Abtak Media Google News

દુબઈમાં રહેલો જયેશ પટેલનો મદદગાર હવાલા મારફત મેળવેલા નાણાં ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરી રહ્યાનો ઘટસ્ફોટ

બિટકોઈન કૌભાંડના મુખ્ય આરોપી સંકળાયેલી એક મહિલાએ જામનગરના ગેંગસ્ટર જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલની કથિત રીતે હાઈ-પ્રોફાઈલ લિંકના પુરાવા આપવાની ઓફર રાજ્ય પોલીસને આપી છે, જે હાલમાં લંડનની જેલમાં છે. નિશા ગોંડલિયા નામની આ મહિલા ગુજરાતમાં ઝડપાયેલા બિટકોઈન કૌભાંડમાંના એક મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટની ભાભી છે. તેણીએ ગુજરાત પોલીસને પત્ર મોકલ્યો હતો. તેણીએ દાવો કર્યો છે કે, એક શખ્સ જે હાલ દુબઈમાં છે તે જયેશ પટેલના હવાલાના રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરી રહ્યો છે. જેના લીધે જયેશ પટેલની ખંડણીની રકમ પકડી શકાતી નથી.

જયેશ પટેલની 16 માર્ચ, 2021 ના રોજ ધરપકડ થયા બાદથી તે લંડનની જેલમાં બંધ છે. 30 મેથી લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેના પ્રત્યાર્પણ અંગેની સુનાવણી ચાલી રહી છે. પટેલ ચાર આરોપોનો સામનો કરી રહ્યો છે જેમાં 2018 માં જામનગરના અગ્રણી વકીલ કિરીટ જોષીની હત્યા, 2020 માં બિલ્ડર ગિરીશ ડેરની હત્યાનો પ્રયાસ, 2019 માં રિયલ એસ્ટેટ બ્રોકર પ્રોફેસર પુરષોત્તમ રાજાણીની હત્યાનો પ્રયાસ અને 2019 માં અન્ય રિયલ એસ્ટેટ બ્રોકર જયસુખ પેઢાડિયાની હત્યાનો પ્રયાસ પણ થયો હતો. ત્રણેય ટાર્ગેટ જામનગરના હતા.

ગોંડલિયાએ શુક્રવારે અમદાવાદ પોલીસ કમિશનરેટને પોસ્ટ દ્વારા પત્ર લખ્યો હતો. આ પત્ર રાજ્યના ટોચના નેતૃત્વ, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ અને નવી દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ચિહ્નિત થયેલ છે.

ગોંડલિયાએ પત્રમાં જણાવ્યું છે કે, હું માહિતી આપવા માંગુ છું કે 9 ઓગસ્ટના રોજ લંડનની કોર્ટે જયેશ પટેલને કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ જારી કર્યું હતું. તે સમયે હું યુકેની કોર્ટમાં હાજર હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન મેં કેસ સંબંધિત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને મને જયેશ પટેલ અને યુકેમાં તેના ગુજરાતના સહયોગીઓ અંગેના દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ, વોઇસ નોટ્સ જેવા કેટલાક પુરાવા મળ્યા છે.

ગોંડલીયાએ જણાવ્યું છે કે પટેલના સતત સંપર્કમાં રહેલા વ્યક્તિઓની વિગતો પણ તેમની પાસે છે. હું આ ગુનેગારોને લોકો સમક્ષ ખુલ્લા પાડવા માટે પોલીસ વિભાગ અને સરકારને આ પુરાવા સબમિટ કરવા માંગુ છું.

ગોંડલિયાએ 2019 માં દુબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પટેલ જ્યારે તેને દુબઈમાં મળ્યો હતો ત્યારે તેણે કરોડો રૂપિયાના બિટકોઈન પચાવી લીધા હતા. ત્યારથી, તેણીએ તેની સામે ઘણી ફરિયાદો નોંધાવી છે.

બીજી તરફ ગુજરાત એટીએસએ 8 જાન્યુઆરી, 2021 ના રોજ નિશા ગોંડલીયા પર ગોળીબાર કરનારા બે શખ્સોને પકડી લીધા હતા. પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસમાં એક રાજકારણીની કથિત ભૂમિકા હતી અને તે હજુ પણ પટેલના સંપર્કમાં છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પટેલ તેના સગાંઓ દ્વારા હવાલા રેકેટ ચલાવી રહ્યો છે. ગુજસીટોકના આરોપોનો સામનો કરી રહેલ એક ભાગેડુ જે હાલમાં દુબઈમાં છે દેખીતી રીતે આ રેકેટમાં પટેલને મદદ કરી રહ્યો છે.

જયેશ પટેલે હવાલામાં ક્રિપ્ટોનો સહારો લીધો ?

જે રીતે પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વર્ષ 2019માં જ્યારે નિશા ગોંડલીયા જયેશ પટેલને દુબઈમાં મળી હતી ત્યારે જયેશ પટેલે કરોડો રૂપિયાના બીટકોઈન તેણી પાસે ખંખેરી લીધા હતા. જે બાદ નિશા ગોંડલીયાએ જયેશ પટેલ વિરુદ્ધ અનેક ફરિયાદો કરી હતી. હાલ જે રીતે માહિતી સામે આવી રહી છે તે મુજબ પોલીસ જયેશ પટેલના હવાલા કૌભાંડ મારફત મેળવેલા નાણાં અને સંપત્તિના પુરાવા શોધી રહી છે ત્યાં બીજી બાજુ ’શાતિર’ જયેશએ નાણાં ક્રિપ્ટોમાં ફેરવી નાખ્યા હોય તેવી માહિતી મળી રહી છે.

દુબઈમાં બેસી જયેશ પટેલનું હવાલા રેકેટ સંભાળનાર શખ્સ કોણ ?

નિશા ગોંડલીયાએ પત્રમાં જે રીતે ઉલ્લેખ કર્યો છે તે મુજબ જયેશ પટેલનો એક સાગરીત હાલ દુબઈમાં છે અને તે જયેશ પટેલનું હવાલા રેકેટ ચલાવી રહ્યો છે. આ શખ્સ હવાલા મારફત ખંડણીના નાણાં મેળવી સીધો જ ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરી દેતો હોવાથી ખંડણીની રકમ અંગે કોઈ પુરાવા મેળવવા પોલીસ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.