Abtak Media Google News
નવાબે 6 હેકટરમાં બનાવેલા સક્કરબાગ ઝુનો વિસ્તાર 84 હેકટરમાં કરી વન વિભાગ વન્ય પ્રાણીઓની કરી રહ્યું છે સંરક્ષણ અને સંવર્ધન

અબતક, દર્શન જોશી, જુનાગઢ

દેશ વિદેશના સિંહ દર્શનના પ્રેમીઓને હંમેશા ટાઢક હોય છે કે, કદાચ સાસણ જશું અને ડાલા મથા  સિંહ જોવા મળે કે ન મળે પરંતુ સકકરબાગ ઝુના સફારી પાર્કમાં તો મોજથી વિહાર કરતા સિંહ અચૂક જોવા મળશે જ. અને એટલે જ સકકરબાગના ઝુના પીંજરામાં પૂરાયેલા અને  સક્કરબાગમાં જંગલ વિસ્તારમાં ખુલ્લા ફરતાં  સિંહોની સાથે વિવિધ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓને જોવા માટે પ્રતિ વર્ષ 12 લાખ જેટલા સહેલાણીઓ સક્કરબાગની મુલાકાત લઈ રહ્યા છે.

નવાબી કાળમાં 1863 થી નિર્માણ પામેલ સકકરબાગ ઝુનું વન વિભાગ દ્વારા હાલમાં ખૂબ સારી રીતે જતન કરવામાં આવી રહ્યું છે, અને  સરકાર તથા તંત્ર દ્વારા વારંવાર નવીનીકરણ કરી, પ્રવાસીઓને કંઇક અલગ જ અહેસાસ કરાવે તે રીતે  સકરબાગને હાલમાં આકર્ષક અને સુસજ્જ કરાયુ છે. જૂનાગઢના નવાબે 6 હેકટરમાં બનાવેલા સક્કરબાગ ઝુ કમ સફારી પાર્કનો વિસ્તાર હાલમાં 84 હેકટર સુધીનો વધારી દેવામાં આવ્યો છે.

દેશ વિદેશના બાળકોથી લઇ વૃદ્ધોને હંમેશા આકર્ષતું જૂનાગઢનું સકકરબાગ પ્રાણી સંગ્રહાલય  અતિ લોકપ્રિય પર્યટન સ્થળ છે. અહીં બે સેટઅપ છે, એક છે પાંજરામાં પૂરાયેલા પ્રાણીનું ઝુ અને બીજુ છે 50 હેકટરના વિસ્તારમાં ફેલાયેલુ જંગલ.

સક્કર બાગ ઝુના ડાયરેકટર અભિષેકકુમાર, આઇએફએસ કહે છે કે, સકકરબાગના પ્રાણી સંગ્રહાલયમાં 800થી વધુ પ્રાણીઓ આવેલા છે. જેમાં 80 સિંહો, 70 દિપડાઓ વગેરેનો સમાવેષ થાય છે. અહીં હરણની વિવિધ 12 થી પણ વધુ પ્રજાતિઓ આવેલ હોવાથી અહીં અલાયદો હરણ પાર્ક ઉભો કરાયો છે. જે પ્રવાસીઓને-સહેલાણીઓને વિશેષ આકર્ષે છે. આ ઝૂમાં પક્ષીઓની 47 થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે.

સકારબાગમાં આવેલ જંગલ વિસ્તા એક  સફારી ઝુ ઉભુ કરવામાં આવેલ છે. અહી જગ વિખ્યાત વનરાજોને વનમાં ખુલ્લા વિહરતા મૂકવામાં આવ્યા છે. વનમાં પોતાની મસ્તીમાં વિહરતા આ સિંહોને નિહાળવા એ પણ એક અદભુત લહાવો છે. આ સાથે આ સફારી ઝૂમાં અનેક પ્રાણીઓને પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે, જે પ્રાણીઓ વનમાં જે રીતે રહેતા હોય તે રીતે અહીં રહે છે. જેથી પ્રવાસીઓને જાણે જંગલમાં સિંહ સહિતના પ્રાણીઓ નિહાળીયા હોય તેવો અહેસાસ થાય છે.  જે સાત કિમી સુધીના વિસ્તારમાં પ્રવાસીઓને બસમાં સફર કરવાની વ્યવસ્થા વન વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું સક્કરબાગ ઝૂ ના આરએફઓ નિરવ મકવાણા જણાવી રહ્યા છે.

ઝુમા પ્રાણીઓની સારવાર માટે તબીબોની ટીમ કાર્યરત

આ સાથે સકકરબાગ ઝુમાં પ્રાણીઓની સારવાર માટે 3 વેટરનરી ડોકટર્સ અને તેની ટીમ દ્વારા અવિરત સેવા આપવામાં આવે છે. પાંચ લાઇવ સ્ટોક ઇન્સપેકટરો દ્વારા પ્રાણીઓની નિયમિત તપાસ કરવામાં આવે છે. આ ઝૂમાં 130 જેટલા અધિકારીઓ- કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે.

સક્કરબાગ ઝુમાં પાંજરે પુરાયેલા અને ખુલ્લાંમાં ફરતા 80 સિંહો, 70 દિપડાઓ, હરણની વિવિધ 12 થી પણ વધુ પ્રજાતિઓ, પક્ષીઓની 47 થી પણ વધુ પ્રજાતિઓ જોવા, જાણવા અને માણવા એ એક અલાયદો અહેસાસ અને લ્હાવો છે, ત્યારે નવાબી કાળની ઈમારતમાં ઐતિહાસિક સાક્ષી પુરાવતા કઈક અનોખા અને અદભુત સકકરબાગ ની એક વખત મુલાકાત લેવી જરૂરી જ નહિ આવશ્યક છે.

પ્રવાસીઓની સુવિધામાં વધારો આર.એફ.ઓ.મકવાણા

ટુરિસ્ટ ફેસિલિટી વિશે આરએફઓ નિરવ મકવાણાએ અબ તક ને જણાવ્યું હતું કે, સકકરબાગ ઝુ ને નયન રમ્ય બનાવાયું છે, ઘટાટોપ વૃક્ષો સાથે, બગીચાઓ, બાળકો માટે હીંચકા, લપસણી સહિતના મનોરંજનના સાધનો  અને અદભુત લોકેશનમાં સીટીંગ એરેજમેન્ટ, કેન્ટિંગ  સહિતની પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો થયો છે.

જ્યારે સકકરબાગ ઝૂ માં વસતા પ્રાણી, પક્ષીઓ માટે પણ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે,  ચોમાસામાં પાણી ન ભરાઈ રહે એ માટે ઉંચાઇ ઉપર પ્લેટફોર્મ બનાવાયા છે. જેથી પ્રાણીઓ ત્યાં બેસી શકે. તેમજ પાંજરા ઉપર ગ્રીન નેટ બાંધી દેવામાં આવે છે. ઉનાળામાં ભારે ગરમીથી પ્રાણીઓને બચાવવા બધા પાંજરા ઉપર સ્પ્રિંકલ્સ (ફુવારા) ગોઠવવામાં આવે છે. નાઈટ સેલટર્સમાં બરફ પણ મુકવામાં આવે છે. આમ પ્રાણીઓની ઋતુગત સંભાળ લેવામાં આવે છે, તેમના ખોરાક મુજબ લીલો ચારો, અનાજ, ધાન, ફળો, મટન, ચીકન, ઇંડા સહિતની વસ્તુઓ તેમને ભોજનમાં આપવામાં આવે  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.