જૂનાગઢ: ભગવાન પરશુરામની પ્રતિમાને લઈ બ્રહ્મ સમાજના આંદોલનનો અંત

અબતક

દર્શન જોશી,જૂનાગઢ

જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા પ્રતિષ્ઠા કરાયેલ ભગવાનના પરશુરામ દાદાની પ્રતિમા હટાવવા મનપા દ્વારા આપેલ નોટિસ બાદ સંગઠનના સુપ્રીમોએ અન્નજળનો ત્યાગ કર્યા બાદ  આ બાબતે સુખદ સમાધાન થવા પામ્યું હતું અને ઉપવાસીઓને જૂનાગઢના મેયર, ધારાસભ્ય સહિતના રાજકીય, સામાજિક, સેવાકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં પારણા કરાવવામાં આવ્યા હતા.

જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે સોનાપુરી સર્કલ ખાતે  જૂનાગઢના સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભગવાન પરશુરામની એક પ્રતિમાની  સ્થાપવામાં આવી હતી. જેને લઇને જૂનાગઢ શહેરના ભૂદેવોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી અને સંગઠનના આ શુભ કાર્યથી શહેરના ભૂદેવો દ્વારા શુભેચ્છા વર્ષા થઇ રહી હતી. ત્યારે જ જૂનાગઢ મનપા દ્વારા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક સુપ્રીમો જયદેવ જોશી, સંસ્થાપક કાર્તિક ઠાકર તથા પ્રમુખ આશિષ ઉપાધ્યાયને એક નોટિસ પાઠવી આગામી દિવસ 3 માં ભગવાન પરશુરામની પ્રતિમાને દૂર કરવામાં આવશે એવી નોટિસ પાઠવવામાં આવી હતી.

ત્યારબાદ  જૂનાગઢ મહાનગર સહિત સૌરાષ્ટ્રના ભૂદેવો તથા હિન્દુ સમાજમાં ભારે નારાજગી ફાટી નીકળી હતી અને મનપાની બેધારી નીતિ સામે ભયંકર રોષ પ્રગટયો હતો. દરમિયાન શુક્રવારે જ જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સુપ્રીમો જયદેવ જોશી, કાર્તિક ઠાકર દ્વારા અન્ન જળનો ત્યાગ કરી જયાં સુધી આ બાબતે યોગ્ય નહિ થાય ત્યાં સુધી અનસન આંદોલન આરંભી દીધું હતું, અને સંગઠનના પ્રમુખ આશિષ ઉપાધ્યાય સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપવાસમાં મોટી સંખ્યામાં જોડાયા હતા, તો જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, મનપાના કોર્પોરેટર, આરતીબેન જોશી, આદ્યશક્તિ બેન મજમુદાર, હરેશ પરસાણા, ધર્મેશ પોશિયા, સહિતના સતાધારી ભાજપના કોર્પોરેટરો, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, સહિતનાઓએ છાવણીની મુલાકાત લીધી હતી અને ટેકો જાહેર કર્યો હતો. અને વિશ્વ હિન્દુ પરિષદે પણ સમર્થન જાહેર કરેલ હતું.

દરમિયાન આ બાબતનું સુખદ સમાધાન થાય તે માટે જૂનાગઢ મનપાના મેયર ધીરુભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, કારોબારી ચેરમેન રાકેશ ધુલેસિયા સહિતના મનપાના કોર્પોરેટરો તથા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મહામંત્રી શૈલેષ પંડ્યા, પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ કોર્પોરેટર નિર્ભય પુરોહિત, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ છેલભાઈ જોશી, જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે. ડી. પંડ્યા, પોરબંદરના પ્રેમશંકરભાઈ જોશી રાજકોટના મિલન જોશી સહિતના આગેવાનો એ સહિયારા પ્રયાસ કરી, બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ અને સમસ્ત હિન્દુ સમાજના ભગવાન શ્રી પરશુરામ દાદાની સ્થાપિત મૂર્તિ યથાવત રહે તે માટે પ્રયત્નો કરી આ બાબતની ખાતરી આપતા જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનના સુપ્રીમો જયદેવ જોશી, કાર્તિક ઠાકર, મહિલા પાંખના પ્રમુખ ગીતાબેન જોશી, પ્રમુખ આશિષભાઈ ઉપાધ્યાય સહિતના સંગઠનના અગ્રણીઓને જૂનાગઢના મેયર, ધારાસભ્ય સહિતના રાજકીય, સેવાકીય અને બ્રહ્મસમાજના અગ્રણીઓએ પારણા કરાવ્યા હતા અને આ બાબતનો સુખદ અંત આવ્યો હતો. બાદમાં અગ્રણીઓએ પરશુરામ દાદાની મહા આરતી કરી હતી.