Abtak Media Google News

‘કારી’નું પાપ છાપરે ચડી પોકાર્યુ!

અબતક,જેતપુર

જેતપુર સામાકાંઠા વિસ્તારમાં રહેતી અને પ્રદેશ કોંગ્રેસની મહિલા અગ્રણી શારદા ઉર્ફે કારી વેગડા સહિત 12 શખ્સોના ત્રાસથી કંટાળી કારખાનેદાર પટેલ યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસ સાથેના સુવાળા સંબંધો ધરાવતી નકારીથના કાળા કરતુતનું પાપ છાપરે ચડીને પોકારતા કોંગ્રેસ અગ્રણીઓ પણ ભોઠપ અનુભવી રહ્યા છે. નકારીથ સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાના જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલા નિર્દેશથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ખેતીની જમીન લખાવી લેવા અને ટ્રેકટર પડાવી લેવાની ધમકી દીધાની સ્યુસાઇટ નોટ લખી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામે રહેતા અને જેતપુરના ચાપરાજપુરમાં શ્રીહરી એમ્બ્રોડરી નામનું કારખાનું ધરાવતા ગોપાલભાઇ ઘુસાભાઇ બુટાણી નામના 44 વર્ષના પટેલ યુવાને જેતપુરના ભોજાધાર વિસ્તારમાં આવેલા અભીનંદન કારખાના પાસે ઝેરી દવા પી આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.મૃતક ગોપાલભાઇ ઘુસાભાઇ બુટાણીના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પાલિકાની સદસ્ય શારદા ઉર્ફે કારી વેગડા, ખીરસરા ગામના જયરાજભાઇ વાંકા, રાજુભાઇ બોદર, મુનાભાઇ બોદર, દેવાભાઇ, રામકુભાઇ, ખજુરી ગુંદાળા ગામના નાથ સભાડ, મનુ સુખા, કિશોર લુખડ, હીરા પરબત, પ્રવિણ અને નારણ નામના શખ્સો પાસેથી વ્યાજે રકમ લીધા બાદ તમામને ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી દઇ ત્રાસ દેતા હોવાથી અને બળજબરીથી ખેતીની જમીન લખાવી લેવા અને ટ્રેકટર પડાવી લેવા પ્રયાસ થતા હોવાથી કંટાળીને આપઘાત કર્યાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું છે.

જેતપુર સિટી પોલીસ મથકના પી.આઇ. જે.બી.કરમુર સહિતના સ્ટાફે મૃતક ગોપાલભાઇ બુટાણીના પુત્ર રોનક બુટાણીની ફરિયાદ પરથી શારદા ઉર્ફે કારી વેગડા સહિત 12 સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.મૃતક ગોપાલભાઇ બુટાણીએ ધંધામાં પૈસાની જરૂર પડતા કોંગ્રેસ મહિલા અગ્રણી શારદા ઉર્ફે કારી વેગડા પાસેથી એક લાખ લીધા હતા તે રકમ તેણીને ચુકવી દીધી હતી. મુન્નો અને રાજુભાઇ પાસેથી બે લાખ લીધા હતા તે આપી દીધા હોવા છતા અડતાલીસ લાખની માગણી કરી જમીન લખી આપવા ધમકી દેતા હતા. જયરાજ વાંક પાસેથી 3 લાખ લીધા હતા. તે પેટે જયરાજ વાંકના સાળાને બે લાખ આપી દીધા હતા તેમ છતાં ગાડીની બુક ન આપી વધુ ચાર લાખની માગણી કરી હતી.

નાણા ચુકવી દીધા છતાં ઉઘરાણી કરી હેરાન કરતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ: આત્મહત્યાની ફરજ પાડવાનો નોંધાતો ગુનો

મનુભાઇ પાસેથી લીધેલી રકમ આપી દીધી હોવા છતાં તેનો ભાઇ કિશોરે ટ્રેકટર પડાવી લીધું હતું. હિતેશ પરબત પાસેથી લીધેલી રકમ પરત કરી દીધી હતી તેમ છતાં જમીનનું સાટાખત રદ ન કરી રસ્તામાં ઉભા રાખી ધમકી દીધા અંગેની રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને અરજી આપી હતી. આ અરજીની તપાસ જેતપુર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવી હતી. જેતપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ફોન કરી સમાધાન કરી લેવા ધમકાવતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલેખ કર્યો છે.

ગોપાલભાઇ બુટાણીને આત્મહત્યાની ફરજ પાડવા અંગે જેતપુર પાલિકાની સદસ્ય શારદા ઉર્ફે કારી વેગડા અનેક વિવાદમાં અગાઉ આવી ગયાનું અને દારૂના વેચાણ અંગે જેતપુરમાં રેલી કાઢી હતી ત્યારે જેતપુર પોલીસે દારૂના ગુનામાં શારદા ઉર્ફે કારીના ભાઇ અને ભત્રીજીની ધરપકડ કરી હતી. શારદા ઉર્ફે કારીના પોલીસના કેટલાક અધિકારીઓ સાથેના કહેવાતા સુવાળા સંબંધોની ચર્ચાએ ચકચાર જગાડી છે ત્યારે આ કેસમાં પોલીસ કંઇ રીતે કાર્યવાહી કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. પોલીસ મૌન રહે તે પણ સમાજ માટે આઘાતજનક બની રહેશે તેમ જાણકારો કહી રહ્યા છે.

પોલીસની સંડોવણી બહાર આવશે તો કાર્યવાહી કરાશે: એસ.પી.મીણા

જેતપુરના પટેલ કારખાનેદાર ગોપાલભાઇ બુટાણીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને લેખિત ફરિયાદ આપી હતી. આ અરજીની તપાસ જેતપુર તાલુકા પોલીસને સોપવામાં આવી હતી. જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગોપાલભાઇ બુટાણીને ફોન કરી સમાધાન કરી લેવા અંગે ફરજ પાડતા હોવાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવતા પોલીસ સ્ટાફ હરકતમાં આવી ગયો છે. આ કેસમાં પોલીસની સંડોવણી બહાર આવશે તો તેઓ સામે કડક કાર્યવાહી કરવાના એસ.પી.બલરામ મીણાએ નિર્દેશ આપ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.