પોલીસ સ્ટેશનોમાં જંગલરાજ નાથવા સીસીટીવી ફરજિયાત!

અનેક રાજ્ય સરકારોને ઠપકો, સીસીટીવી કેમેરા લગાવવા એ પ્રજાની સલામતીથી જોડાયેલો મામલો: સુપ્રીમ

દેશભરના પોલીસ મથકમાં જ્યારે સામાન્ય પ્રજાને જવું હોય ત્યારે હંમેશથી સજ્જનોને ભય સતાવતો હોય છે. પોલીસ મથકમાં જો મારી સાથે ખરાબ વર્તન થશે તો? મારી ઉપર ખોટો કેસ દાખલ કરી દેવામાં આવશે તો? મારી સાથે મારકૂટ કરવામાં આવશે તો? સહિતના સવાલોના કારણે સજ્જનો ક્યાંક પોલીસ સ્ટેશન જવાનું મોટાભાગે ટાળતા હોય છે. પોલીસ સ્ટેશનના આ ’જંગલરાજ’ને અટકાવવા સુપ્રીમ કોર્ટ દેશભરના તમામ પોલીસ મથક અને તપાસ એજન્સીઓની ઓફિસમાં સીસીટીવી કેમેરા ફરજિયાતપણે હંગામી ધોરણે લગાવવા ટકોર કરી છે. જેનો સીધો ફાયદો સજ્જનોને થશે. સીસીટીવી કેમેરા પોલીસ સ્ટેશનમાં થતી તમામ ઘટનાઓને પર બાજ નજર રાખશે જેથી પોલીસકર્મીઓ કોઈ પણ પગલાં લેતા પૂર્વે એક વાર વિચાર જરૂર કરશે.

સુપ્રીમે અગાઉ તેના એક ચુકાદામાં દેશભરના તમામ પોલીસ મથકમાં તેમજ તપાસ એજન્સીઓની દફતરમાં હંગામી ધોરણે સીસીટીવી કેમેરા લગાવવા આદેશ કર્યો હતો. જેનું પાલન કરવામાં ક્યાંક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઢીલાશવૃત્તિ બતાવતી હોય ત્યારે સુપ્રીમે સરકારને હંગામી ધોરણે સીસીટીવી કેમેરા લગાવી દેવા આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ખર્ચ કરવામાં આવેલી રકમની વિગતો આપવા જણાવ્યું છે.  કોર્ટે આ આદેશ ’એમીકસ ક્યુરિયા’ના અહેવાલને આધારે જારી કર્યો છે.  અહેવાલ મુજબ, છેલ્લા દોઢ વર્ષમાં હરિયાણા અને તેલંગાણાએ તેના પર એક પૈસો પણ ખર્ચ કર્યો નથી.  કોર્ટે હરિયાણા અને તેલંગાણા સરકારને પોતાનું બજેટ નક્કી કરવા અને પાછલા આદેશની અમલવારી કરવા અને ચાર મહિનામાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા આદેશ આપ્યો છે.  રિપોર્ટ અનુસાર, કર્ણાટકના મોટાભાગના 1054 પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે.  બાકીના વર્ષના અંત સુધીમાં રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.  કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, હવે તે રાજ્યોને વધુ સમય આપવાની તરફેણમાં નથી.

કોર્ટે કહ્યું કે, અમને અંદાજ અને મંજૂરીની વાત ના કહેશો.  અમને તેમાં રસ નથી.  આ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવવાની બાબત લોકોની સલામતીને લગતી છે.  હવે રાજ્ય સરકારો કેબિનેટ મંજૂરી જેવી દલીલો કરી રહી છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં અમારા આદેશનું પાલન કરવાનો ઇનકાર કરી રહ્યા છે.

એમિકસના અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળએ પાંચ વર્ષના વિસ્તરણ સાથે પણ કંઇ કર્યું નથી.  વકીલે કહ્યું, ચૂંટણી આવી ગઈ છે. જેના જવાબમાં કોર્ટે કહ્યું કે, 30 જૂન સુધીમાં બજેટ બનાવો અને તેને આગામી છ મહિનામાં પૂર્ણ કરો.  કેરળએ કહ્યું કે 1200 પોલીસ સ્ટેશનમાં કામગીરી થઈ છે, ફક્ત 523 પોલીસ સ્ટેશન બાકી છે.  બજેટ તૈયાર છે, ચૂંટણી બાદ કામગીરી પૂર્ણ થશે.  પંજાબે કહ્યું કે અમે 2018માં તમામ પોલીસ સ્ટેશનોમાં કેમેરા લગાવ્યા હતા અને હવે અમે નાઈટ વિઝન કેમેરા સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ.

