જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન શરૂ

જૂનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે વહેલી સવારે 8.00 વાગ્યાથી કોર્પોરેશનની 60 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. મતદાનને લઈને જૂનાગઢના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે જ મતદાન શરૂ થતાની સાથે નેતા વિપક્ષ સતિષ કેપ્ટને મત આપ્યો હતો. આ ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ઉપરાંત, કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી મેદાન આવતા ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. અનેક મહાનુભાવોના ભાવી આજે EVMમાં સીલ થવાના છે. જૂનાગઢમાં સત્તાધારી ભાજપે પૂર્વ ધારાસભ્ય મશરૂને પણ મેદાન ઉતાર્યા છે. કોંગ્રેસના આંતરિક કલેહ અને એનસીપીની એન્ટ્રીના કારણે રસાકસીનો માહોલ જામ્યો છે.

આજે સાંજે 5.00 વાગ્યા સુધી મતદાન યોજાશે જેમાં ત્રણે પાર્ટીના ઉમેદવારો ઉપરાંત અપક્ષોનું ભાવિEVMમાં સીલ થશે. 15 વોર્ડની ચૂંટણીમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રથમ વાર કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ ઉમેદવારો અને નેતાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો. જૂનાગઢની ચૂંટણીમાં ભાજપે 59, કોંગ્રેસે 49 અને એન.સી.પીએ 25 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જ્યારે અન્ય 26 ઉમેદવારો પણ ચૂંટણીના જંગમાં છે.