Abtak Media Google News

જૂનાગઢની શાન એવા મહોબત ખાનજી અને વઝીર બહાઉદ્દીન મકબરાનુ નવીનીકરણ કામ પૂર્ણતાના આરે : ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાશે

જૂનાગઢ આવતા પ્રવાસીઓની સાથે ઈતિહાસકારો અને કલાપારખુંઓ બે મહોબત મકબરાનુ સ્થાપત્ય હંમેશા આકર્ષે છે. આ મકબરાની બાજુમાં જ આવેલ વઝીર બહાઉદ્દીન હુસૈનનો મકબરો પણ એટલો જ મોહક છે. જૂનાગઢની શાન સમા આ મકબરાઓને ગુજરાત કે જૂનાગઢ તાજમહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ફરિ ભવ્યતા આપવાનુ કામ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સ્થાપત્ય કળાના બેનમૂન નમૂનાઓનુ રૂ 7.13 કરોડના ખર્ચે નવીનિકરણ કરવામાં રહ્યું આવ્યું છે. આ મકબરાઓની રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે ટૂંક સમયમાં આ મકબરાઓને પ્રવાસીઓ માટે ખૂલ્લાં મૂકવામાં આવશે.

મકબરાઓની રિસ્ટોરેશનની પ્રક્રિયા જાણવા જેવી મજબૂતી આપવા ગોળ, અડદ, મેથી વગેરેના ઉકાળેલા મિશ્રણનો કરવામાં આવ્યો ઉપયોગ

જો આ મહાબત મકરબાના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો, (પુરાતત્ત્વ વિભાગની નોંધ પરથી) નવાબ મહોબત ખાનજી દ્વિતીયની કબર પર ઈ.સ. 1892માં જૂનાગઢના દીવાન બહાઉદ્દીનભાઈ ખાનજીએ મકબરો બંધાવેલ છે. આ મહાબત મકબરો સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટ જૂનાગઢ શૈલીમાં બાંધેલ છે. જેમાં ઈસ્લામિક સ્થાપત્ય શૈલીની છાંટ દેખાય છે. આ મકબરાના પ્રમુખ ગુંબજ અને તેની આસપાસ આવેલા અનેક નાના-નાના વિવિધ પ્રકારના ગુંબજોથી ઘેરાયેલા છે. મકબરાની બારીઓ ઉચી ફ્રેન્ચ વિન્ડોઝ જેવી છે જે તે સમયની પશ્વિમી સંસ્કૃતિની અસર દર્શાવે છે. મકબરાની અંદર પ્રવેશ માટે ચારેય દિશામાં દરવાજા છે. સ્મારકના દ્વાર અને પરિભ્રમણ માટે એક ગલિયારા જેવી રચના છે. ગલિયારામાં આવેલ ત્રણ પ્રકારના ગુંબજ પૈકી એકમાં આંતરિક કોતરણીઓ જોવા મળે છે. મકબરામાં બહારની બાજુએ આવેલ આશરે 300 જેટલી વિવિધ કોતરણીઓમાં ફૂલોની ભાત, ઝરુખા, જેવી રચના, વિવિધ પ્રકારના ભાતવાળી કોતરણીઓ, ઘુમટીઓ વગેરે જોવા મળે છે. આમ, આ મકબરો હિન્દુ, ઈસ્લામિક અને પશ્ચિમી સ્થાપત્યના સંમિશ્રણનુ ઉત્કૃષ્ટ દ્રષ્ટ્રાંત છે. ઉલ્લેખનીય છે કે, મહોબત ખાનથી પોતાની હયાતીમાં જ ઈ.સ. 1878માં આ મકબરાનુ બાંધકામ શરૂ કરાવ્યું હતું. જેને બહાદૂર ખાનજી ત્રીજાના શાસનમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આ સ્થાપાત્યની રિસ્ટોરેશનની પ્રક્રિયા પણ એટલી જ રોચક છે. તેની વિશે વાત કરતા પ્રવાસન વિભાગના સહાયક ઈજનેર કુલદીપ પાઘડાર એ જણાવ્યું હતું કે, પૂરાતન સ્થાપત્યોને પુન જીવંત કરવા એટલે કે, તેને ભૂતકાળની ભવ્યતા બક્ષવી ખૂબ જ આવડત, ધીરજ અને કુનેહ માગી લે તેવુ કામ છે. સાથે જ આ નવીનીકરણની પ્રક્રિયા પણ એટલી જ રોચક છે. કદાચ ઘણાં લોકો તે જાણીને આચ્યર્ય પામશે. આ મકબરોઓનુ જે રિનોવેશન ચાલે છે તેમાં ગોળપાણી, મેથી, અડદ વગેરેને ઉકાળીને બાઈન્ડિંગ મટિરિયલ બનાવવામાં આવે છે.

મહાબત અને વઝીર બહાઉદ્દીન મકબરાની તબક્કાવાર રિસ્ટોરેશન પ્રક્રિયામાં પ્રથમ તો આ બન્ને સ્થાપત્યોનો સર્વે કરવામાં આવ્યો. સર્વે બાદ એકઠા થયેલા ડેટાનુ એનાલિસસિસ કરવામાં આવ્યું. આ મકબરાઓમાં વપરાયેલા મટિરિયલ, બાંધકામ પદ્ધતિ વગેરે જાણકારી મેળવવામાં આવી. મકબરાઓની ક્ષતિગ્રસ્ત સહિત અન્યો ભાગોનુ વિશેષ રાસાણિક પદાર્થ દ્વારા તેનુ ક્લીનીંગ કરવામાં આવ્યું.

મહોબત મકબરો હિન્દુ, ઈસ્લામિક અને પશ્ચિમીસ્થાપત્યના સંમિશ્રણનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ

સૌરાષ્ટ્રના મોટાભાગના સ્થાપત્યોમાં ઓર્થોડોંગો પદ્ધતિથી લાઈમ કોટીંગ કરવામાં આવ્યું છે અને તેમા લાઈમ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણી વખત ખ્યાલ આવે છે કે, આટલા પુરાણા બાંધકામ આજે પણ એટલી જ મજબૂતાઈ સાથે અડીખમ ઉભા છે, તેનું કારણ છે આ લાઈમ કોટિંગ તેમજ લાઈમ સ્ટોનનુ બાંધકામ. આ લાઈમ કોટિંગની કામગીરીમાં બે કોટ કરવામાં આવ્યાં છે, બેક કોટ અને ફાઈનલ કોટ. જેમાં બેક કોટમાં ચૂનો, રેતી, લાઈમ સ્ટોનની ભૂકી, ગોળપાણી વગેરેના સંમિશ્રિત કરીને ચક્કીમાં યોગ્ય રીતે મિશ્રણ કરવામાં આવે છે. તથા ફાઈનલ કોટમાં સ્ટોન ડસ્ટ, સંખજરૂ, ચુનો ડોલોમાઈટ ઉપરાંત ગોળપાણી, મેથી, અડધ વગેરેના ઉકાળેલા મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદાર્થોનો ઉપયોગથી સ્થાપત્યોને પુન: ભવ્યતા મળવાની સાથે મજબૂતી પણ વધે છે. ઉપરાંત આ મકબરોના તૂટેલા ભાગોને ફરિ જોડવા માટે અને મજબૂતી પ્રદાન કરવા માટે ખાસ યુરોપની હેલિફિક્સની કંપનીની પણ મદદ લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.