Abtak Media Google News

મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ ચાલુ નાણાંકીય વર્ષમાં 50 કરોડની આવકનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ સામે પ્રથમ ત્રિમાસિક (ક્વાર્ટર)માં રૂા.12 કરોડ જેટલી આવક મેળવી લીધી છે. મહાનગરપાલિકામાં આવકની દ્રષ્ટિએ મિલ્કતવેરા અને વોટરચાર્જ વિભાગની દ્રષ્ટિએ પ્રમાણમાં ઘણી પાછળ રહેતી ટાઉનપ્લાનીંગ શાખામાં પણ હવે નવા પ્રોજેક્ટની નોંધણી સહિતની કામગીરી પેટે આવકમાં વૃધ્ધિ થઇ રહી છે.

ટાઉન પ્લાનીંગ શાખાના એ.ટી.પી.ઓ. અનિલ ભટ્ટ અને ઉર્વિલ દેસાઇનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નવા નિયમો બાદ ટીપીઓ શાખાની આવક વધી છે. જો કે છેલ્લા પાંચ વર્ષથી ટાઉન પ્લાનીંગ વિભાગની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે.વર્ષ 2016-17માં ટાઉન પ્લાનિંગ શાખાની આવક રૂપિયા સાડા સોળ કરોડ જેટલી થઇ હતી. વર્ષ 2017-18માં 110 ટકા જેટલો વધારો થયો હતો. ટી.પી. સ્કીમ નવી અમલમાં આવતા પણ આવક વધારો આગળ વધ્યો હતો અને આવક રૂા.38 કરોડને પાર થઇ ગઇ હતી.

આ પછી વર્ષ 2017-18, 2018-2019 અને વર્ષ 2019-2020 અને 2020-21ની આવક પણ રૂપિયા 38થી 39 કરોડ વચ્ચે રહેવા પામી હતી. ખાસ કરીને કોરોનાકાળમાં પણ આવક જાળવી રાખવામાં મ.ન.પા.ને સફળતા મળી છે જે ખુશીની બાબત છે. આમ છેલ્લા પાંચ વર્ષની આવકના સાતત્યને ધ્યાને લઇ વર્ષ 2021-22ની આવકનો લક્ષ્યાંક રૂપિયા પચાસ કરોડનો રાખવામાં આવ્યો છે.

આ અર્ધા અબજના લક્ષ્યાંક મુજબ પ્રથમ ત્રણ માસના પહેલા કવાર્ટરમાં 25 ટકા જેટલી અર્થાત રૂા.12 કરોડની આવક થઇ ચુકી હોવાનું એ.ટી.પી.ઓ.એ જણાવ્યુ હતું અને વાર્ષિક લક્ષ્યાંક સિધ્ધ થઇ જવા અંગે દ્રઢ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.