જૂનાગઢની મેડિકલ કોલેજ ઇન્સ્પેક્શનમાં ફેઇલ

medical college | junagdh
medical college | junagdh

જૂનાગઢ, વડનગર અને હિંમતનગરની મેડિકલ કોલેજની મંજૂરી પ્રાથમિક તબક્કે રદ્દ કરાય: નવેસરથી ઇન્સ્પેક્શનની માંગણી

ગુજરાતમા મેડિકલ માફિયા મનસુખ શાહના કરતૂતો બહાર આવ્યા બાદ હવે એમસીઆઇના સભ્યો પણ દરેક કોલેજમાં ઇન્સ્પેક્શનમાં ઝીણામાં ઝીણી વિગતોની ચકાસણી કરી રહ્યા છે. તાજેતરમાં મેડિકલ સોસાયટી દ્વારા જૂનાગઢ, વડનગર અને હિંમતનગરની ત્રણ મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. આ ત્રણે કોલેજમાં જુદા જુદા પ્રકારની ક્ષતિઓ બહાર આવતાં પ્રાથમિક તબક્કામાં મંજૂરી આપવામાં આવી નથી. આગામી દિવસોમાં આ કોલેજોમાં નવેસરથી ઇન્સ્પેક્શનની માગણી કરવામાં આવી છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ) દ્વારા ચાલુ વર્ષે વડનગરમાં નવી મેડિકલ કોલેજ ખોલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત હિંમતનગર અને જૂનાગઢમાં ચાલતી મેડિકલ કોલેજોમાં હાલ ત્રીજી બેંચ ચાલી રહી છે. આ ત્રણે કોલેજોમાં એકસાથે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ) દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યુ હતુ. ઇન્સ્પેક્શન કર્યા બાદ કાઉન્સિલ દ્વારા ત્રણે કોલેજોને હાલ પુરતી મંજૂરી આપવામાં આવી નથી. કાઉન્સિલ દ્વારા કયા કારણોસર મંજૂરી આપવામાં આવી નથી તેની વિગતો સોસાયટીને આપી દેવામાં આવી છે. સૂત્રો કહે છે દરેક કોલેજોમાં અલગ અલગ ક્ષિતઓ દર્શાવવામાં આવી છે. હિંમતનગર અને જૂનાગઢમાં હાલ વિદ્યાર્થીઓની ત્રીજી બેંચ અભ્યાસ કરી રહી છે. આમછતાં હજુસુધી આ કોલેજોમાં સીટી સ્કેન સહિતના જુદા જુદા સાધનો વસાવવામાં આવ્યા નથી. જેનો કાઉન્સિલના સભ્યો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આજ રીતે વડનગરમાં નવેસરથી કોલેજ શરૂ થવાની હોવાથી માળખાકીય સુવિદ્યાઓ ઉપરાંત સ્ટાફ વગેરેની અછત હોવાથી તેને પ્રાથમિક તબક્કામાં મંજુરી આપવા કાઉન્સિલ દ્વારા ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. સૂત્રો કહે છે આ ત્રણે કોલેજોમાં ૧૫૦ લેખે ૪૫૦ જેટલી બેઠકો થાય છે. હિંમતનગર અને જૂનાગઢની કોલેજો ચાલુ છે. પરંતુ વડનગરની કોલેજને મંજૂરી ન મળે તો પણ ભારે મુશ્કેલી ઉભી થાય તેમ છે. સરકાર દ્વારા આ કોલેજો શરૂ થ્વાથી બેઠકો વધશે તેવી જાહેરાતો પણ અગાઉ કરી દેવામાં આવી છે. પરંતુ કાઉન્સિલ દ્વારા પ્રાથમિક તબક્કામાં હાલ આ કોલેજોને સીધી મંજૂરી આપી દેવાના બદલે ક્ષતિ દર્શાવી દેવામાં આવી છે. આ મુદ્દે મેડિકલ સૂત્રો કહે છે કાઉન્સિલ દ્વારા હાલ આ ત્રણે કોલેજોમાં જુદી જુદી ક્ષતિઓ દર્શાવવામાં આવી છે. પરંતુ આગામી દિવસોમાં નવેસરથી કાઉન્સિલનું ઇન્સ્પેક્શન માંગવામાં આવ્યુ છે. આ ઇન્સ્પેક્શન આવે ત્યાં સુધીમાં તમામ ક્ષતિઓની પૂર્તિ કરી દેવામાં આવશે. પરિણામે બીજા તબક્કામાં આ ત્રણે કોલેજોને મંજૂરી આપી દેવામાં આવશે