જાની, યે બચ્ચો કે ખેલને કી ચીજ નહિ હૈ : હાલના સોશિયલ મીડિયાના ટ્રેન્ડની રમત સામે હાઇકોર્ટે પણ આપી ચેતવણી

માત્ર બે ઘડીની મજા માટે કોઈ વ્યક્તિ વિરુદ્ધ કરેલી પોસ્ટ તેની છબી જીવનભર માટે ખરડી શકે છે: હાલના ટ્રેન્ડ સામે હાઇકોર્ટે પણ આપી ચેતવણી

રાજકુમારનો એક ફેમસ ડાયલોગ છે. જે તેઓ ચપ્પુ માટે કહી રહ્યા છે. ડાયલોગ એવો છે કે ’ જાની, યે બચ્ચો કે ખેલને કી ચીજ નહિ હૈ’. આ ડાયલોગ હવે સોશિયલ મીડિયા માટે બરાબર બંધ બેસી રહ્યો છે. કારણકે સોશિયલ મીડિયાના ઉપયોગથી હવે લોકો ગમે તેની છબી ખરડી નાખે છે.

જો કે હવે સરકાર પણ આ ટ્રેન્ડ વિરુદ્ધ મેદાનમાં આવી ગઈ છે. હજુ આગામી દિવસોમાં પણ સરકાર કડક એક્શન લ્યે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. સોશિયલ મીડિયાના યુગમાં, જાહેર હસ્તીની પ્રતિષ્ઠાનું અપમાન એ બાળકની રમત સમાન બની ગયું છે, એમ દિલ્હીના ઉચ્ચ અદાલતે મંગળવારે એક કેસમાં અવલોકન કર્યું હતું.

અદાલતે ચેતવણી આપી હતી કે કોઈ પણ વ્યક્તિની સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંદેશા પોસ્ટ કરે તે પહેલાં સો વખત વિચારવું જરૂરી છે.આ કેસમાં ન્યાયમૂર્તિ સી. હરિ શંકરના અવલોકન કરી સાકેત ગોખલેને ભૂતપૂર્વ રાજદ્વારી લક્ષ્મી મુર્ડેશ્વર પુરી વિરુદ્ધ કથિત બદનક્ષીભર્યા ટ્વીટ્સને તરત જ ડીલીટ કરી નાખવાના નિર્દેશ આપતા હતા.  કોર્ટે તેમને અને તેના પતિ, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીને વધુ નિંદાત્મક ટ્વીટ મૂકતા પણ તેમને પ્રતિબંધિત કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ અનેકવિધ કિસ્સા સામે આવ્યા છે કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની ખામી કે અન્ય કોઈ મુદાને લઈને તેને ટ્રોલ કરવામાં આવે છે. ઉપરાંત અન્ય લોકો પણ તેને પ્રોત્સાહન આપી તેને શેર કરે છે. જો કે હવે આ કિસ્સાઓને સરકાર ગંભીરતાથી લઈ રહી છે. આવા કિસ્સાઓમાં સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા કન્ટેન્ટને શેર કરવાની ભૂલ પણ ભારે પડી શકે છે

કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતું કન્ટેન્ટ બનાવવું તે તો ગુનો છે જ ઉપરાંત આ ક્ધટેન્ટને શેર કરવું પણ ભારે પડી જ શકે છે. તાજેતરમાં જ એક વ્યક્તિએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વીડિયોમાં ચેડાં કરી તેને વાયરલ કર્યો હતો. ગુજરાત પોલીસે આ શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જો કે હજુ સુધી આવું નુકસાનકારક ક્ધટેન્ટ ફોરવર્ડ કરનારાઓ સામે કોઈ ગુનો નોંધાયો હોવાનું ધ્યાને આવ્યું નથી. પણ ખરેખર આવા કન્ટેન્ટને શેર કરવું પણ ગુના જેવું જ હોય આગામી દિવસોમાં નુકસાનકારક કન્ટેન્ટ શેર કરનારાઓ વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે તે નક્કી છે.