Abtak Media Google News

શહેરમાં રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ થઇ રહ્યા છે અને આવા રખડતા પશુઓએ અનેક નિર્દોષ લોકોને ઇજાગ્રસ્ત પણ કર્યા છે. તેમજ વ્યાપક પ્રમાણમાં વાહનોને પણ નુકશાન પહોચાડી રહ્યા છે. તાજેતરમાં ચૌહાણ ફળીમાં જે નિર્દોષ મહિલાને ગાયે ઇજાગ્રસ્ત કરી છે તે બનાવને લઇને શહેરમાં ભારે ચર્ચા જાગી છે અને આવા રખડતા પશુઓની સામે મહાનગરપાલિકા દ્વારા તાકીદે કાર્યવાહી થાય તે જરૂરી છે.

શહેરના ચૌહાણ ફળીમાં ઘર તરફ જતી મહિલાને બહાર રોડ પરથી ગલીમાં દોડી આવીને એક ગાયે ખુંદી નાંખવાની ઘટનાથી રખડતા પશુઓના ત્રાસ નિવારવામાં સદંતર નિષ્ફળ ગયેલા મહાનગર પાલિકાના તંત્રએ ખોંખારો ખાઇને ફરી પશુ પાલકોને કડક ચેતવણી આપી છે. બીજી તરફ મ્યુ. તંત્ર સામે કાનુની જંગ માંડનાર એડવોકેટ દ્વારા 2018ની સાલમાં એસડીએમની અદાલતે કરેલા હુકમની સંપુર્ણ અમલવારી કરાવવાની માંગ સાથે કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

શહેરમાં ગત મંગળવારે યુવતી પર ગાયના હુમલાની ઘટનાના વાયરલ થયેલા વિડીયો બાદ મ્યુ. તંત્ર રખડતા પશુઓના મામલે કરે છે શું? તેવો પ્રશ્ર્ન પણ લોકોના મનમાં ફરી ઉઠયો છે. ત્યારે સોલીડ વેસ્ટ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા શહેરમાં છુટ્ટા મુકી દેતા પશુઓના માલિકો સામે હવેથી કડક કાર્યવાહી આવશે. તેવી શહેર ચેતવણી આપવામાં આવી છે. સોલીડવેસ્ટ વિભાગના નાયબ કાર્ય પાલક ઇજનેર દિપકભાઇ શીંગાળા જણાવે છે કે, ચાલુ માસમાં તંત્રએ 76 પશુઓ પકડયો છે.

પશુ માલિકોને પોતાના ઢોર રસ્તા પર ન છોડવા તાકીદ કરવામાં આવી છે. હવેથી માર્ગો પર રખડતા માલિકીના પશુઓ છોડવામાં નહી આવે, માલિકો સામે દંડાત્મક કાર્યવાહી થશે.તેમજ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. બીજી તરફ વર્ષ 2018માં એસડીએમમાં ફરિયાદ કરનાર એડવોકેટ હિરેન ગુઢકા દ્વારા શહેરમાં રખડતા પશુઓ મામલે એસડીએમ અદાલતે મ્યુ. કોર્પો.ને રખડતા પશુઓનો ત્રાસ કાયમી ધોરણે દુર કરવા કરેલા આદેશ બાદ હવે આ આદેશની ચુસ્ત અમલવારી કરાવવા જિલ્લા કલેકટર અને એસડીએમને લેખિત રજૂઆત કરીને માંગ કરવામાં આવી છે. તંત્રએ જવાબ આપ્યો છે કે, દૈનિક વોર્ડ વિસ્તારોમાં એક અને એક જાહેરમાર્ગો પર સોલીડ વેસ્ટ વિભાગની ટીમો ફરીને 15 પશુઓ પકડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.