Abtak Media Google News

મંત્રીએ સમર્થ યોજના હેઠળ તાલીમ પૂર્ણ કરેલ 45 બહેનોને પ્રમાણપત્ર એનાયત કરી  બાંધણી અને એપ્લિક વર્કની કામગીરીની પ્રશંશા કરી

ભારત સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી  દર્શનાબેન જરદોશે જામનગર શહેરના જૂના નાગના વિસ્તારમાં આવેલા હસતશિલ્પ ક્લસ્ટરમાં હસતશિલ્પના કારીગર બહેનો સાથે સંવાદ યોજ્યો હતો. જેમાં મંત્રી એ જામનગરની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ બાંધણી અને એપ્લિક વર્કની કામગીરી નિહાળી હતી. આ બહેનોએ સરકારની સમર્થ યોજના હેઠળ તાલીમ મેળવીને વિવિધ વસ્તુઓ બનાવવાનું કૌશલ્ય પ્રાપ્ત કરી તેમાંથી પર્સ, દુપટ્ટા, ફાઈલો,રજાઈ,પડદા, ડ્રેસ,સાડી જેવી અનેક વિવિધ વસ્તુઓ બનાવે છે. જે કામગીરીનું મંત્રી એ નિરીક્ષણ કર્યું હતું. તેમજ જામનગરની પ્રખ્યાત બાંધણીની અવનવી ડિઝાઈનો અને તેમાંથી બનાવવામાં આવેલ વસ્તુઓનું પણ નિરીક્ષણ કરી બહેનોની કામગીરીની પ્રશંશા કરી હતી.

જામનગર જિલ્લાની બહેનોએ વર્ષ 2022માં સમર્થ યોજના હેઠળ 52 દિવસની એપ્લિક ટ્રેનિંગ લઈ એપ્લિક વર્ક બનાવવાની આવડત પ્રાપ્ત કરી છે. આ 45 બહેનોને કેન્દ્રીયમંત્રી  દર્શનાબેન જરદોશ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કામ શીખી જામનગર જિલ્લાની બહેનો આત્મનિર્ભર બની છે. અને સરકાર દ્વારા વિવિધ જગ્યાઓ પર સ્ટોલ ઊભા કરીને બહેનોએ તૈયાર કરેલી વસ્તુઓ સીધી ગ્રાહકો સુધી પહોંચે તે પ્રકારે આયોજન કરવામાં આવે છે. જામનગર જિલ્લાની બહેનોએ સમર્થ યોજના હેઠળ મેળવેલ તાલીમનો અનુભવ પણ મંત્રી એ જાણ્યો હતો.

ઉપરાંત કેબિનેટમંત્રી ના હસ્તે જામનગર ડિઝાઇનર સેન્ટર કંપનીનું તેમજ હેન્ડક્રાફ્ટ એમ્બ્રોડોરી વેબસાઇટનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના હસતશિલ્પના કારીગરોએ તૈયાર કરેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

આ સંવાદ કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, અગ્રણીઓ  વિમલભાઈ કગથરા,  વિજયસિંહ જેઠવા,  લાલજીભાઇ સોલંકી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના દર્શિત ભટ્ટ,  કાર્તિક ચૌહાણ, અધિકારી ઓ તેમજ બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રેલવે સ્ટેશનના બાંધણીના વેંચાણ કેન્દ્રની મુલાકાત લેતા મંત્રી

Screenshot 6 8

ભારત સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી  દર્શનાબેન જરદોશ સમીક્ષાર્થે જામનગર રેલવે જંકશન પહોંચ્યા હતા.જ્યાં તેઓએ રેલવે પ્લેટફોર્મ પર ભારત સરકારના સહયોગથી કાર્યરત બાંધણી વેંચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ઉત્પાદક પાસેથી બાંધણી વિશેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.જી.આઈ.ટેગીંગ જામનગરની બાંધણી વૈશ્વિક સ્તરે પહોંચે અને લોકોમાં વધુમાં વધુ પસંદગી પામે તે માટે સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલ પ્રયાસો અને યોજનાઓ વિશે ઉપસ્થિત સૌને મંત્રી એ આ તકે માહિતગાર કર્યા હતા. દર્શના જરદોશે જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ ની સમીક્ષા કરી હતી અને સ્ટેશન પર સ્થિત “વન સ્ટેશન વન પ્રોડક્ટ” સ્ટોલ અને અન્ય કેટરિંગ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું.

તેમણે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર  અનિલ કુમાર જૈન અને ભાવનગર ડીવીઝનલ રેલવે મેનેજર  મનોજ ગોયલ સાથે બંને ડીવીઝનને લગતા રેલવે પ્રોજેક્ટ ની સમીક્ષા કરી હતી. આ સાથે તેમણે જામનગર સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે રેલવે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ પ્રસંગે જામનગરના  મેયર  બીના બેન કોઠારી, રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  સુનિલ કુમાર મીના, ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશુક અહેમદ અને બંને ડિવિઝનના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બાંધણીને પટોળાની જેમ વૈશ્વિક કક્ષાનું પ્લેટફોર્મ મળે તે અંગે સૂચનો આપતા મંત્રી

Screenshot 5 9

જામનગર જિલ્લામાં ટેકસટાઇલ, હેન્ડલુમ તથા હેંડીક્રાફ્ટ ઉદ્યોગને વેગ મળે તેમજ જામનગરના  ઉદ્યોગો સાથે સંકળાયેલ કારીગરોને કેન્દ્ર સરકારની યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે તે હેતુથી કેન્દ્ર સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

બેઠકમાં મંત્રી એ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કારીગરોને અપાતાં આર્ટીસન કાર્ડ, સમર્થ સ્કીમ હેઠળ કારીગરોને અપાતી તાલીમ અને લાભો વગેરે બાબતે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે જામનગરના વધુમાં વધુ કારીગરો સમર્થ સ્કીમ હેઠળ તાલીમ મેળવે અને પોતાનું કૌશલ્ય વિકસિત કરે.મંત્રી એ હેન્ડલુમ, હેંડીક્રાફ્ટ અને ટેકસટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલ કારીગરોને કેન્દ્ર સરકારની યોજનાઓના મહત્તમ લાભો પહોંચે તે અંગે પણ આયોજનો સુનિશ્ચિત કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

જ્યારે જામનગરની બાંધણીને પણ પાટણના પાટોળાની જેમ જ વૈશ્વિક કક્ષાનું પ્લેટફોર્મ મળે તે દિશામાં કામગીરી હાથ ધરવા ઉપસ્થિત સૌ કોઈને સૂચન કર્યું હતું. બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા કલેક્ટર  ડો.સૌરભ પારધી, અધિક કલેક્ટર  બી.એન.ખેર, હેંડીક્રાફ્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રવીવિર ચૌધરી, ટેકસટાઇલ કમિશ્નરના નાયબ નિયામક  સૌરભ સિન્હા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરના જનરલ મેનેજર  પી.બી.પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.