જેઇઈ મેઈનનું પરિણામ જાહેર: 44 ઉમેદવારોએ 100 પરસેન્ટાઈલ મેળવ્યા

7.32 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા: 18 વિદ્યાર્થીઓએ ટોચનો રેન્ક મેળવ્યો

એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા JEE Main નું પરિણામ મંગળવારે મોડી રાતે જાહેર કરવામાં આવ્યું. જેમાં કુલ 44 ઉમેદવારોએ 100 પરસેન્ટાઈલ મેળવ્યા છે. જ્યારે 18 ઉમેદવારોને ટોચનો રેન્ક મળ્યો છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ મંગળવારે રાતે આ માહિતી આપી. આ વર્ષે 7.32 લાખ વિદ્યાર્થીઓએ જેઈઈની પરીક્ષા આપી હતી.

આ વર્ષે JEE Main વર્ષમાં ચાર વખત આયોજિત થઈ. જેથી કરીને વિદ્યાર્થીઓને પોતાનો સ્કોર સુધારવાની તક મળી શકે. પહેલા તબક્કામાં ફેબ્રુઆરીમાં અને બીજીવાર માર્ચમાં આયોજિત કરાઈ હતી. આગામી તબક્કાની પરીક્ષાઓ એપ્રિલ અને મે મહિનામાં થવાની હતી પરંતુ દેશમાં કોવિડની બીજી લહેરને જોતા સ્થગિત કરાઈ હતી. ત્રીજા તબક્કાની પરીક્ષા 20-25 જુલાઈ સુધી આયોજિત કરાઈ હતી જ્યારે ચોથા તબક્કાની 26 ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી આયોજિત કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે બીઈ/બીટેક માટે JEE મેઈન પેપર1માં મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સામેલ છે. જ્યારે પેપર 2માં મેથમેટિક્સ, એપ્ટીટ્યૂડ અને ડ્રોઈંગ સામેલ છે. પ્રશ્ન ચાર-ચાર માર્ક્સના મલ્ટીપલ ચોઈસ અને ન્યૂમરિકલ બેસ્ડ હતા. મલ્ટીપલચોઈસ પ્રશ્નોમાં ખોટા જવાબ માટે એક અંકનું નેગેટિવ માર્કિંગ પણ સામેલ છે.

JEE Main પરિણામ જાહેર થયા બાદ JEE Advanced 2021 નું રજિસ્ટ્રેશન શરૂ થશે. જેઈઈ મેઈન કટ ઓફમાં ટોપ રેન્ક મેળવનારા અઢી લાખ ઉમેદવારો જેઈઈ એડવાન્સ્ડ માટે અરજી કરી શકે છે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ jeeadv.ac.in  પર જઈને જેઈઈ એડવાન્સ્ડ 2021 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી શકશે.