જૂનાગઢ મનપા 344 કરોડની ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી હાથ ધરશે

  • જનરલ બોર્ડમાં શાસકોએ કહ્યું કે, આધારકાર્ડની કામગીરી રાત્રે 9.30 સુધી ચાલુ રખાશે
  • કોંગી કોર્પોરેટરે વિવિધ  સવાલો  ઉઠાવ્યા, ભાજપના બે કોર્પોરેટરે પણ રસ્તા-પાણીની સમસ્યા રજૂ કરી

જૂનાગઢની મનપા હવે 344 કરોડની ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી હાથ ધરશે, તેવો ગઈકાલે મનપાના જનરલ બોર્ડ ની મીટિંગમાં સર્વાનુમતે ઠરાવ મંજૂર કરાયો હતો. આ સાથે ગઇકાલે મળેલી મનપાની જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના બે કોર્પોરેટરોએ રસ્તા અને પાણીની સમસ્યા રજૂ કરી હતી ત્યારે કોંગ્રેસી કોર્પોરેટરોએ વિવિધ સવાલો ઉઠાવ્યા હતા.

ગઇકાલે બુધવારે જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની બેઠક મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જૂનાગઢ મનપાના ભાજપના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટર રાકેશ ધુલેશીયા એ પોતાના વિસ્તારમાં ચાર દિવસે પાણી આવે છે તેમ જણાવી બીજો ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવવા રજૂઆત કરી હતી, તો વોર્ડ નંબર 15 ના ભાજપના કોર્પોરેટર જીવાભાઇ સોલંકી એ પોતાના વોર્ડ નંબર 15 માં રોડ ખોદાયા બાદ નવો બન્યો નથી, જ્યારે બીજા વોર્ડમાં રોડ બની ગયા છે, ત્યારે મારા વોર્ડમાં કેમ રોડ બનતા નથી ? તેમ જણાવી હવે માથે ચોમાસુ ગાજી રહ્યું છે ત્યારે સત્વરે રોડ બનાવવાની માંગ કરી હતી.

કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેન પરસાણા એ બોર્ડમાં જણાવ્યું હતું કે, હવે તો ઉઠમણામાં જઈએ તો પણ લોકો ખરાબ રસ્તાની ફરિયાદ કરે છે, ત્યારે શહેરમાં જે રોડ ખુદાયા છે અને મોટા ગાબડા પડયા છે ત્યાં પેચ વર્ક કરાવજો તેમ જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસી કોર્પોરેટર લલીતા પરસાણા એ રોડ થયા બાદ  એજન્સી ડામરથી પેચવર્ક કરવાની ના પાડે છે અને સી.સી.રોડ કહો તો કરી આપીએ તેમ જણાવી રહ્યા છે. કારણ કે ટેન્ડરમાં આ શરત નથી. આવી ટેન્ડરમાં રહી ગયેલી ગંભીર ભૂલ બોર્ડ સમક્ષ મૂકતા કમિશનરે આ બાબતનો જવાબ આપ્યો હતો કે, આ કામ પાણી પુરવઠા બોર્ડ નું છે અને તેમણે ટેન્ડર બનાવ્યું છે. જો કે ટેન્ડરમાં ન હોવા છતાં અમે શિવરાત્રીમાં દોલતપુરાથી સકરબાગ રોડનું કામ કરાવ્યું હતું અને બાકીનું કામ પણ કરાવવામાં આવશે.

ગઇકાલના જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા અદ્રેમાનભાઇ પંજા, મંજુલાબેન પરસાણા વગેરેએ આધાર કાર્ડની શહેરમાં બે જ જગ્યાએ કામગીરી ચાલી રહી છે જેના કારણે લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે અને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે તેમ જણાવતા હવે પછી કાર્યરત બંને સેન્ટરો પર રાત્રિના સાડા નવ વાગ્યા સુધી આધારકાર્ડની કામગીરી ચાલુ રખાશે તેવી સૂચના આપવામાં આવશે તેમ શાસકોએ જણાવતા કોંગ્રેસ કોર્પોરેટર લલીત પરસાણા એ સાંજે છ વાગ્યે સરવર બંધ થઈ જાય છે. તો રાત્રિના સાડા નવ વાગ્યા સુધી કામગીરી કેમ કરાવશો તેમ જણાવતાં શાસકો પણ ભોઠા પાડ્યા હતા.

જો કે ભાજપના જ કોર્પોરેટરો અને વિપક્ષોના અનેક સવાલો વચ્ચે ભૂગર્ભ ગટરના 344 કરોડના કામોનો ઠરાવ, તથા જોષીપરાના કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે મનપા પૈસા ભરાશે તેવા ઠરાવ સહિત સહિત કુલ 5 જનરલ બોર્ડમાં રજૂ થતાં તમામને મંજુર કરવામાં આવ્યા હતા.