Abtak Media Google News

દિવાળીના તહેવાર પછી તુરંત રીલીઝ થયેલી ફિલ્મને ઓપનિંગ નબળું મળ્યું

કલાકાર:કલ્કી કોચ્લીન, રીચા ચઠ્ઠા, ઝરીના વહાબ, અર્સલાન ગોની, રોય મુખરજી

પ્રોડયુસર:મુદસ્સર અઝીઝ, અઝીઝ મીરઝા

ડાયરેકટર:હોલ ડે રોસેમેયર

મ્યુઝીક:સમીર નિવાની, નિશ્ર્ચલ ઝવેરી

ફિલ્મ ટાઈપ:સોશિયલ ડ્રામા એન્ડ કોમેડી

ફિલ્મની અવધી:બે કલાક ૧૩ મિનિટ

સિનેમા સૌજન્ય:કોસ્મોપ્લેકસ

રેટીંગ:૫ માંથી ૨ સ્ટાર

ફિલ્મ વિશે: ફિલ્મ જિયા ઓૈર જિયા એક ફન મુવી છે. તેમાં સોશિયલ ડ્રામા અને કોમેડી છે. મુખ્ય ભૂમિકા કલ્કી કોચ્લીન, રીચા ચઠ્ઠા, ઝરીના વહાબ, અર્સલાન ગોની, રોય મુખરજીએ નિભાવી છે. ઘણા સમયે કલ્કી કોચલીનની ફિલ્મ જોવા મળી રહી છે. આ સિવાય રીચા ચઠ્ઠાની ફિલ્મ સરબજીતમાં તેની ભૂમિકા એકદમ નાની હતી. ત્યારબાદ હવે આ ફિલ્મમાં તેને મહત્વની ભૂમિકા ભજવવા મળી છે.

સ્ટોરી:ફિલ્મની સ્ટોરી બે સરખા નામની યુવતીઓ આસપાસ જોવા મળે છે. બંનેના નામમાં સમાનતા હોવા છતાં તેમની લાઈફ સ્ટાઈલમાં જમીન આસમાનનો ફેર છે. એક જિયા એકદમ બોલ્ડ છે તો બીજી જિયા એકદમ અંતરમુખ છે. આમ છતાં બંને એક જ જગ્યાએ એટલે કે સ્વીડન ફરવા જાય છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે અગાઉ બે જોડીયા ભાઈ કે બે ટવીન્ટસ વિશેની ઘણી ફિલ્મો બોલીવુડમાં આવી ચુકી છે. જેમાં ગુલઝારની ફિલ્મ અંગુર મહત્વની છે. તેમાં બે શેઠ અને તેના બંને નોકર જોડકા હોય છે. તેના લીધે ઘણો મોટો ગોટાળો સર્જાય છે. જોકે આ ફિલ્મમાં એવી કોઈ કોમેડી નથી.

એકટીંગ:અભિનયના મામલે કલ્કી અને રીચા બંને નંબર વન છે. તેમની એકટીંગ સામે આંગળી ચિંધી શકાય તેમ નથી પરંતુ અતિશય નબળી પટકથાને લીધે તેમની મહેનત એળે ગઈ છે. ખાસ કરીને બંને અભિનેત્રીઓ માટે આ ફિલ્મ અગર હિટ થાય તો તેનો લાભ તેમની હવે પછીની ફિલ્મોને મળી શકે પરંતુ અહીં એવા કોઈ ચાન્સ નથી.

ડાયરેકશન:ફિલ્મ જિયા ઓ જિયાનું ડાયરેકશન હોલ ડે રોસેમેયરે કર્યું છે પરંતુ બે કલાક અને ૧૩ મિનિટની ફિલ્મમાં તેઓ દર્શકોને ઝકડી રાખવામાં નિષ્ફળ નિવડયા છે. નબળી પટકથા અને નબળા નિદર્શનના કારણે ફિલ્મ મનોરંજક તો બની છે પરંતુ તેમાં ઘણી જગ્યાએ ખામી હોવાના કારણે દર્શકો તેની સંપૂર્ણ મજા માણી શકતા નથી.

મ્યુઝિક:આ ફિલ્મનું મ્યુઝિક બે સંગીતકારો સમીર નિવાની, નિશ્ર્ચલ ઝવેરીએ તૈયાર કર્યું છે. તેમાં દેવઆનંદ અને નૂતનની ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈ નું એક ગીત જિયા ઓ જિયા કુછ બોલ દો, દિલ કા પડદા ખોલ દોને રિમીકસ કરીને મુકવામાં આવ્યું છે. આ સિવાય ફિલ્મના એક પણ ગીત લોકપ્રિય થઈ શકયા નથી.

ઓવરઓલ:આ ફિલ્મની સ્ટોરીમાં નવીનતા જ‚ર છે પરંતુ તેની સ્ટારકાસ્ટ દિપીકા કે પ્રિયંકા જેવી હોત તો ફિલ્મને જરૂર ફાયદો થયો હોત. આ ફિલ્મ જોવાય તો ઓકે, નહીંતર અફસોસ કરવા જેવું નથી. આમ પણ દિવાળી પર સિક્રેટ સુપર સ્ટાર અને ગોલમાલ અગેઈન જેવી ફિલ્મોમાં પૈસા ખર્ચ્યા પછી જિયા ઓ જિયાને નબળુ ઓપનીંગ મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.