Abtak Media Google News

અબતક, જામનગર

જામનગર સાત રસ્તાથી ગુરુદ્વારા સુધીના ઈન્દિરા માર્ગ પર ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલી રહ્યો છે, જે કામના સ્થળે પુલ માટે નો પીલોર નાખવા માટે નું ડ્રિલિંગ કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન ડ્રીલીંગ થી ૬૬ કે.વી. નો હેવી વીજવાયર કપાઈ જતાં એકાએક બ્લાસ્ટ થવાથી દુર્ઘટના સર્જાઈ હતી. અને કામ કરી રહેલા ત્રણ શ્રમિકો દાઝ્યા જતાં સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉપરાંત જેટકો કંપનીને કેબલ કપાઈ જવાના કારણે અંદાજે રૂપિયા ૧૦ લાખનું નુકસાન થયું હતું.

આ દુર્ઘટના અંગેની વિગત એવી છે કે ફ્લાયઓવરના નિર્માણ માટેનું કામકાજ ચાલી રહ્યું છે. જેમાં ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા બ્રિજ માટેના પીલોર ઉભા કરવા માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યાં ડ્રીલીંગ કામ દરમિયાન નીચેથી પસાર થઈ રહેલી જેટકો કંપનીની ૬૬કેવીની હેવી વીજ કેબલ લાઇનમાં પણ ડ્રિલિંગ થઈ ગયું હતું અને કેબલ કપાયો હોવાથી તેમાં વીજ પ્રવાહ ચાલુ હોવાના કારણે એકાએક બ્લાસ્ટ થયો હતો. દુર્ઘટનામાં ડ્રિલિંગ કામ કરી રહેલા ખાનગી કોન્ટ્રાકટર કંપનીના પશ્ચિમ બંગાળના સંતોષ બીશ્વાસ (ઉંમર વર્ષ ૨૪) ઈરફાન ઇમરાન (ઉંમર વર્ષ ૧૯) અને મધ્યપ્રદેશના મહેફુસ રહેમાન (ઉ.વ.૨૪) ત્રણેયને બ્લાસ્ટ થવાના કારણે ઈજાઓ થઈ હતી. અને હાથે-પગે તેમજ શરીરના અન્ય ભાગે સ્પાર્ક થવાના કારણે દાઝ્યા હતા. ત્રણેયને તાત્કાલીક અસરથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી હાલ જામનગરના ખાનગી તબીબની હોસ્પિટલમાં ખસેડી લેવામાં આવ્યા છે.

આ બનાવના કારણે મહાનગરપાલિકાનું તંત્ર ઉપરાંત જેટકો કંપનીના અધિકારીઓની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ કામ રોકાવી દેવામાં આવ્યું હતું. જેટકો કંપનીના જણાવ્યા અનુસાર હાપા થી નવાગામ ઘેડ અને ત્યાંથી બેડેશ્ર્વર વીજ સપ્લાય પહોંચાડવા માટેનો ૬૬ કેવીનો હેવી કેબલ પાથરવામાં આવેલો છે અને ઈન્દિરા માર્ગમાં નીચેથી પસાર થાય છે. જે કેબલમાં ડ્રિલિંગ થઈ ગયું હોવાથી આ અકસ્માત સર્જાયો હતો, અને હાલ નવાગામ તેમજ બેડેશ્વર વિસ્તારમાં અન્ય ૬૬ કે.વી.ની વીજ લાઈન માંથી વિધુત પ્રવાહ ક્ધવર્ટ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હાપા થી આવી રહેલા કેબલ માં વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે. જેની મરામતની કામગીરી દસ દિવસ સુધી ચાલશે અને દુર્ઘટનાના કારણે જેટકો કંપનીને અંદાજે રૂપિયા ૧૦ લાખનું નુકસાન થયું છે. ઉપરોક્ત કેબલમાં જુદા-જુદા ચાર જોઈન્ટ લગાવીને ફરીથી કેબલ શરૂ કરાશે. ત્યાર પછી તેમાં વીજપ્રવાહ પસાર કરી નવાગામ અને બેડેશ્વરને વીજ પુરવઠો અપાશે. ઉપરોક્ત કેબલથી થયેલા નુકસાનની અંગેની લેખીત જાણકારી જેટકો કંપની દ્વારા મહાનગરપાલિકાને આપી દેવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.