Abtak Media Google News

જસ્ટ ડાયલ!: મુકેશે રૂ. ૩૫૦૦ કરોડમાં હિસ્સો ખરીદ્યો!!

આ સોદો થવાથી રિલાયન્સ રિટેલને જસ્ટ ડાયલના મર્ચન્ટ ડેટાબેઝનો મોટો ફાયદો થશે

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા હવે જસ્ટડાયલ કંપનીમાં હિસ્સેદારી હસ્તગત કરવામાં આવી છે. મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ દ્વારા જસ્ટડાયલ કંપનીના ૨.૧૭ કરોડ (૨,૧૧,૭૭,૬૩૬) ઇક્વિટી શેર ખરીદ કર્યા છે અને આ ડીલ માટે ઇક્વિટી શેરદીઠ પ્રાઇસ ૧૦૨૨.૨૫ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આમ રિલાયન્સ દ્વારા જસ્ટડાયલની કુલ ૬૬.૯૫ ટકા હિસ્સેદારી ૩૪૯૭ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. જસ્ટડાયલ દ્વારા રિલાયન્સને ૪૦.૯૫ ટકા હિસ્સો પ્રેફરન્સિયલ એલોટમેન્ટ ધોરણે ઇસ્યૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ દ્વારા જસ્ટડાયલમાં આ હિસ્સેદારી હસ્તગત કરવા માટે સંબંધિત નિયામકીય મંજૂરીઓ મેળવવાની રહેશે.

નોંધનિય છે કે, જસ્ટડાયલ કંપની ૨૫ વર્ષ જૂની ઇન્ફોર્મેશન સર્ચ એન્ડ લિસ્ટિંગ કંપની છે. કંપનીનું સમગ્ર દેશમાં નેટવર્ક છે. આ સોદો થવાથી રિલાયન્સ રિટેલને જસ્ટ ડાયલના મર્ચન્ટ ડેટાબેઝનો ફાયદો મળશે તો રિલાયન્સ દેશની સૌથી મોટી સંગઠિત રિટેલર બની ચુકી છે બીજી તરફ જસ્ટ ડાયલ લોકલ સર્ચ એન્જીન સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. રિલાયન્સનું અગાઉ ફેસબૂક અને વોટ્સએપ સાથે ટાઇઅપ કરવું અને હવે જસ્ટ ડાયલમાં ભાગીદારી કરવી એ સીધો સંકેત છે કે, હવે એમેઝોન-વોલમાર્ટ જેવી કંપનીઓને પછાડી રિલાયન્સ રિટેલ બજારમાં ધૂમ મચાવવા સજ્જ થઈ છે.

કંપની દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની પાસે ૪૦.૯૫ ટકા હિસ્સેદારી રહેશે અને આ ટેકઓવર રેગ્યુલેશન અનુસાર વધુ ૨૬ ટકા સુધીની એક્વિઝિશન માટે ઓપન ઓફર લાવશે. રિલાયન્સ દ્વારા જસ્ટડાયલના કુલ ૨.૧૨ કરોડ ઇક્વિટી શેર હસ્તગત કરશે જેમાં ૧.૩૧ કરોડ ઇક્વિટી શેર વીએસએસ મણી પાસેથી શેરદીઠ ૧૦૨૦ રૂપિયાના ભાવે ખરીદશે. આ સાથે વીએસએસ મણી જસ્ટડાયલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે યથાવત્  રહેશે. ઉલ્લેખનિય છે કે, જસ્ટડાયલ કંપનીમાં મેનેજીંગ ડાયરેટર વીએસએસ મણિ અને તેમના પરિવારની ૩૫.૫ ટકા હિસ્સેદારી છે  જેની વર્તમાન વેલ્યુ ૨૩૮૭.૯ કરોડ રૂપિયા છે.

કંપનીએ નિયામકીય ફાઇલિંગમાં જણાવ્યુ કે, રિલાયન્સ રિટેલ દ્વારા હિસ્સેદારી હસ્તગત કરવાથી જસ્ટડાયલને આગળ વધવામાં અને વિસ્તરણ કરવામાં ઘણી મદદ મળશે. રિલાયન્સ દ્વારા કરવામાં આવેલ મૂડીરોકાણથી જસ્ટડાયલ તેના પ્લેટફોર્મ પર વિસ્તરણ કરશે અને લાખો પ્રોડક્ટો અને સેવાઓના ટ્રાન્ઝેક્શન્સમાં વધારો કરી શકશે. રિલાયન્સને આ રોકાણથી જસ્ટ ડાયલના હાલના ૩.૦૪ લાખ લિસ્ટિંગ ડેટાબેઝ અને તેના હાલના ૧૨.૯૧ કરોડ ત્રિમાસિક યુનિટ યુઝર્સના કન્ઝયુમર ટ્રાફિકનો લાભ મેળવશે.

રિલાયન્સ પહેલાથી જ દેશની સૌથી મોટી ઓર્ગેનાઇઝ્ડ રિટેલર બની ગઈ છે. જ્યારે જસ્ટ ડાયલ સ્થાનિક સર્ચ એન્જિન સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. એવું કહેવામાં આવે છે કે રિલાયન્સ અને જસ્ટ ડાયલ વચ્ચે એપ્રિલ મહિનાથી વાતચીત ચાલી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ રિલાયન્સ જસ્ટ ડાયલ કંપની ખરીદી શકે છે. આ ડીલ માટે સલાહકાર તરીકે શરદુલ અમરચંદ મંગલદાસ એન્ડ કંપની, સાઈરાલ અમરચંદ મંગલદાસ અને ગોલ્ડમેન સાચ્સની નિમણૂક કરવામાં આવી છે.

એમેઝોન-વોલમાર્ટ જેવી કંપનીઓને ટક્કર આપવા તૈયારી

રિલાયન્સ દ્વારા અગાઉ ફેસબૂક અને વોટ્સએપ સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. બંને કંપનીઓના યુઝર્સની સંખ્યા ખૂબ મોટી છે. ત્યારે હવે જસ્ટ ડાયલ કે જે ખૂબ મોટો રિટેલ મર્ચન્ટ ડેટાબેઝ ધરાવે છે તેમાં ભાગીદારી કરવામાં આવી છે. જેથી હવે રિલાયન્સ ઈન્ટરનેટ ક્ષેત્રે ધૂમ મચાવ્યા બાદ રિટેલ માર્કેટમાં છવાઈ એમેઝોન-વોલમાર્ટ-ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને ટક્કર આપવા તૈયારી કરી રહી છે.

રિલાયન્સ ખૂબ ઝડપે આગળ વધી રહ્યું છે જેનું મુખ્ય કારણ દીર્ઘદ્રષ્ટિ અને માઈક્રો મેનેજમેન્ટ છે અને હાલ જસ્ટ ડાયલમાં પણ ભાગીદારી કરવા પાછળ પણ દીર્ઘદ્રષ્ટિ જ જવાબદાર છે. આગામી દિવસોમાં રિટેલ માર્કેટમાં છવાઈ જવા માટે રિલાયન્સે જસ્ટ ડાયલ સાથે ભાગીદારી કર્યાનું સામે આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.