Abtak Media Google News

જૂનાગઢમાં કોરોનાકાળ દરમિયાન અને હવે મ્યુકરમાઈકોસીસની મહામારી સામે પણ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તબીબી અધિક્ષક ડો.સુશીલકુમાર અને ડીન ડો.મનિષ મહેતાના માર્ગદર્શન હેઠળ સરાહનીય કામગીરી કરી રહી છે. કોરોનાકાળમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રાજ્યના સૌથી વધુ આરટીપીસીઆર ટેસ્ટનું પૃથકરણ કરવામાં આવ્યું છેે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આઈટી ક્ષેત્રે સોફટવેર બનાવીને લોકોને કોરોના વિશે ઉજાગર કર્યા છે તો બીજી તરફ રાજકોટમાં વધતા જતાં મ્યુકરમાઈકોસીસના કેસ સામે લડત આપવા માટે જો સરકાર ઈએનટી સર્જન ડો.મનિષ મહેતાને પરત જવાબદારી સોંપે તો પૂરી નિષ્ઠાથી ફરજ બજાવવા માટે તૈયાર હોવાનું પણ ડીન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મેડિકલ કોલેજના વિદ્યાર્થી દ્વારા આઈટી ક્ષેત્રમાં સોફટવેર ડેવલોપ કરી લોકોને કર્યા ઉજાગર

સરકાર દ્વારા સાધનોની સવલત પૂરી પાડવામાં આવે તો જૂનાગઢ ખાતે મ્યુકરમાઈકોસીસની સર્જરી કરવા ઈએનટીની ટીમ સજ્જ: ડો.મનિષ મહેતા (ડીન)

જૂનાગઢના મેડિકલ કોલેજના ડીન ડો.મનિષ મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ મેડિકલ કોલેજ 2015થી કાર્યરત છે. હાલ અત્રે 200 સીટની કેપેસીટી અને 100 ફેકલ્ટી દ્વારા મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે જ છે. જૂનાગઢ મેડિકલ કોલેજની પ્રથમ બેંચ જ્યારે બહાર આવી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સર્જીકલ વિભાગમાં ગોલ્ડ મેડલ મેળવી પોતાની ખ્યાતના દર્શાવી હતી. જૂનાગઢ મેડિકલ કોલેજના પ્રોફેસર દ્વારા અનેક ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પોતાના રિસર્ચ પેપરને પણ રજૂ કરવામાં આવ્યા છે.

જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન ડો.મનિષ મહેતાના માર્ગદર્શન હેઠળ એક અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આઈટી ક્ષેત્રમાં સોફટવેર બનાવીને લોકોને કોરોના સામે લડવા માટે ઉજાગર કર્યા હતા જે જૂનાગઢ મેડિકલ કોલેજ માટે એક ગૌરવની બાબત કહી શકાય છે. અભ્યાસક્રમ વિશે જણાવતા ડીન ડો.મનિષ મહેતાએ કહ્યું હતું કે, હાલ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે પરંતુ જો કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાતો રહેશે તો ટૂંક સમયમાં જ મેડિકલ કોલેજમાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવશે.

કોરોના મહામારીમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ફક્ત જૂનાગઢ માટે જ નહીં પરંતુ આસપાસના 5 જિલ્લાઓના દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબીત થઈ હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અનુભવી તબીબોના સ્ટાફ સહિત 600 જેટલા તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ સહિતનાઓએ પોતાની ફરજ ખુમારીથી નિભાવી હતી. જેના દ્વારા જૂનાગઢ જિલ્લો કોરોના સામેની જંગ જીતવામાં સફળ રહ્યો હતો.

જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન અને ઈએનટી સર્જન ડો.મનિષ મહેતાએ મ્યુકરમાઈકોસીસ વિશે જણાવતા કહ્યું હતું કે, આ રોગ નવો રોગ નથી પરંતુ કોરોનાની સારવારમાં અને તેની નાની-મોટી ચૂકથી ફંગશનું ઈન્ફેકશન ફેલાવવાનું શરૂ થયું છે. આ રોગ શરીરમાં આંખ, મગજ, તાળવાને તુરંત અસર કરે છે. હાલ જૂનાગઢ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસની સારવાર માટે 60 બેડ સાથેની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ મોટી સર્જરી માટે દર્દીને હાઈપર સેન્ટર ખાતે ખસેડવા પડે છે. જો સરકાર દ્વારા પુરતા સાધનોની સવલત પૂરી પાડવામાં આવે તો જૂનાગઢ મેડિકલ કોલેજની સર્જરીની ટીમ મ્યુકરમાઈકોસીસના ઓપરેશન કરવા માટે તૈયાર છે.

Te રાજકોટનો અનુભવ સારો રહ્યો, સરકાર પરત બોલાવે તો ફરજ નિભાવવા માટે રાજીપો વ્યકત કરતા ડો.મનિષ મહેતા

સૌરાષ્ટ્રમાં દર્દીઓની સારવાર માટે કેન્દ્ર સ્થાન પર રહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોના અને મ્યુકરમાઈકોસીસની મહામારી સાથે અનેક રોગનું નિદાન કરવામાં આવે છે. ત્યારે રાજકોટનો અનુભવ કહેતા ડો.મનિષ મહેતાએ જણાવ્યું હતું કે, પોતાના તબીબી ક્ષેત્રની કારકિર્દીની શરૂઆત રાજકોટથી જ કરી હતી. સતત 25 વર્ષ સુધી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈએનટી સર્જન મેડિકલ કોલેજમાં ડીન અને તબીબી અધિક્ષક તરીકે કાર્યકાળ સંભાળવાનો અનુભવ ખુબજ યાદગાર રહ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવી સૌરાષ્ટ્રભરના દર્દીની સારવાર કરવાનો જે મોકો મળ્યો હતો તે ખુબ સરાહનીય બાબત ગણી શકાય છે. તબીબી ક્ષેત્રની કારકિર્દીમાં અનેક કઠીન સર્જરીની સાથે સાથે કોઝીયોકેમીક ઈન્ટરનેશન ફોલોશીપનો પણ અનુભવ ખુબ સારો રહ્યો હતો. 1994થી ઈએનટી સર્જન તરીકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવી હતી તે હજુ પણ જીવનના અનેક ક્ષણોએ ઉપયોગી થાય છે. સૌરાષ્ટ્રભરમાંથી હાલ મ્યુકરમાઈકોસીસના દર્દીઓને સર્જરી માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જો એક ઈએનટી સર્જન તરીકે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા પરત મોકલવામાં આવે તો પુરી નિષ્ઠાથી ફરજ બજાવાનું ડો.મનિષ મહેતાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.