જૂનાગઢ: રાત્રે 8થી સવારે 6 સુધી કર્ફ્યુ અમલી બનાવતા જિલ્લા કલેકટર ડો. પારઘી

જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ  ગઇકાલે એક જાહેરનામું બહાર પાડી જૂનાગઢ શહેરમાં ગઈકાલ તા. 7એપ્રિલ  થી તા. 30 એપ્રિલ દરમિયાન રાત્રિના 8 કલાકથી સવારના 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂક્યો છે, અને તેનું જૂનાગઢ શહેરમાં ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ ગઇકાલે બહાર પાડેલ જાહેરનામામાં જૂનાગઢ શહેરમાં તા. 10એપ્રિલથી લગ્ન તથા સત્કાર સમારંભમાં બંધ રાખવા કે ખુલ્લી જગ્યામાં 100 થી વધુ વ્યક્તિઓ એકઠાં કરી શકાશે નહીં તથા જૂનાગઢ શહેરમાં કર્ફ્યુના  સમયના કલાકો દરમિયાન જૂનાગઢ શહેરમાં લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો પણ યોજી શકાશે નહીં. આ ઉપરાંત તા. 30એપ્રિલ  સુધી રાજકીય, સામાજિક કે અન્ય મેળાવડા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

જ્યારે જૂનાગઢ શહેરમાં કોઇપણ ગેધરીંગમાં 50 થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહીં. અને આ દરમિયાન પણ કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓનું અમલ કરવાનું રહેશે.

ગઇકાલે જિલ્લા કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામામાં જૂનાગઢ શહેરમાં તા. 30એપ્રિલ  સુધી સરકારી કચેરીઓ શનિ-રવિ દરમિયાન બંધ રહેશે તથા સરકારી કચેરીઓમાં ખૂબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત  જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ પણ કોવીડ-19 અંગેની માર્ગદર્શિકાનું અને સૂચનાઓનું પાલન કરવાનું રહેશે તેમ જણાાવાયુ છે.

જો કે  બહાર પાડેલાં જાહેરનામામાં સરકારી ફરજ ઉપરના કર્મચારીઓ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સીઓ તેમજ આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓ જેમા જેવો કાયદેસરની ફરજમાં હોય તેવા વ્યક્તિઓને આ જાહેરનામુ બંધનકર્તા રહેશે નહીં, તે સિવાય દૂધની ડેરીઓ તથા દૂધનું વિતરણ કરતા વિક્રેતાઓ, પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર, ફાર્મસી, એમ્બ્યુલન્સને પણ આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ ઉપરાંત સમશાન યાત્રા તેમજ સ્મશાન ગૃહમાં કાર્યકર્તાઓ સ્ટાફને પણ આ જાહેરનામુ લાગુ પડશે નહીં તેવું જાહેરનામામાં અપવાદમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે.