જામનગરની ‘જી જી’ને સુરક્ષિત કરાઇ, બાકીની હોસ્પિટલો ક્યારે?

રાજકોટ કોવિડ હોસ્પિટલની દુર્ઘટનાના પગલે તંત્ર જાગ્યું

જૂના તમામ સાત બિલ્ડીંગોનો સર્વે કરતી સુપ્રિન્ટેન્ડન્ટ, તબીબો, ફાયરની ટીમ ક્ષ વિવિધ બોર્ડમાં નવા એકઝીટ ગેટ ઉભા કરવા સુચન

રાજકોટની હોસ્પિટલમાં આગની દુર્ઘટનાને પગલે અત્રેની જી જી હોસ્પિટલમાં તકેદારીના પગલા લેવાની શરૂઆત કરાઈ છે. હોસ્પિટલમાં જૂના તમામ બિલ્ડીંગનું સુપ્રિન્ટેન્ડન્ટ તથા ફાયરની ટીમે ચેકિંગ કરી નવી ફાયર સિસ્ટમ ઉભી કરવા, વાયરો બદલતા તથા અલગ અલગ વોર્ડમાં વધુ એકઝીટ ગેટ ઉભા કરવા રિપોર્ટ તૈયાર કરાયો છે. સરકારને મોકલવા રિપોર્ટના આધારે કાર્યવાહી થશે.

જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના જુના બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમનો સંપૂર્ણપણે અભાવ જોવા મળ્યો છે ત્યારે જી.જી.હોસ્પિટલના અધિકારીઓની ટીમની સાથે ફાયર બ્રિગેડ શાખાની ટુકડી તેમજ ઇલેક્ટ્રિકલ વિભાગની ટૂકડી વગેરે દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને જૂના તમામ સાત બિલ્ડિંગમાં નવી ફાયર સિસ્ટમ ઊભી કરવા માટેનો રિપોર્ટ તૈયાર કરાયો છે.

જી જી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. નદીની દેસાઈ તથા અન્ય તબીબોની ટીમ સાથે મહાનગરપાલિકાની ફાયર શાખાના અધિકારી જયવીરસિંહ રાણા ઉપરાંત ઇલેક્ટ્રિકલ વિભાગના અધિકારીઓની ટુકડી દ્વારા જી જી હોસ્પિટલના જુના તમામ બિલ્ડિંગોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જુદા-જુદા વિભાગોના બિલ્ડિંગમાં ફાયર બ્રિગેડની નવી સિસ્ટમ ઉપલબ્ધ કરાવવા માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. જો કે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ દ્વારા ૨૦૧૩ની સાલથી ફાયર સિસ્ટમ વસાવવા માટેનો અભિપ્રાય જી.જી. હોસ્પિટલમાં સત્તાવાળાઓને અગાઉ પણ અપાઇ ચૂક્યા છે. જે આજે ફરીથી સર્વેની કામગીરી હાથ ધરી રિપોર્ટ આપ્યો છે.

આ ઉપરાંત જી. જી. હોસ્પિટલમાંથી કેટલાક જુદા-જુદા વોર્ડમાં  નવા એક્ઝિટ ગેઇટ ઉભા કરવા પણ સૂચન થયું હતું. જુના બિલ્ડીંગની લોબી તથા વોર્ડમાં ઈલેક્ટ્રીકના જુના વાયરીંગ હોવાથી જોખમ ઊભું થઈ શકે તેમ છે જેને લઇને ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા કેટલાક વાયરો બદલવા માટેનો અભિપ્રાય અપાયો હતો. ઉપરાંત જરૂર પડયે ઈલેક્ટ્રીકના નવા જંકશન ઉભા કરવા માટેના પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. તમામ સૂચનોને ધ્યાનમાં લઈને જી.જી. હોસ્પિટલમાં નવી ફાયર તેમજ ઇલેક્ટ્રિકની સુવિધા ઉભી કરવા માટેની વ્યવસ્થા ગોઠવવા આવી રહી છે.

૧૨ તબીબોની વધુ એક ટુકડી અમદાવાદ મોકલાઈ: અગાઉ ગયેલી તબીબ ટુકડી પરત ફરી

દિવાળીના તહેવાર બાદ સમગ્ર રાજ્યમાં સંક્રમણ વધી જવાને કારણે કોરોનાએ કહેર મચાવ્યો છે તેમાં ખાસ કરીને અમદાવાદમાં ઢગલાબંધ કેસો આવવા લાગતા તબીબોની ઘટ વધતા અગાઉ જામનગરથી ૧૨ ડોકટરોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ તેઓ પરત આવી ગયા બાદ અન્ય ૧૨ ડોકટરોની ટિમ ફરજ બજાવવા રવાના કરવામાં આવી છે. અમદાવાદમાં વકરી રહેલ કોરોનાના કેસોને કારણે સિવિલ હોસ્પિટલમાં રોજે રોજ કોરોના સંક્રમિત સેંકડો કેસો આવતા જાય છે અને હવે તો ખાટલા પણ ઓછા પાડવા લાગ્યા છે. તેવામાં તબીબોની વધુ જરૂરિયાત ઉભી થતા અન્ય જિલ્લાઓમાંથી તબીબોની મદદ લેવાઈ રહી છે. અગાઉ જામનગરથી ૧૨ તબીબોની ટુકડી ફરજ બજાવવા ગઈ હતી. જેનો સમય પૂરો થઈ જતા તેઓ પરત આવી ગયા બાદ અન્ય ૧૨ તબીબોની ટુકડી અમદાવાદ સિવિલમાં ફરજ બજાવવા મોકલવામાં આવી છે.