Abtak Media Google News
  • રહસ્યમય મોત પરથી પડદો ઉંચકતી પોલીસ
  • શ્રમિક  યુવકે ધોકા વડે મોતને ઉતારી મૃતદેહને વતનમાં અંતિમ વિધી કરી
  • અકસ્માત અંગેની નોંધ કરી પી.એસ.આઈ. રવિરાજસિંહ ગોહિલએ ઉંડાણ પૂર્વક તપાસ કરી  મધ્યપ્રદેશ સુધી તપાસનો દોર લંબાવ્યો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી પરપ્રાંતિય શ્રમિક મહિલાના રહસ્યમય સંજોગોમાં મૃત્યુ અંગેના પ્રકરણમાં તેની હત્યા થયા નો ખુલાસો થયો છે, અને ચારિત્ર્યની શંકાના આધારે તેણીના પતિએ જ માથાના ધોકો ફટકારી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહ ને વતનમાં લઈ જઈ અંતિમ ક્રિયા કરી નાખી હતી. જોડીયા પોલીસે મધ્યપ્રદેશ સુધી તપાસનો દોર લંબાવી સ્થાનિક પોલીસની મદદથી લઈને હત્યા અંગેનો પી.એમ. રિપોર્ટ મેળવ્યા પછી આરોપી સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે.

આ બનાવ ની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામમાં રહેતા જેતાભાઈ બીજલભાઇ નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાકેશ બદરી દેવ નામના 25 વર્ષના આદિવાસી યુવાનની પત્ની ચંદુભાઈ (ઉંમર વર્ષ 24) કે જેનું ગત 11 મી તારીખે પોતાની વાડીમાં મૃત્યુ નીપજ્યું હતું, જેને ઇજા ના નિશાનો જોવા મળ્યા હતા, અને ઈજા થવાના કારણે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું અનુમાન લગાવાયું છે.

જે સમગ્ર મામલો જોડીયા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને જોડિયાના પી.એસ.આઇ. રવિરાજસિંહ ગોહિલ દ્વારા  સૌપ્રથમ અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરીને સમગ્ર બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી.

પતિ રાકેશ દ્વારા ચંદુબેન ના મૃતદેહ અને પોતાના વતનમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં અંતિમ ક્રિયા કરવાની કાર્યવાહી કરી હતી. જ્યાં સ્થાનિક પોલીસને ગેરમાર્ગે દોરી પોતાની પત્નીને કોઈએ માર માર્યો હોવાનું જણાવ્યું હતું. મધ્યપ્રદેશ પોલીસને આ મામલે શંકા જવાથી તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

જેના રિપોર્ટમાં તેને ઈજા થઈ હોવાનું અને ઈજા થવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નીકળ્યું હતું.

જોડીયા ના પી.એસ.આઇ. આર.ડી ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરી છેક મધ્યપ્રદેશ સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈને રિપોર્ટ મેળવ્યો હતો, જેમાં માથામાં બોથડ પદાર્થના ઘા લાગવાથી મૃત્યુ થયું હોવાનો અહેવાલ મળ્યો હોવાથી પોલીસે આ મામલામાં હત્યા થઈ હોવાનું તારણ કાઢ્યું હતું.

દરમિયાન પોલીસે પતિ રાકેશ ને લઈને જોડિયા પરત આવ્યા પછી તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી, અને આખરે પોતાની પત્ની પર ચારિત્ર અંગે શંકા કરીને તેના માથા પર લાકડાનો ધોકો અને પતરા નો ડબ્બો ફટકારીને તેની હત્યા કરી નાખ્યાનું કબુલી લીધું હતું.

આથી જોડીયા પોલીસે મૃતક ચંદુબેનના પિતા કે જે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામમાં રહીને એક વાડીમાં ખેતી કામ કરે છે, તે રાધ્યાભાઈ ગોવિંદભાઈ બામણીયા ને જોડિયા બોલાવી લીધા હતા, અને તેઓની ફરિયાદના આધારે ચંદુબેનની હત્યા નીપજાવવા અંગે તેના પતિ રાકેશ બદરીભાઈ દેવદા સામે હત્યા અંગે ગુનો નોંધ્યો છે, અને કલમ 302 તથા જીપીએક્ટ કલમ 135-1 હેઠળ પતિ રાકેશ ની અટકાયત કરી લીધી છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.