Abtak Media Google News

શિષ્ય ઋષિ ભારતી સામે ગંભીર આક્ષેપ: ટ્રસ્ટીઓની મીટીંગ બાદ નિર્ણય લેવાશે

કરોડોની સંપત્તિ, સરખેજ ખાતેનો આશ્રમ, અને અમદાવાદ નજીક આવેલી 87 વીઘા કરોડોની કિંમતની જમીન અને વિલ બાબતે વિવાદ સર્જાયા બાદ એકાએક ગુમ થયેલ જુનાગઢ ભારતી આશ્રમ ના મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ અંતે નાસિક ખાતેથી મળી આવતા તેમને પૂરતા પોલીસ પ્રોટેક્શન સાથે તેમના સેવકો દ્વારા ગત મોડીરાત્રીના જૂનાગઢના ભારતી આશ્રમ ખાતે લાવવામાં આવેલ છે, ત્યારે હરિહરાનંદ બાપુએ તેમના શિષ્ય ઋષિ ભારતી સામે ગંભીર આક્ષેપો કર્યા છે, અને સત્યને ન્યાય મળવો જોઈએ તેવું જણાવી ટ્રસ્ટીઓની મીટીંગ મળશે ત્યારે વિવાદ અંગે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

જૂનાગઢના ભવનાથ તથા અમદાવાદના સરખેજ અને નર્મદા નદીના કિનારે આવેલ ભારતી આશ્રમના હરિહરાનંદ સ્વામી તેમના ગુરુ ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના આશ્રમ અને કરોડોની સંપત્તિનો વિવાદ થતાં છેલ્લા ઘણા સમયથી ચિંતિત અને દુ:ખી હતા ત્યારે ગત તારીખ 30 ના રોજ રાત્રીના સમયથી અચાનક ભેદી સંજોગોમાં ગુમ થતાં હરિહરાનંદજીના સેવકો, ભાવિકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ બાબતે વડોદરા પોલીસે હરિહરાનંદજી બાપુની ભાળ મેળવવા માટે ઝીણવટભરી તપાસ આદરી હતી. જો કે રાત્રિના નવ વાગ્યાના અરસામાં કપુરાઈ ચોકડી પાસે આવેલા રિસ્તા હોટલના સીસીટીવી કેમેરામાં હરિહરાનંદજી બાપુ ચાલીને જતા હોવાનું કેદ થયેલ હતું. પરંતુ બાપુની 4 દિવસ સુધી ભાળ મળી ના હતી,

દરમિયાન ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી બુધવારે વહેલી સવારે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર પાલઘર જિલ્લાના જવાહર ગામના બસ સ્ટેન્ડ પાસે કેબીનના ઓટલા પર લાલ કપડું ઓઢીને સૂતેલા જોવા મળ્યા હતા ત્યારે અનુયાયીઓને શંકા જતા મોઢા પર થી કપડું હટાવતાં હરિહરાનંદ બાપુ મળી આવ્યા હતા અને બાદમાં હરિહર આનંદ બાપુને વડોદરા ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હરિહરાનંદ બાપુનું નિવેદન લેવામાં આવ્યું હતું.

બાદમાં મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામીને પોલીસ પ્રોટેક્શન વચ્ચે જુનાગઢ ભારતી આશ્રમ ખાતે તેમના સેવક ગણ દ્વારા લાવવામાં આવ્યા હતા આને બાપુએ જણાવ્યું હતું કે, મારી પાસે બ્રહ્મલીન ભારતી બાપુએ કરેલ વિલ છે તે સાચું છે. બાદમાં થયેલ વીલ ખોટું છે, રજીસ્ટાર કચેરીમાં નોંધાયું નથી અને ઋષિ ભારતી એ ભારતી બાપુના શિષ્ય નથી. જે સત્ય છે તેને ન્યાય મળવો જોઇએ. તેમ જણાવી બાપુએ જણાવ્યું હતું કે હું અમદાવાદ નજીક આવેલ જગ્યા પણ ઋષિ ભારતીને આપવા માંગતો હતો. પરંતુ ટ્રસ્ટીઓએ ના પાડતા તે જમીન અપાઈ નથી. હવે ટ્રસ્ટી મંડળની મીટીંગ મળશે અને બાદમાં આ વિવાદ અંગે નિર્ણય લેવામાં આવશે. જોકે બીજી બાજુ ભારતી આશ્રમના ટ્રસ્ટી ધર્મેશ પ્રજાપતિના જણાવ્યા અનુસાર હરિહરાનંદ બાપુ ઉપર સરખેજ આશ્રમના વિવાદ બાદ સમાધાન માટે દબાણ કરાવતો હતો જેના કારણે બાપુ વિચલિત થઈને નીકળી ગયા હતા અને બાપુના સેવકો તથા પોલીસના સંયુક્ત પ્રયાસથી બાપુને શોધી કાઢવામાં આવ્યા છે તેવો પુરા સ્વસ્થ થશે ત્યાર બાદ તેમની સાથે વિચાર વિમર્શ કરી વકીલની સલાહ લીધા બાદ હવે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય ટ્રસ્ટીઓ રહેશે.

