જોરાવરનગર  કેરોસીન ચોરી થયાની અરજીના  મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા

સુરેન્દ્રનગર શહેરમાં ખેરાળી રોડ ઉપર સરકારી કેરોસીનના અધિકૃત વિક્રતા(એસ.ઓ.કે.)ના ડેપોમાંથી લાખ્ખો રૂા.ની કિંમતનું 21,400 લીટર કેરોસીનની ચોરી થયાની જાણવા જોગ અરજી જોરાવરનગર પોલીસમાં થતા ચકચાર ફેલાવા પામેલ છે. આ બનાવમાં લોકમાનસમાંથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ અંગે જાણવા મળતી વિગત એવી છે કે, સુરન્દ્રનગરમાં સરકારી કેરોસીનના અધિકૃત વિક્રેતા (એસઓેકે) લાલચંદફુલચંદ એન્ડ સન્સ છે. ખેરાળી રોડ ઉપર પ્રમુખસ્વામી ટાઉનશીપની સામે તેમનો કેરોસીનનો ડેપો આવેલ છે. લાલચંદફુલચંદ એન્ડ સન્સવાળા હાર્દિકભાઈએ જોરાવરનગર પોલીસમાં આપેલી જાણવાજોગ અરજી મુજબ ગુરૂવારે રાત્રે તેમને ખબર મળી હતી કે તેમના કેરોસીનના ડેપોમાંથી રૂા.21,50,000 ની કિંમતનું 21,400 લીટર સરકારી કેરોસીનની ચોરી થયેલ છે.. જોરાવરનગર પોલીસે અરજીના આધારે તપાસના ચક્રો ગતિમાન કરેલ છે.

ચોરી છતાં ફરિયાદને બદલે જાણવાજોગ અપાતા શંકા-કુશંકા

સુરેન્દ્રનગરના ખેરાળી રોડ ઉપર આવેલ ડેપોમાંથી લાખ્ખો રૂા.ની કિંમતનુ સરકારી કેરોસીન ચોરાઈ જવાના બનાવમાં કેરોસીનના ડેપોમાં સીસીટીવી કેમેરા કે સિકયોરીટી વ્યવસ્થા નહોતી તે બાબત તપાસનો વિષય હોવાનું મનાય છે ઉપરાંત આટલા મોટા જથ્થામાં કેરોસીનની ચોરી કેવી રીતે થઈ?

લાખ્ખો રૂા.નુ કેરોસીન ચોરી થવા છતા પોલીસમાં માત્ર જાણવા જોગ અરજી કેમ અપાઈ છે? સૌથી મોટો સવાલ એવો ઉઠે છે કે, અછત જેવી પરિસ્થિતિમાં સરકારી કેરોસીનના નિયત ભાવથી લીટરે રૂા.40 થી 50 વધારે લઈને કેરોસીનનો જથ્થો સગેવગે કરી નંખાયો નથીને? આ તમામ પ્રશ્નો ઉંડી તપાસના વિષયો હોવાનું મનાય છે.