‘અબતક’ ના અહેવાલથી જુનાગઢ તંત્ર સફાળું જાગ્યું:  ખાડાખોદી ધુળધાણી બનેલા રોડના અધૂરા કામો ફરી શરૂ

જુનાગઢ શહેરમાં ખખડધજજ રસ્તા તેમજ અધૂરા છોડાયેલા રોડના કામોથી લોકો ત્રસ્ત હોય જે અંગેનો અહેવાલ તાજેતરમાં ‘અબતક’ દૈનિકમાં છપાતા તંત્ર  સફાળુ જાગી ઉઠયું હતું. અને આ કામો ફરી શરૂ કરાતા શહેરીજનોમાં રાહત જોવા મળી રહી છે.

અબતક દૈનિકના અહેવાલો બાદ શહેરના ખાડાખોદી ધૂળધાણી બનેલા અને અધૂરા કરાયેલા રોડના કામ મનપા દ્વારા ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે.

એમ.જી.રોડ, જવાહર રોડ, જયશ્રી રોડ, કાળવા ચોક સહિતના રસ્તાની કામગીરી એક પછી એક ઝડપથી પુર્ણ કરાશે

જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર ખાડાઓ અને ખરાબ રસ્તાઓને કારણે જૂનાગઢ ખાડાગઢ તરીકે ઓળખાવા લાગ્યું હતું. કોરોના પહેલા જૂનાગઢ શહેરના રસ્તાના રીપેરીંગ કામ માટે રૂ. 22 કરોડના કામ મંજુર થયા હતા, પરંતુ કોરોનાને કારણે કામગીરી સ્થગિત કરવી પડી હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા, ત્યારે શહેરમાંથી અધૂરા કામોને લઈને ભારે નારાજગી અને રોષ પૂર્વક રીતે રજૂઆતો અને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી અને અખબારમાં પણ અહેવાલો પ્રસિદ્ધ થતાં અને હવે જ્યારે કોરોનાની બીજી લહેર પૂર્ણ થઇ રહી છે, ત્યારે જૂનાગઢ મનપાએ સમીક્ષા બેઠક બોલાવી અને બાકી રહી ગયેલા રોડના કામ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.

 

આ અંગે ચેરમેન રાકેશભાઈ ધુલેશીયાના જણાવ્યા મુજબ શહેરના વિવિધ માર્ગનું કામ પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે બીજા બાકી રહેલા એમ જી રોડ, જવાહર રોડ, જય શ્રી રોડ, કાળવા ચોકના બધા રસ્તાની કામગીરી એક પછી એક ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.