 

યુ.પી. સરકારે સીસીટીવી પ્રોજેકટ માટે ત્રણ વર્ષનો માંગ્યો સમય, ફક્ત 6 મહિનાનો સમય મળશે: સુપ્રીમ

અમિકસે અહેવાલમાં યુપી વિશે કહ્યું છે કે, ત્યાં ત્રણ વર્ષ વેડફાઈ ગયા હતા. તેઓ પ્રોજેક્ટના અમલીકરણ માટે વધુ ત્રણ વર્ષનો સમય ઈચ્છે છે. યુપીના વકીલે કહ્યું કે, આગામી ત્રણ વર્ષ માટે અમે દરેક પોલીસ સ્ટેશનમાં તબક્કાવાર રીતે સીસીટીવી કેમેરા લગાવવાનું લક્ષ્ય અને બજેટ નક્કી કર્યું છે.જે અંગે  કોર્ટે યુપી સરકારના સોગંદનામાની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે, અમે તે વાંચ્યું છે પણ તેમાં અમારા સવાલ અને સમાધાનનો કોઈ ઉલ્લેખ નથી. ત્રણ વર્ષ મુલતવી રાખવું ખૂબ વધારે છે.  બજેટ નક્કી થયા પછી અમે વધુમાં વધુ છ મહિના આપી શકીએ છીએ.

ગુજરાતમાં હવે ફક્ત 122 પોલીસ સ્ટેશનો જ સીસીટીવી કેમેરાથી વંચિત

ગુજરાતનું પ્રદર્શન પ્રમાણમાં સારું રહ્યું છે પરંતુ બાકીના 122 પોલીસ સ્ટેશનોમાં તેઓએ સીસીટીવી લગાવવા માટે દોઢ વર્ષનો સમય માંગ્યો હતો, જે કોર્ટે આપ્યો નથી.  કોર્ટે કહ્યું બાકીનું કામ હરિયાણાની સમયરેખામાં પૂર્ણ કરો. મધ્યપ્રદેશે પણ તમામ 1127 પોલીસ સ્ટેશનોમાં કેમેરા લગાવવા માટે 2023 સુધીનો સમય માંગ્યો હતો પરંતુ કોર્ટે બજેટ નક્કી કરવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો અને તેને ચલાવવા માટે વધુ છ મહિનાનો સમય આપ્યો હતો.

બેદરકારી બદલ બિહારને પણ ઠપકો

બિહાર સરકારના સોગંદનામામાં કોઈ બજેટ અને સમયમર્યાદા ન હોવાથી ગુસ્સે ભરાયેલી અદાલતે પૂછ્યું, તમે અત્યાર સુધી શું કરો છો?  જો તમે અમારા આદેશનો ઝડપથી અમલ નહીં કરો તો અમે તમારા સેક્રેટરીને કોર્ટની અવમાનની નોટિસ ફટકારીને કાર્યવાહી કરીશું.  તમને આગામી નવ મહિનામાં ત્રણ મહિનામાં બજેટ અને રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવા આદેશ આપીએ છીએ.

ફક્ત 6 સપ્તાહમાં કામ પૂર્ણ કરી લેવા મહારાષ્ટ્ર સરકારને ટકોર

જ્યારે કોર્ટે મહારાષ્ટ્રને કહ્યું કે તમે કંઇ કર્યું નથી. ત્યારે રાજ્યના વકીલે કહ્યું, અમે તે કર્યું છે અને એફિડેવિટ પણ આપ્યો છે.  માર્ચના અંત સુધીમાં રાજ્યના તમામ 1174 સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે પરંતુ વકીલની અરજી પર નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે રાજ્ય સરકારના સેક્રેટરી પાસે એફિડેવિટ માંગ્યું કે તે છ અઠવાડિયામાં કામ પૂર્ણ કરે.