્ડ બની ગયાના અહેવાલો પ્રસિધ્ધ થયા હતાં. તે સમયે પણ મહાનગરપાલિકા દ્વારા આ પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર મામલતદાર ઓફીસમાંથી કોઇ મંજુરી કે ચાર્જીસ ભર્યા ન હોય જેથી મહાનગરપાલિકા દ્વારા ત્યાંથી કચરો ઉપાડવાનું શરૂ કરેલ હતું. હવે મહાનગરપાલિકા બાદ ખાનગી બસના સંચાલકો દ્વારા આ પ્રદર્શન ગ્રાઉન્ડનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે.

મળતી માહિતી મુજબ આ માટે મામલતદાર ઓફીસમાંથી આ મેદાનના ઉપયોગ માટે કોઇ મંજુરી ખાનગી બસના સંચાલકો દ્વારા લેવામાં આવી ન હોય તેવું જાણવા મળી રહ્યું છે. સામાન્ય રીતે સરકારના નિયમ મુજબ ખાનગી બસના સંચાલકે મામલતદાર ઓફીસમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખાનગી બસોના પાર્કીંગ માટે મંજુરી લેવાની હોય છે તેમજ સરકારના નિયમ મુજબ જગ્યાનું ભાડુ પણ ભરવાનું હોય છે. પરંતુ મામલતદાર ઓફીસને આ બાબત કેમ ધ્યાનમાં નથી આવતી તે સવાલ ઉઠી રહ્યો છે. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાનગી બસો માટેનું બસ સ્ટેન્ડ બન્યુ છે. ત્યારે સરકારી બાબુઓ આ ખાનગી બસના પાર્કીગ અંગે શા માટે ચાર્જ વસુલ નથી કરતી એ સવાલ છે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.