Abtak Media Google News

પાડોશીએ બે મહિલા સહિત ત્રણેય ને બહાર કાઢી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા

જામનગરમાં નવાગામ ઘેડમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલા એક મકાનની છતનો હિસ્સો ધરાસાઈ થતાં પરિવારના ત્રણ સભ્યો દબાયા હતા. જેથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આડોશી પાડોશીઓ એકત્ર થઈને બે મહિલા સહિતના ત્રણેય સભ્યોને બહાર કાઢી લીધા હતા, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. આ બનાવવાની જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ આવેલા રાજુભાઈ મકવાણા નામના રહેવાસી ના મકાનની છતનો હિસ્સો આજે મોડી સાંજે એકાએક ધરાશાઇ થયો હતો. જેના કારણે ઘરમાં હાજર રહેલા બે મહિલા સહિતના ત્રણ વ્યક્તિઓ દબાયા હતા, અને ભારે દેકારો બોલી ગયો હતો.

આ ઘટના પછી આડોશી પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા, અને રાજુભાઈ મકવાણા (ઉ.વ.55) તેમના પત્ની જશુબેન મકવાણા (ઉમર વર્ષ 50) તથા વિનુબેન મકવાણા (48) કે જે ત્રણેયને ઇજા થઈ હોવાથી 108 ની ટીમને ઘટના સ્થળે બોલાવી લીધી હતી, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં ત્રણેયને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, અને સદભાગ્ય જાનહાની ટળી છે.

આ ઘટનાની જાણ થતાં ડિવિઝનના પી.આઈ. શ્રી. એચ.પી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફ્લો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને ઇજાગ્રસ્તોને સારવારમાં મદદ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર બનાવની તપાસ ચલાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.