જનતા મક્કમ, ભાજપ મજબૂત: ‘વિજયભાઈ અડીખમ’

વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી અને 6 મહાનગરપાલિકાઓમાં ભવ્ય વિજય બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની જાજરમાન જીત બાદ વિજયભાઇ રૂપાણીનું રાજકીય કદ વધ્યુ: દેશભરમાં નોંધ લેવાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો ગુંજતો કર્યો છે. આ નાદને જાણે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીએ બરાબર પકડી લીધો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં સંપૂર્ણપણે સફાયો રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં ભાજપનો રેકોર્ડબ્રેક વિજય અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં અઢી દાયકામાં ભાજપનો સૌથી મોટા વિજય બાદ ગુજરાતની જનતાએ એ સાબીત કરી દીધુ છે કે તેઓ વિકાસની રાજનીતિને જનાદેશ આપવા માટે મક્કમ છે. જેના કારણે ભાજપ દિન-પ્રતિદિન વધુ મજબૂત બની રહ્યો છે અને વિજયભાઈ રૂપાણીનું રાજકીય કદ સતત વજનદાર થઈ રહ્યું છે.

ગત વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. આ તમામ બેઠકો ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લઈ વિધાનસભામાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી હતી. પેટા ચૂંટણીમાં મળેલી જીત બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજકીય કદ વધ્યું હતું. દરમિયાન તાજેતરમાં રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણીના પરિણામમાં ભાજપનો વિજય વાવટો શાન સાથે લહેરાયો હતો અને તમામ મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત થઈ હતી. જનતા જનાર્દને કોંગ્રેસને લાયક વિપક્ષ તરીકે બેસી શકે તેટલી બેઠક પણ આપી નથી. તો સુરતમાંથી તો કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શક્યુ ન હતું. આ ચારમાં પરાજયની કળ વડે તે પૂર્વે જ ફરી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે. 2015માં પાટીદાર અનામત આંદોલનના સહારે કોંગ્રેેસે 31 માંથી 24 જિલ્લા પંચાયતોમાં બહુમતિ હાસલ કરી હતી. આ વખતે કોંગ્રેસ પાસે કોઈ મુખ્ય મુદ્દો ન હોવાના કારણે શહેરી જનતાની માફક ગામડાના લોકોએ પંજાને મરડી નાખ્યો હતો. 31 જિલ્લા પંચાયત પૈકી કોંગ્રેસને સમખાવા પુરતી એક પણ જિલ્લા પંચાયત મળી નથી.

આટલું જ નહીં 29 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ બે આંકડામાં પણ બેઠક હાસલ કરી શકી નથી જે દર્શાવે છે કે પક્ષનો કેટલો રકાશ થયો છે. 81 નગરપાલિકાઓમાંથી 78 નગરપાલિકાઓમાં ભાજપ સ્પષ્ટ બહુમતિ સાથે વિજેતા બન્યું છે. કોંગ્રેસને ફાળે માત્ર 2 નગરપાલિકા આવી છે જ્યારે 1 નગરપાલિકામાં અન્ય વિજેતા બન્યું છે. 231 તાલુકા પંચાયત પૈકી 211 તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના કારમા પરાજય બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામા આપ્યા હતા અને હાઈ કમાન્ડે પણ 1 મીનીટની રાહ જોયા વગર બન્નેના રાજીનામા મંજૂર કરી લીધા હતા.

ગુજરાતની જનતાએ એક વાતનું મન બનાવી લીધુ છે કે તેઓ વિકાસની રાજનીતિ સાથે મક્કપણે ઉભા રહેવા માંગે છે. જેના કારણે ભાજપ દિન-પ્રતિદિન સતત મજબૂત બની રહ્યું છે. અને છાશવારે એવી ચર્ચાઓ થતી હતી કે, વિજયભાઈ રૂપાણીએ હવે ટૂંક સમયમાં મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડશે તેવી ચર્ચાઓ હવે સંપૂર્ણપણે પૂર્ણ વિરામ મુકાયું છે. જે રીતે વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી, છ મહાપાલિકાની ચૂંટણી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની થયેલી ઐતિહાસિક જીત બાદ હવે વિજયભાઈનું રાજકીય કદ ખુબજ વધી ગયું છે અને તેઓ હવે અડીખમ થઈ ગયા છે. 2022ની ચૂંટણી ભાજપ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જ નેતૃત્વમાં લડે તે વાતમાં હવે રતિભારની પણ શંકા રહી નથી. બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેને પણ કાર્યકરોએ સહર્ષ સ્વીકાર્યા છે જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો અક્લ્પનીય અને ઐતિહાસિક વિજય થયો છે.