જન્માષ્ટમીના લોકમેળાને ‘મલ્હાર’ નામ અપાયું

janmashtamis-lokmanya-was-named-malhar
janmashtamis-lokmanya-was-named-malhar

છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રાગૈતિહાસિક સ્થળ મલ્હાર પરથી મેળાનું નામકરણ

આ વર્ષે જાહેર જનતા પાસેથી નામોનું સુચન ન મંગાવાયું: કાલી લોકમેળાના સ્ટોલ માટેના ફોર્મનું વિતરણ શરૂ

આગામી જન્માષ્ટમીના પર્વમાં રાંધણ છઠ્ઠ એટલે કે, તા.૨૨ ઓગસ્ટથી પાંચ દિવસ સુધી રાજકોટ શહેરના રેસકોર્સના મેદાનમાં યોજનારા લોકમેળાનું નામકરણ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાને મલ્હાર એવું નામ આપવામાં આવ્યું છે. આ નામ છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રાગૈતિહાસિક સ્થળ મલ્હાર પરથી આપવામાં આવ્યું છે.

કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં મલ્હાર નામનું પૌરાણિક નગર છે. જ્યાં, ઇ. સ. પૂર્વે ૧૦૦૦ કાળના શૈવ, વૈષ્ણવ,જૈન અને બુદ્ધની પ્રતિમાઓ આવેલી છે. મલ્હારમાં તે સમયે એક સોથી પણ વધુ મંદિરો આવેલા છે. આ સ્થળ પુરાત્વીય સ્થળ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યોજના એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ સાંસ્કૃતિ આદાનપ્રદાન માટે પેર સ્ટેટ ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે જોડાણ થયું છે. ઓ જોડાણ વર્ષ ૨૦૧૬-૧૭માં કચ્છના સફેદ રણ ખાતે યોજાયેલી ટુરિઝમ કોન્ક્લેવ દરમિયાન કરવા આવ્યું હતું. એ અંતર્ગત લોકમેળાનું મલ્હાર નામ રાખવા વિચારણા કરવામાં આવી હતી. મલ્હાર નામનો શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં એક રાગ છે. જે વરસાદ માટે ગાવામાં આવે છે. વર્ષાઋતુમાં યોજાતા લોકમેળામાં આ નામ પણ આ કારણથી એકદમ યોગ્ય જણાતા મલ્હાર એવું નામકરણ કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એવી પણ વિચારણા કરવામાં આવી રહી છે કે આગામી જન્માષ્ટમીના પર્વ દરમિયાન વાઇલ્ડ ફ્લાવર વેલી, ઇશ્વરિયા પાર્ક ખાતે મુલાકાતીઓનો ધસારો રહે છે. તેથી ત્યાં પણ એક સ્થળ નિયત કરી નાની ચકરડીવાળાને તેમની પાસેથી ભાડુ વસુલી મંજૂરી આપવી.

મલ્હાર લોક મેળાની વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારોઓ ચાલી રહી છે. લોકમેળામાં સ્ટોલ માટેના ફોર્મનું વિતરણ કાલથી શરૂ કરવામાં આવશે.