જૂનાગઢ: કુખ્યાત વોન્ટેડ શખ્સે યુવાનનું અપહરણ કરી રૂ. 2 લાખની ખંડણી પડાવી

kidnapping
kidnapping

બીજા યુવાનને પણ આ લુખ્ખી ટોળકીએ શિકાર બનાવી રૂ.૫ લાખની ખંડણી માંગી પૈસા પડાવ્યા

જૂનાગઢમાં એક કુખ્યાત વોન્ટેડ શખ્સ અને તેના સાગરીતો દ્વારા ગઈ કાલે બેફામ આતંક ફેલાવામાં આવ્યો હતો. જેમાં આ ટોળકીએ એક યુવાનનું અપહરણ કરી તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે અન્ય યુવાનને પણ શિકાર બનાવી આ ટોળકીએ લાખોની ખંડણી માંગી રૂ.૧૦ હજાર પડાવી લીધાની ઘટના જૂનાગઢ પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના જુલાઈવાળા વિસ્તારમાં રહેતો અને મોબાઈલની દુકાન ધરાવતા અફરોઝ અહમદ માલકાણી (ઉ.વ.૩૪) નામનો યુવાન ગત મોડી રાતે લીમડા ચોક પાસેથી ઠંડુ પીવા કાળવા ચોક ગયો હતો. જ્યાં પાનની દુકાને કુખ્યાત શખ્સ મોહસીન ઉર્ફે હોલેહોલે આવી ચડ્યો હતો અને યુવાનને બોલાવ્યો હતો. પરંતુ અગાઉ પણ મોહસીને ખંડણી માંગી હોય જેથી યુવાને ધ્યાન ન દેતા ત્યાંથી ભાગી ગયો હતો. જેના કારણે મોહસીન ઉર્ફે હોલેહોલે અને સરફરાઝ ઉર્ફે ડાયરો, સોહેલ, અક્રમ પટેલ સહિતના શખ્સોએ યુવાનનો પીછો કરી તેને કોલેજના ગેઇટ પાસે આંતરી લીધો હતો.
જ્યાંથી મોહસીને છરી બતાવી યુવાનનું અપહરણ કરી સરદારબાગ પાસે આવેલી અવાવરું જગ્યાએ લઈ જઈ રૂ.૧૦ લાખની ખંડણી માંગી હતી. ત્યારે યુવાન અફરોઝે તેના ભાઈ ઈમ્તિયાઝને ફોન કરી રૂ.૨ લાખની ખંડણી પડાવી લીધી હતી અને પગના ભાગે એક છરીનો ઘા ઝીકયો હતો. ત્યાર બાદ ટોળકી જ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પરંતુ ત્યાં તેઓએ એમએલસી કરવાની ના કહી હતી અને વધુ રૂ.૮ લાખની વ્યવસ્થા કરવાનું કહી ધમકી આપી છોડી મુક્યો હતો.
ત્યાર બાદ આ લુખ્ખી ટોળકીએ ગુલીસ્તાન વિસ્તારમાં પણ કળા કરી હતી. જ્યાં સેન્ટિંગનું કામ કરતા અબ્દુલ હાસમભાઈ ભાટાને મોહસીન ઉર્ફે હોલેહોલેએ કામ હોવાનું કહી સરદારનગર કેન્ટીન પાસે અવાવરું સ્થળ પર બોલાવ્યો હતો. અબ્દુલ પહોંચતાની સાથે જ મોહસીને છરી બતાવી તારે રૂ.૫ લાખ તો આપવા જ પડશે તેમ કહી રૂ.૧૦ હજાર પડાવી લીધા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી ગયા હતા અને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો.