જૂનાગઢ: ચૂંટણીને લઈ તંત્ર સજ્જ, 3100 શખ્સોની ધરપકડ

૫૩૯ બૂટલેગરો સામે પગલા લેવાયા: દારૂ, રોકડ અને વાહન સહિત રૂ. ૩૯.૯૨ લાખનો મૂદામાલ જપ્ત

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે તથા ૩૧૦૦ શખ્સોની અત્યાર સુધીમાં અટકાયત કરવાની સાથે ૫૩૯ બૂટલેગરો સામે પગલાં લેવાયા છે જ્યારે ૧૪ સામે પાસા લગાવી, ૧૯ ને તડીપાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે દારૂ, વાહન, અને રોકડા મળી રૂ. ૩૬,૯૨,૯૫૧ નો મુદ્દામાલ કબજે કરતા પોલીસની આ કામગીરીથી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને અનેક તો ભીતર થઈ જવા પામ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને માથાભારે તથા લુખ્ખા તત્વો દ્વારા કોઈ ગરબડી કરવામાં ન આવે તે માટે જિલ્લા પોલીસ  દ્વારા આ વખતે અગાઉથી જ કડકાઈ વાપરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ૫૩૯ જેટલા બૂટલેગરો સામે અટકાયતી પગલાં લેવાની સાથે જિલ્લામાં માથાભારે તત્વોની છાપ ધરાવતા ૧૪ શખ્સો સામે પાસા લાગુ કરવામાં આવ્યો ત્યારે ૧૯ જેટલા બુટલેગરોને તડીપાર કરી દેવાયા હતા.

આ ઉપરાંત ચૂંટણીમાં પ્રોહિબિશનના બુટલેગરોને ચેક કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને ચાર ચાર વખત બુટલેગરોને ચેક કરી આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા તથા રૂ. ૧૫,૦૬,૦૫૧ નો વિદેશી દારૂ, રૂ. ૫૭,૬૦૦ નો દેશી દારૂ,  વાહનો તેમજ રૂ. ૧,૫૮,૮૯૯ નો અન્ય મુદ્દામાલ  તથા રોકડ મળી કુલ રૂ. ૩૬,૯૨,૯૫૧ નો મુદ્દામાલ પકડી પાડવામાં આવતા બૂટલેગરોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.

જુનાગઢ રેન્જ ડીઆઈજી મનીં ન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી. રવિ તેજા વાસમ શેટી દ્વારા જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માથાભારે શખ્સો, બુટલેગરો તેમજ ગુનેગારો સામે કડક પગલા લેવા સૂચના આપવામાં આવ્યા બાદ જૂનાગઢ ડીવાયએસપી. પ્રદિપસિંહ જાડેજા, કેશોદ ડીવાયએસપી. જે.બી. ગઢવી, માંગરોળના ડીવાયએસપી. જે.બી. પુરોહિત ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં બુટલેગરો અને માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી કરી, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમથી મળી કુલ ૩૧૦૦ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

દરમિયાન જુનાગઢ પોલિસ ડિવિઝન હેઠળના બીલખા પોલીસ સ્ટેશનના સેમરડા, ભેસાણ પોલીસ સ્ટેશનના વિશાળ હડમતીયા, રાણપુર, ભાટગામ, જુનાગઢ તાલુકાનાં માખિયાળા, ગલિયાવાડ, પ્લાસવા, ખડીયા, વિજાપુર, પાદરીયા, વિસાવદરના રૂપાવટી વીરપુર સહિતના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાતા ત્યાંના સ્થાનિક લોકોમાં પણ રાહતનો દમ લેવામાં આવ્યો છે.