અત્રે નોંધનીય છે કે, બ્રહ્મલીન મહામંડલેશ્વર 1008 ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ સ્વામીની તાજેતરમાં ચાદર વિધિ કરવામાં આવી હતી પરંતુ ગત તારીખ 30 ના રોજ મહામંડલેશ્વર મહંત હરિહરાનંદજી ભારતીજી અમદાવાદ ખાતે દવા લેવા ગયા હતા અને રાત્રિના નવ વાગ્યાના અરસામાં પોતાનો મોબાઈલ ફોન મૂકી નર્મદાના ગોરા આશ્રમથી અચાનક ભેદી સંજોગોમાં ગુમ થતાં તેમના સેવક અને ભક્તોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને આ અંગે વડોદરા પોલીસમાં નોંધ પણ કરાવવામાં આવી હતી.

બીજી બાજુ મંગળવારે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ગિરનાર ક્ષેત્રના સંતો, મહંતો પહોંચ્યા હતા અને ભારતી આશ્રમનું સંચાલન કરતા મહાદેવ ભારતી બાપુએ જણાવ્યું હતું કે, બાપુ ગત તારીખ 30 ના રોજથી અચાનક ગુમ થયા છે અને તેઓ હેમખેમ પરત ફરે તે માટે તંત્ર અને પોલીસ દ્વારા કાર્યવાહી થાય તેમ જણાવી, બ્રહ્મલીન ભારતી બાપુના આશ્રમ અને કરોડોની સંપત્તિનો જે વિવાદ ચાલી રહ્યો છે તેનો સાથે બેસી સુખદ નિર્ણય કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. તે સાથે ગોરા ભારતી આશ્રમનું સંચાલન કરતાં સંત સોમનંદજી મહારાજ્ય દ્વારા તેમના ગુરૂ ભાઈ ઋષિ ભારતી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

સોમનંદજી મહારાજ એ જણાવ્યું છે કે, ભારતી બાપુ દેવલોક પામ્યા ત્યારે મારા ગુરુ બ્રહ્મલીન ભારતી બાપુએ વીલ બનાવ્યું હતું અને ઓરિજિનલ વિલ હરિહરાનંદજી બાાપુના નામે છે પરંતુ હરિહરાનંદજી બાપુને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતોો, અને કરોડોની મિલકતો હડપ કરવા અનેક લોકો ઋષિ ભારતીને સહયોગ આપી રહ્યા છે. ભારતી આશ્રમ માં અનુયાયીઓ દ્વારા પણ હરિહરાનંદ બાપુ પાસે જે વીલ છે તે સાચું હોવાનું જણાવાઇ રહ્યું છે અને ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ આઠ માસે સામે આવેલા વિલ માત્ર નોટરી થયેલ છે અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા ન હોવાનું જણાવી ખોટું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે સાથોસાથ બાપુને એક મહિલા સહિતના લોકો આ બાબતે દબાણ કરતા હોવાના પણ આક્ષેપ સંભળાઈ રહ્યો છે.

1008 ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ વકરેલા આ વિવાદ બાદ અનેક આક્ષેપો સામે આવી રહ્યા છે ત્યારે આ અંગે ઋષિ ભારતીના જણાવ્યા અનુસાર આ માત્ર સ્ટંટ છે, અને સત્ય છે તે જરૂર બહાર આવશે તેમાં જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.