Abtak Media Google News

જૂનાગઢમાં કરોડોના ખર્ચે ઐતિહાસિક દરવાજા અને નવા રૂપરંગ આપ્યાના ગણતરીના મહિનાઓમાં જ આ દરવાજામાં મઢવામાં આવેલા સુશોભિત કાચને તોડી નાખતા દરવાજો બેડોળ લાગી રહ્યો છે અને કરોડો રૂપિયાના ખર્ચ કર્યા પછી તેનું પૂરતું જતન ન થતાં પ્રબુદ્ધ લોકોમાં નારાજગી પ્રસરી જવા પામી છે.

શહેરના રેલવે સ્ટેશન સામે આવેલ ઇસવીસન 1818 ની આસપાસ બનેલ રેવ નામનો દરવાજો હાલમાં સરદાર પટેલ દરવાજા તરીકે ઓળખાય છે, શહેરની ઐતિહાસિક ધરોહર સમાન આ દરવાજો જે તે વખતના નવાબ સમયમાં જુનાગઢનો મુખ્ય દરવાજો હતો, કહેવાય છે કે, નવાબ કાળમાં આ દરવાજો રાત્રિના 9 વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવતો હતો અને નગરમાં કોઈને આ દરવાજેથી 9 વાગ્યા બાદ પ્રવેશ આપાતો ના હતો. જે સિલસિલો આઝાદી બાદ પણ ચાલ્યો હતો, અને બાદમાં ગ્રેઝેટ બહાર પાડ્યું હતું અને બાદમાં રાત્રિના 9 વાગ્યા બાદ દરવાજો ખુલો રાખવાનું શરૂ થયું હતું.

બાદમાં તો, સમય, સંજોગ અને વાતાવરણના કારણે વર્ષો બાદ ક્યાંકને ક્યાંક તે ખંડિત થઈ રહ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ દરવાજાને તેની સ્થાપત્યકળા અને મૂળ તત્વોને જાળવી રાખી તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને ખુબ જ સરસ રીતે આ દરવાજાને સુશોભિત કરવામાં આવ્યો હતો.

સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ તેમનું પૂરતું જતન અથવા તો તેમની સુરક્ષા કે જાળવણી માટે યોગ્ય પગલાં ભરવામાં ન આવતા જૂનાગઢના રેલવે સ્ટેશન સામે આવેલ સરદાર પટેલ દરવાજાના સુશોભનમાં વધારો કરતી કાચની બારીઓ કોઈ શખ્સો દ્વારા તોડી નાખવામાં આવી છે, અથવા તો તૂટી જવા પામી છે. જેના કારણે આ દરવાજાની રોનક હતી તેમાં ક્યાંક ને ક્યાંક દાગ લાગ્યો છે.

નોંધનીય વાત તો એ છે કે, તંત્ર પણ આ બાબતથી વાકેફ હોવા છતાં શહેરના આ નજરાણા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે અને કેટલાય દિવસથી તૂટેલા કાચ અને બારીઓની મરામત કરવામાં આવતી નથી ત્યારે  લોકો માં નારાજગી પ્રસરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.