Abtak Media Google News
યુવાને આબરૂ જવાના ડરથી જીવન ટૂંકાવવાનું નકકી કર્યું તુ: પોલીસને વાત કરતા જીવ બચ્યો

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢ શહેરના પોશ વિસ્તારમાં રહેતો સારા ઘરનો એક યુવક દિપક (નામ બદલાવેલ છે..) પણ આવી ગેંગનો શિકાર બન્યો હતો. શિકાર બન્યા બાદ પોતાની આબરૂ જવાની બીકે પોતે મુંજાયો હતો. મનમાં ઘણા બધા વિચારો અને કાલ્પનિક ભય ઉતપન્ન થતા, આત્મહત્યા સુધીના વિચારો આવ્યા હતા. ખૂબ જ મુંજાયા બાદ આ યુવક જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ફોન કરી, પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર મહિલાના નામથી રિકવેસ્ટ આવ્યાની વાત કરતા, ડીવાયએસપી જાડેજા દ્વારા બાકીના બનાવની તમામ વાત યુવક દીપકને કરી દેતા અને હવે એ યુવતી રૂપિયા માંગતી હશે અને તમને કોઈ પોલીસ ઓફિસરના ટ્રુ કોલર વાળો ફોન પણ આવેલ હશે,..તેવું યુવકને જણાવતા, યુવક અચંબામા પડી ગયો હતો. યુવકને ફોન ઉપર સાંજ સુધી રૂપિયાની સગવડ કરતો હોવાની વાત કરવા સલાહ આપી હતી અને યુવક વધારે પડતો ગભરાઈ ગયેલ હોઈ, સાંજે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, એવું જણાવી, જરા પણ ચિંતા નહિ કરવા જણાવી, સાંત્વના આપી, સાંજે રૂબરૂ મળવા પણ જણાવેલ હતું…

યુવક દિપક દ્વારા મહિલાને સાંજના સાત વાગ્યા સુધી વ્યવસ્થા કરવાની લાલચ આપતા, ફોન બંધ થયેલ હતા અને સાંજે યુવક ડીવાયએસપી કચેરી ખાતે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળતા, યુવક એટલો બધો ગભરાઈ ગયેલ હતો કે, યુવકને ઓળખીતાના ફોન આવે તો પણ ગભરાઈ જતો હતો. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા યુવકને હવે ફોન આવે ત્યારે મહિલાને તે મહિલાનો નમ્બર અને રેકોર્ડિંગ પોતે શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આપી દીધા છે, હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે, એવું જણાવી, જરૂર પડે તો અમારો નમ્બર આપી દેવા જણાવેલ હતું. ત્યારબાદ મહિલા તથા તેની ગેંગના સભ્યોના ફોન આવતા, યુવક દિપક દ્વારા પોતે તમામ નંબર ક્રાઇમ બ્રાન્ચને આપી દીધાનું જણાવતા, ગેંગના ફોન બંધ થયેલ હતા અને યુવકને રાહત થઈ હતી.

જૂનાગઢ પોલીસની સલાહ અને મદદ કરવાના કારણે યુવકને રાહત થયેલ હોઈ, યુવક દીપક રૂબરૂ મળી, પોતે મહિલા સાથેના વીડિયો જાહેર થશે તો, પોતાના સમાજમાં અને કુટુંબમાં શુ મોઢું દેખાડશે…? એવું વિચારી આપઘાત કરવાનો પણ વિચાર કરેલ અને છેલ્લી આશાના સહારે પોલીસને ફોન કરતા, પોતાનો જીવ બચ્યાની વાત કરી, રડવા લાગેલ અને જો પોતે પોલીસને ફોન ના કર્યો હોત તો, હું આત્મહત્યા જ કરતો અને કદાચ હું મારા માતા પિતા કે કોઈને આજે મળ્યો ના હોત, એવું જણાવી, રડમસ ચહેરે, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો. સોશિયલ મીડિયાના ગેર ઉપયોગના લાલબત્તી સમાન આ કિસ્સાનો ભોગ બનેલા યુવકને જૂનાગઢ પોલીસ દ્વારા હવેથી સાવચેતી રાખવા સલાહ પણ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.