Abtak Media Google News

વિપક્ષ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા દ્વારા કરાયો આક્ષેપ

જૂનાગઢ મનપામાં ઊંચા ભાવે વાહનો ભાડે રાખી, પ્રજાના પરસેવાના રૂપિયા મળતિયાઓ મારફત વેડફી, મસમોટા ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો વિપક્ષ કોંગ્રેસ તથા શહેરની એક સામાજિક સંસ્થા દ્વારા આક્ષેપ થતાં, આ બાબત ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જૂનાગઢ મનપાના વિપક્ષ કોંગ્રેસના એકમાત્ર મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાના જણાવ્યા અનુસાર તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીએ મનપાના માટે વાહનો ભાડે રાખવા માટે ટેન્ડર મંજૂર કરેલ છે, જે ભાડા ઊંચા ભાવના મંજૂર કરવામાં આવ્યું હોવાનું અને જે વાહનો ભાડે રાખવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે તે ભાજપના કાર્યકર હોવાથી લોકોના પરસેવાના  રૂપિયા મનફાવે તે રીતે વેડફી, મસ મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

મંજુલાબેન પરસાણાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ભાજપના એક વ્યક્તિ દ્વારા મનપામાં ભાડે વાહનો આપવામાં આવે છે અને તે ભાવો ખૂબ વધુ હોવાથી, અગાઉ પણ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને અનેક ભ્રષ્ટાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ આ વાહનો છૂટા કરાયા હતા. પરંતુ તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીએ ભાજપના એક વ્યક્તિનું ટેન્ડર મંજૂર કરેલ છે, અને શિવરાત્રીના મેળા તથા અન્ય દિવસો માટે જુનાગઢથી ભવનાથના પાંચ થી છ કિલોમીટર માટે રૂ. પાંચ હજાર જેટલો ભાવો મંજૂર કરાયો છે.

બીજી બાજુ મનપા કચેરીમાં થતી ચર્ચા અનુસાર મનપા દ્વારા જે વાહનો ભાડે રખાય છે તે ભાજપના એક વ્યક્તિને ફાયદો કરાવવા ઊંચા ભાડે વાહનોના ટેન્ડર માન્ય રખાય છે, અને એક માસ માટે ૨૫ કિલોમીટરની મર્યાદા સુધી ચાલનારા આ વાહનનું ભાડું જોઈએ તો ઈનોવા ૬૫,૦૦૦, બોલેરાના ૫૨,૫૦૦,  સ્વીફ્ટ કારના ૪૨,૫૦૦ તથા ભવનાથ અને પરિક્રમા દરમિયાન કે અન્ય કાર્યક્રમોમાં જવા માટે એક દિવસનું ભાડું ઈનોવા નું ૫૯૦૦, બોલેરો ૪૮૦૦ અને સ્વિફ્ટ કારના ૩૯૦૦ નક્કી

કરાયા છે.

જો કે બીજી એક ચર્ચાતી વાતો મુજબ આજ કોન્ટ્રાક્ટરના વાહનો જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સી માં ચાલે છે જ્યાં તમામ નિયમોને આધીન થઈ એક માસ માટે રૂ. ૩૩,૫૦૦ માં વાહન ભાડે આપવામાં આવેલ છે, ત્યારે મનપા પાસેથી આ કોન્ટ્રાક્ટર દ્વારા રૂ. ૧૬,૦૦૦ વધુ  ફાળવાતા હોવાની ચર્ચા ચાલી રહી છે.

આ બાબતે જૂનાગઢની જાગૃત સંસ્થા જનતા ગેરેજના નિલેશ દેવાણીના જણાવ્યા અનુસાર જૂનાગઢના લોકો પરસેવાની કમાણી થી ટેક્સ ભરે છે ત્યારે મનપા દ્વારા પ્રજાના પરસેવાની નું પાણી અને ધુવાડાઓ કરવામાં આવે છે, લાગતા-વળગતા કોન્ટ્રાકટર ના ઊંચા ભાવ માન્ય રાખવામાં આવે છે, અને મલતિયાઓનાં વાહનો ભાડે રાખી મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે, અને ઊંચા ભાડાએ વાહનો રાખવાનો એક મોટો કારસો મનપામાં ચાલી રહ્યો છે. આ અંગે જૂનાગઢ મનપાના કમિશનર તુષાર સુમેરા એ પત્રકારોને જણાવ્યું હતું કે, હાલમાં બે વાહનો ભાડે રાખવાની વાત છે અને આરોગ્ય તથા ઈમરજન્સી માટે ટેન્ડર બહાર પડાયા હતા, પરંતુ ઊંચા ભાવો આવેલ છે, અને આ બાબત નિર્ણયાધીન છે એટલે કે પેન્ડિંગ છે અને આ બાબતે વિચારાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.