Abtak Media Google News

જામનગર શહેરના ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓ મિનિલોકડાઉનને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા બસના ધંધાર્થીઓને કોઇ આર્થિક રાહત વાહન ટેક્ષમાં રાહત આપેલ નથી. તેમજ બીજી તરફ બસનો ધંધો પણ હાલમાં ઠપ્પ હોય બીજી તરફ બેંક લોનના હપ્તાઓ અને વ્યાજનું પણ ભારણ વધ્યું છે અને તેના લીધે આવનારા સમયમાં પોતાની બસો વેંચી નાખી શાકભાજીના વ્યવસાયમાં જોડાવાની જાહેરાત કરી રહ્યાં છે.

જામનગર શહેરમાં ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે અનેક લોકો જોડાયેલા છે અને અંદાજે જામનગરમાં 400 થી વધુ નાની-મોટી બસો આવેલ છે. આ તમામ ગાડીઓમાંથી 250 ગાડીઓ અંદાજે નોનયુઝમાં મુકાઇ ગઇ છે. તેનું કારણ એ છે કે, તા.1-4-2020 થી લોકડાઉન આવેલ હતું. ત્યારથી જ મોટાભાગની કંપનીમાં ચાલતી બસો બંધ થઇ ગઇ છે. ત્યારબાદ કોરોનાના ભયને લઇને પણ જે દૈનિક લાંબા રૂટની ખાનગી બસો ચાલતી હતી તેમાં પણ મુસાફરોની સંખ્યામાંપણ ખૂબ જ ઘટાડો નોંધાયો છે. વર્તમાન સમયમાં મિનીલોકડાઉન અને રાત્રી કર્ફયુને લઇને જે બસો ચાલુ હતી તે બસો પણ મોટાભાગની બંધ કરી દેવી પડી છે. જેને લીધે ખાનગી ટુર એન્ડ ટ્રાવેલ્સના બસ ઓપરેટરોના ધંધા મોટાભાગે ઠપ્પ થઇ ગયા છે તેવું જણાવ્યું હતું. બસ ઓપરેટર એસોસિએશનના સભ્યએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને જે વાહનનો ટેક્ષની રકમ ભરવાની થાય છે તે ઉપર જોઇએ તો 2 3 બસનો ટેક્ષ 21,000 રૂપિયા,સ્લીપીંગ બસનો ટેક્સ 39,000 રૂપિયા અને 2 2 બસનો ટેક્ષ 26,500 રૂપિયા તેમજ મીની બસનો ટેક્ષ 7,500 થી લઇને 18,000 સુધીનો દર મહિને આરટીઓમાં ભરવાનો થાય છે.

હાલની પરિસ્થિતિમાં ખાનગી કંપનીઓમાં બસો બંધ છે. તેમજ લગ્ન ગાળાની સિઝન પણ નિષ્ફળ ગઇ છે. તદઉપરાંત જે ખાનગી બસો દોડતી હતી તેમાં કોરોનાના ભયને લઇને મુસાફરોની સંખ્યા ઘટતા આ બસોને પણ બંધ કરી દેવી પડી છે. તેની સામે ટેક્ષનું ભારણમાં સરકારે કોઇ રાહત આપી નથી. લોકડાઉન સમયે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી, મુખ્યમંત્રી સમક્ષ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ટેક્ષ માફીમાં રાહત આપવા માંગ કરાઇ હતી. જેમાં સરકાર દ્વારા તા.1-4-2020 થી તા.30-9-2020 સુધી ટેક્ષ માફી આપવાની માંગ કરાઇ હતી. જેમાં સરકારે જે ટેક્ષ રાહત આપેલ છે. તેમાં બે માસ તો લોકડાઉન ચાલુ રહ્યું હતું. આમ ખરેખર રાજ્ય સરકાર દ્વારા જો ખાનગી બસ-ટ્રાવેલ્સોના ધંધાર્થી ઓને ટેક્ષમાં રાહત નહીં અપાયતો આ ધંધો વ્યવસાય અંધકારમય બની જશે. કારણ કે આ વ્યવસાય સાથે બસના માલિકો સહિત 50 હજાર લોકો રોજગારી મેળવી રહ્યાં છે. તે તમામને પણ નોકરી-ધંધો ગુમાવવાનો વારો આવે તેવી સ્થિતિ ઉભી થઇ છે. બસના માલિકો ઉપર મિનિ લોકડાઉન અને રાત્રી કર્ફયુને લઇને બસનો વ્યવસાય લાંબા સમયથી પડી ભાંગ્યો છે. જેને લીધે બસો હાઇમાં લાંબા સમયથી ધૂળ ખાઇ રહી છે. ડ્રાઇવરો-કંડકટરો તેમજ અન્ય કારીગરોને નોકરી-વ્યવસાય ગુમાવવાનો વારો આવ્યો છે.કારણ કે એક તરફ 250 બસ નોનયુઝમાં મુકાઇ ચુકી છે. જામનગરમાં બસના માલિકો અને બસ ઓપરેટરોને રાજ્ય સરકાર દ્વારા ટેક્ષમાં રાહત આપવામાં આવે તેમજ કોઇ રાહત પેકેજ ખાસ જાહેર કરાય તેવી માંગ બસ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.