Abtak Media Google News
 ડીવાયએસપી સહિતના સ્ટાફે ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યુ

અબતક, દર્શન જોશી, જુનાગઢ

21 જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથના શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત માટે તૈયારીઓ આરંભી દીધી છે તથા યાત્રાળુઓ મેળામાં નિર્ભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા પણ ગોઠવવાની શરૂઆત કરવામાં આવેલ છે.

આગામી શિવરાત્રી મેળામા બંદોબસ્તના આયોજન માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના પીઆઇ. એન.આર.પટેલ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીઆઇ. આર.એસ.પટેલ, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી. ચુડાસમા, ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ પી.જે. બોદર, સહિતના પોલીસ અધિકારીઓ એ પોલીસ ટીમ સાથે સમગ્ર રૂટ, પાર્કિંગ સ્થળો અને ભવનાથ વિસ્તારની વિઝીટ કરી, બંદોબસ્તના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા બેઠક યોજી, આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. આ સાથે મેળા બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે શહેર વિસ્તારમાં માર્ગો ઉપર ખાસ વાહન ચેકીંગ હાથ ધરવા સૂચના કરવામાં આવેલ છે.

શહેર વિસ્તારમાં દિવસ દરમિયાન જુદી જુદી ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ તથા ચેકીંગ પણ હાથ ધરવામાં આવેલ છે. નાઈટ રાઉન્ડ દરમિયાન પણ હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા ચેક કરી, શંકાસ્પદ ઇસમોના ચેકીંગ માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.  આ સાથે જૂનાગઢ શહેરમાં પણ ખાસ નાઈટ દરમિયાન ચેકીંગ હાથ ધરી, હોટલ ધાબા ચેક કરવાની તથા પ્રોહીબિશનના બુટલેગરોને ચેક કરી, ગેર કાયદેસર પ્રવૃત્તિ ડામવા માટે સતતદરમિયાન શિવરાત્રી સુધી જુદી જુદી ટિમો બનાવી, કોમ્બિગ સાથે ચેકીંગ હાથ ધરાવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત મેળાની ભીડમાં ચોરી, પિક પોકેટિંગ, છેડતી, કેફી પીણું પી ને ફરતા લુખ્ખા તત્વો, વિગેરે જેવા બનાવો રોકવા તેમજ ગુન્હેગારોને ઓળખવા ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તેમજ ડી સ્ટાફના માણસોને ખાસ સાદા કપડામાં તૈનાત કરી, ગુન્હેગારો ઉપર વોચ રાખવા ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે. ઉપરાંત આવા આવારા તત્વો તથા ગુન્હેગારો ઉપર નજર રાખવા બહારના જિલ્લાઓની ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને પણ ખાસ ફરજ ઉપર બોલાવવામાં આવેલ છે.

વધુમાં, ભૂતકાળમાં પિક પોકેટિંગ અને મોબાઈલ ચોરી કરતા પકડાયેલા આરોપીઓના ફોટાઓના મોટા મોટા હોર્ડિંગ્સ અને પોસ્ટર લગાડી, લોકોને સાવચેત રહેવા જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હોવાનું ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા એ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.