જુનાગઢ: ખડીયા ગામે પત્નીની હત્યા કરી બે દિવસથી લાપતા બનેલા પતિએ કર્યો આપઘાત

ઘર કંકાસનાં કારણે પત્નીનું ઢીમઢાળી ઝેરી દવા પી કુવામાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

જૂનાગઢના ખડીયા ગામે ઘરકંકાસમાં પતિએ ધારદાર હથિયાર વડે પોતાની પત્ની ઉપર ઘાતકી હુમલો કરી, મોતને ઘાટ ઉતારનાર પતિએ પણ કુવા પુરી મોતનો માર્ગ અપનાવી લીધો હોવાનું પ્રકાશમાં આવતા સમગ્ર જૂનાગઢ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે જુનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જૂનાગઢ તાલુકાના ખોબા જેવા ખડીયા ગામમાં ખળભળાટ મચાવનાર આ ઘટનાની સિલસિલાબંધ હકીકત મુજબ ખડીયા ગામે રહેતા રામદેવ લાખાભાઈ ઢોલા (ઉં.વ. 45) ને તેમની પત્ની સાથે છેલ્લા ઘણા વર્ષોથી ઘર કંકાસ ચાલતો હતો અને આ કારણોસર પતિ-પત્નીની માથાકૂટમાં રામદે લાખાભાઈ એ તેની પત્ની લીલીબેન ઉપર ધારદાર હથિયાર વડે હિચકારો હુમલો કરી દીધો હતો અને માથાના ભાગે ધારદાર હથિયારનો ઘા કરતા લીલીબેન લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ પડી ગયા હતા અને તેનું મોત નીપજ્યું હતું.

બાદમાં પતિ રામદેવ ઢોલા દ્વારા તેની લાશને એક પાણીની કુંડીમાં ફેંકી દેવામાં આવી હતી અને પોતાના ઘરને તાળુ મારી આરોપી પતિ ઘરેથી ફરાર થઈ ગયો હતો બીજી બાજુ પોલીસે આરોપી પતિને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન આરોપી પતિ રામદે લાખાભાઈ ઢોલાના ઘરની સામે આવેલા જંગલ જેવા વિસ્તારની બાજુમાં આવેલ ખેતરના એક કૂવામાંથી ગઈકાલે એક અજાણ્યા પુરુષની કોહવાઇ ગયેલી લાશ મળી હતી. જે અંગે ગામલોકો દ્વારા પોલીસને જાણ કરતાં જુનાગઢ તાલુકા પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી, પોસ્ટ મોર્ટમ માં આ લાશ 40 થી 45 વર્ષના પુરુષની હોવાનું અને તેમણે ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યુ હતું. બાદમાં પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા આ મૃતદેહ ખડીયા ગામના રામદે લાખાભાઈ ઢોલાનો હોવાનું સામે આવ્યુ હતું.

ખડીયા ગામે પત્નીની હત્યા બાદ પતિએ પણ કૂવો પૂરી આત્મહત્યા કરી લેતા સમગ્ર જૂનાગઢ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બીજી ખડીયા ગામની મહિલાના હત્યા અંગે ઝીણવટ ભરી તપાસ કરી રહેલ જુનાગઢ તાલુકા પોલીસે આરોપી પતિના આપઘાત અંગે પણ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.