જૂનાગઢ મનપાની વેબસાઈટ બંધ: અનેક શંકા કુશંકા !!!

વિપક્ષના આક્ષેપ, ભરતીમા કંઈક રંધાય રહ્યું છે: કમિશનરને  રજૂઆત

જુનાગઢ મનપાની વેબસાઈટ ખુલતી નથી અને ફોર્મ ડાઉનલોડ થતું નથી ત્યારે મનપાની અર્બન હેલ્થ શાખામાં પાછલે બારણેથી ભરતી થનાર હોવાનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અને જૂનાગઢ મનપા દ્વારા થનાર આ ભરતી પારદર્શક રીતે થાય તે માટે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

જુનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના કોંગ્રેસના કોર્પોરેટર લલીતભાઈ પરસાણા એ જુનાગઢ મનપાની અર્બન હેલ્થ શાખામાં થનાર ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થવાની શંકા સાથે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆતક કરતા જણાવ્યું છે કે, મનપા દ્વારા આ ભરતી માટે વેબસાઈટ ઉપર જાહેરાત મૂકવામાં આવી છે. પરંતુ આ જાહેરાત ખુલતી નથી અથવા તો ફોર્મ ડાઉનલોડ થતું નથી. બીજી બાજુ આ જાહેરાતો માત્ર આપવા ખાતર આપેલા છે, અને લાગતા વળગતા ને ભરી લેવા માટેનો કારસો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ઓપચારિક પ્રક્રીયા મનપા દ્વારા કરવામાં આવેલ છે.

ખરેખર ઉમેદવારોની ભરતી કરવાની છે તેઓની ભરતી પ્રક્રિયા થઈ ગઈ છે તેવા આક્ષેપ સાથે કોર્પોરેટર પરસાણાએ કમિશનરને રજૂઆત કરી છે કે, આ તમામ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે વેબસાઈટ ખુલતી ન હોવાથી અરજીનો સમયગાળો વધારવો જોઈએ તેમજ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઇન તેમજ બહોળી પ્રસિદ્ધિ ધરાવતા વર્તમાનપત્રોમાં જાહેરાત આપીને ભરતી કરવી જોઈએ અથવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મારફત પરીક્ષા લઈને આ ભરતી કરવી જોઈએ.