- જૂનાગઢના ગિરનારમાં યોજાઈ આરોહણ અવરોહણ સ્પર્ધા, સમગ્ર દેશમાંથી 570 સ્પર્ધકોએ લીધો ભાગ
- 33.40 મિનિટના સમય સાથે જુનિયર બહેનોમાં વારાણસીની રંજના યાદવ પ્રથમ
- 56.41 મિનિટના સમય સાથે જુનિયર ભાઈઓમાં ઉતરપ્રદેશના બબલુભાઈ સીસોદિયા પ્રથમ
જૂનાગઢના ગિરનાર પર યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન 17મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જુનિયર અને સિનિયર કેટેગરીના 570 યુવક-યુવતીઓએ ગિરનાર સર કર્યો હતો. તેમજ ઉત્તરાખંડના યુવકે સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેણે 53.28 મિનિટમાં ગિરનાર સર કરીને છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. તેમજ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને 1 લાખ રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય 40 સ્પર્ધકોમાં કુલ 19 લાખ રૂપિયા ઈનામ આપવામાં આવ્યું હતું.
દેશભરના 570 સ્પર્ધકોએ ભાગ લીધો
જૂનાગઢના ગિરનારમાં આયોજિત 17મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર સહિત રાજ્યભરના કુલ 570 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સિનિયરમાં 245 યુવકો અને 87 યુવતીઓ સહિત જુનિયરમાં 157 યુવકો અને 81 યુવતીઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સીનીયર બહેનોમાં બીજા ક્રમે ઉતરાખંડના મીનાક્ષી નેગીએ 33.55 મીનીટમા ,ત્રીજા ક્રમે ઉતરાખંડના નીધી નેગી 34.19 મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના નીષાદ લલીતકુમાર 54.44 મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના વાધેલા શૈલેષ મનસુખએ 55.07 મીનીટના સમય સાથે, જુનીયર બહેનોમાં બીજા ક્રમે ગુજરાતના ગરચર દીપાલી 35.10 મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના કામરીયા જયશ્રી 35.45 મીનીટના સમય સાથે, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે હરિયાણાના હરીકેષ 58.43 મીનીટ સાથે , ત્રીજા ક્રમે બિહારના શશી રાજ 1 કલાક 31 સેકન્ડ ના સમય સાથે ગિરનાર સર કર્યો હતો.
યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે 6-45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. કલેક્ટરે ગુજરાત સહિત દેશભરના સ્પર્ધકોને અખિલ ભારતીય ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન પણ આપ્યા હતાં.
સનાતનન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ ડેપ્યુટી કમીશનર શ્રી ઙી.જે. જાડેજાએ 17મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા થયેલ અને ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી અને ગિરનારને સર કરવાની ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બીરદાવ્યો હતો. તેમજ તેમણે ગિરનાર સ્પર્ધા અંગે માહિતી આપી હતી.
સનાતન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, સિવિલ સર્જન ડો.પાલા, આર્યુવેદીક હોસ્પિટલના ચેતનાબેન કોડીનારીયા, ગિરનાર રોપ વેના મેનેજર બેદી, પીઆઈ આર.કે.પરમાર સહિતના અધિકારીઓના હસ્તે પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
સમારોહમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાએ કર્યું હતું. સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો,રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. આ ઈનામ વિતરણ સમારોહના કાર્યક્રમનુ સફળ સંચાલન ગાયત્રીબેન શર્મા અને નિરાલીબેન સોનીએ કર્યું હતુ.
અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનોની કુલ -4 કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રાજ્ય સરકાર દ્વારા રૂ. 1 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત ઉક્ત ચારેય કેટેગરીમાં ટોપ -10માં સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને કુલ રૂ.19 લાખના પુરસ્કાર વિતરીત કરવામાં આવ્યા હતા.