Abtak Media Google News

ચોમાસાને ગણતરીના દિવસો બાકી હોવા છતાં હજુ કેનાલ અને નાળાની સફાઇ બાકી હોય ગંદકીથી ખદબદી રહી છે. નવાઇની વાત તો એ છે કે, ગત 13 મે ની સ્ટેન્ડીંગ કમિટીમાં રૂ.45 લાખનો ખર્ચ પણ મંજૂર થઇ ગયો છે ત્યારે જો આટલી કામગીરી ધીમી ચાલશે તો આખા શહેરની સફાઇમાં ચોમાસું નીકળી જશે તેમાં બે મત નથી. જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત શહેરમાં કેનાલ અને નાળાની સફાઇ શરૂ કરવામાં આવી છે.

સ્ટેન્ડીંગ કમિટીમાં રૂ.45 લાખનો ખર્ચ પણ મંજૂર થઇ ગયો છે: કામગીરી આટલી ધીમી ચાલશે તો આખા શહેરની સફાઇમાં ચોમાસું પણ નીકળી જશે

આ માટે ગત તા.13 એપ્રિલના મળેલી સ્ટેન્ડીં કમિટીની બેઠકમાં રૂ.46 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, કેનાલ અને નાળાની સફાઇ કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે. જેના કારણે શહેરમાં અંબર ચોકડી, નવાગામ ઘેડ સહિતના વિસ્તારોમાં આવેલી કેનાલો ગંદકીથી ખદબદી રહી છે. જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસું માથે ઝંળુબી રહ્યું છે ત્યારે જો કેનાલ અને નાળાની સફાઇ સમયસર નહીં થાય તો આ વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાતા લોકોની સમસ્યા બેવડાશે તેમાં બે મત નથી.

Orig 25 1622917122

અત્રે નોંધનીય છે કે, મનપા દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે કેનાલ અને નાળાની સફાઇ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કેનાલોની સફાઇ યોગ્ય રીતે ન થતાં મોટા ભાગનો ખર્ચ પાણીમાં જતો હોવાની સ્થિતિ પ્રર્વતી રહી છે.

દળી દળીને ઢાંકણીમાં : કચરા અને ગંદકીથી ખદબદતું તળાવ

મીગ કોલોની પાછળ તેમજ અન્ય તળાવમાં પાણી ખૂટી જતાં કિનારા પર પારાવાર કચરો અને ગંદકી જોવા મળી રહી છે. ચોમાસામાં વરસાદ થતાં તળાવમાં પાણી આવે છે. બીજી બાજુ તળાવમાં પાણીના કારણે ડંકીના તળ સાજા રહે છે. ત્યારે ચોમાસું માથે ઝંળુબી રહ્યું હોવા છતાં તળાવમાં ગંદકી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા સફાઇ કરવામાં ન આવતા અનેક સવાલ ઉઠયા છે તો શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

વર્ષોથી ખુલ્લી કેનાલો જોખમી

જામનગરમાં અનેક કેનાલો વર્ષોથી ખુલ્લી છે. જેમાં અનેક વખન રખડતા ઢોર તેમજ વ્યકિતઓ પડી ગયાના બનાવ બની ચૂકયા છે. આમ છતાં મનપા દ્વારા આ કેનાલો ઢાંકવામાં આવતી નથી. અત્રે નોંધનીય છે કે, કેનાલો સફાઇ પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કેનાલ ખુલ્લી રહેતા દળી દળીને ઢાંકણીમાંની સ્થિતિ પ્રર્વતી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.