‘જેસ્સું જોરદાર’ નિર્માતા અને કાસ્ટ ટીમ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે

મુવીને દર્શકો સ્વીકારશે અને જબરો પ્રતિભાવ આપે તેવો નિર્માતાને વિશ્વાસ: ફિલ્મ નિર્માણ સમયના પ્રસંગો વાગોળ્યા

ગુજરાતી સંસ્કૃતિને જાળવવા માટે અને પ્રચાર પ્રસાર કરવાનો પૂરતો પ્રયાસ : નિર્માતા ભુપતભાઇ બોદર

કોરોનાની મહામારી હળવી થયા બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ફરી ધમધમતી થઈ છે. ત્યારે થિયેટરના સોનેરી પડદે અર્બન ગુજરાતી ફિલ્મ ‘જેસ્સું જોરદાર’ આજથી ધૂમ મચાવી રહી છે.

‘અબતક’ સાથેની વાતચીતમાં નિર્માતા અને કાસ્ટ દ્વારા સેટ પરના અનેક પ્રસંગોને વાગોળવામાં આવ્યા હતા. જેમાં કલાકાર કુલદીપ ગૌર દ્વારા જણાવામાં આવ્યું હતું કે નિર્માતા શોભનાબેન બોદર દ્વારા સેટ પરના ૫૦થી પણ વધુ સભ્યો માટે ઓળો અને રોટલો પોતાના હાથે જ બનાવીને કાઠિયાવાડી ભોજનનો સ્વાદ ચખાડ્યો હતો. આ પારિવારિક ભાવનાના જ પગલે ફિલ્મનું શૂટિંગ સમયસર પૂર્ણ થયું અને હાલ સોનેરી પડદે પણ મુવી ધૂમ મચાવી રહી છે.

ત્યારે આજ રોજ ફિલ્મના નિર્માતા ભુપતભાઇ બોદર, શોભનાબેન બોદર, જૈમીનભાઈ બોદર, ડાયરેકટર રાજન વર્મા અને કલાકરો કુલદીપ ગૌર અને ભક્તિ કુબાવત સહિતની ટીમ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે પધાર્યા હતા. જેમાં તમામ સભ્યોએ ફિલ્મના નિર્માણ સમયના અનેક પ્રસંગો પણ વાગોળ્યા હતા. આ સાથે ફિલ્મને દર્શકો જબરો પ્રતિભાવ આપશે તેવો વિશ્વાસ જતાવ્યો હતો.

‘જેસ્સું જોરદાર’ ફિલ્મના નિર્માતા ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું કે ડાયરેકટર અને તમામ કલાકારોએ નીતિ અને નિયતથી ફિલ્મનું શૂટ સમયસર પૂરું કર્યું હતું. આ સાથે ફિલ્મના નિર્માણમાં સ્પોટ બોય સહિત અનેક લોકોને રોજી-રોટી પણ મળી રહી હતી. તો બીજી તરફ ગુજરાતની સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર કરવાના પ્રયત્નો પણ ફિલ્મમાં કરવામાં આવ્યા છે.

૧લી ઓક્ટોબરના રોજ ભુપતભાઇ બોદર, શોભનાબેન બોદર અને રાજન આર.વર્માના દિગ્દર્શક ફિલ્મ ‘જેસ્સું જોરદાર’ સોનેરી પડદે રિલીઝ થઈ છે. ગુજરાતભરમાં ‘જેસ્સું જોરદાર’ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેથી ફિલ્મને રાજ્યભરમાં ૧૫૦થી પણ વધુ સ્ક્રીન મળી છે જે એક ઐતિહાસિક પ્રસંગ પણ કહી શકાય છે.

તો બીજી તરફ ફિલ્મના ડાયરેકટર રાજન આર. વર્માએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ પણ દર્શક તણાવ અનુભવતો હશે તો આ મુવી જોવા સમયે તે તણાવમુક્ત થશે. કારણ કે આ ફિલ્મની કથા યંગ જનરેશનના જીવનને સીધી જ ટચ કરે છે. સિનેમા અને સમાજ એક પહેલુંની બે બાજુ હોય છે. ફિલ્મમાં હંમેશા સમજલક્ષી સંદેશો પાઠવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ‘જેસ્સું જોરદાર’ ફિલ્મ બનાવી સમજલક્ષી સંદેશો પાઠવવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ફરી ધબકતું કરવા માટે જેસ્સું જોરદાર ફિલ્મ દર્શકોને પસંદ આવશે. તો આ ફિલ્મ યંગ જનરેશનના જીવનને સ્પર્સ કરશે. જેમાં જેસ્સુંની કિરદાર ખાસ કરીને યુવતીઓ માટે એક પ્રેરણાદાયી સાબિત થાય છે.