Abtak Media Google News

આરોગ્ય મંત્રીએ માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપતાં રેસીડેન્ટ ડોક્ટર્સ ફરજ પર ફર્યા

રાજ્યમાં 6 મેડિકલ કોલેજમાં છેલ્લા 13 દિવસથી ચાલતી જુનિયર તબીબોની હડતાળ આખરે સમેટાઈ છે. આરોગ્યમંત્રી દ્વારા માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપતાં રેસીડેન્ટ ડોક્ટર્સ ફરી ફરજ પર ફર્યા છે.

ગુજરાતની જુદી જુદી છ મેડિકલ કોલેજમાં જુનિયર તબીબો દ્વારા પોતાની માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા હતા. છેલ્લા 13 દિવસથી ચાલતી આ હડતાળનો હવે અંત આવ્યો છે. જુનિયર તબીબોની માંગણીઓને સ્વીકારવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ખાતરી આપતા હવે જુનિયર તબીબો ફરજ પર પરત ફર્યા છે

અગાઉ રાજ્યના જુનિયર ડોકટરો બોન્ડ સેવાને રેસિડન્સશીપમાં ગણવાની માગ સાથે સતત 13 દિવસથી હડતાળ પર હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો એમ.ડી., એમ.એસ જેવા પી.જી. અભ્યાસક્રમ પછી એક વર્ષ માટે થતી બોન્ડ સેવાના મુદ્દે હડતાળ પર હતા. રાજ્ય સરકારે હૈયાધારણા આપતી હતી, પણ કોઇ નિર્ણય લેવાતા ડોક્ટરોએ હડતાળ પાડી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને કોરોના થતા રાજય કક્ષાના આરોગ્ય મંત્રી નિમિષા સુથાર સાથે ડોકટરોએ વાટાઘાટો કરી હતી. પણ નીવેડો આવ્યો ન હતો.

900 રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ નોંધનીય છે કે, હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં 50 થી 60 ટકા ઓપરેશન રદ કરવાની તંત્રને ફરજ પડી રહી છે. રેસિડેન્ટ ડોકટરોની હડતાળ વિશે જાણ થતાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા પણ ઘટી ગઇ છે. જે દર્દીઓ સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સારવાર માટે આવે પણ છે તેમને કલાકો સુધી લાઇનમાં બેસી રહેવું પડે છે. 900 રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને કારણે દર્દીઓની સારવાર માટે ઊભી કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા પણ નિષ્ફળ સાબિત થઈ હતી.છેલ્લા 13 દિવસથી ચાલતી જુનિયર તબીબો સાથે સરકારના અનેક પ્રયત્નો બાદ પણ કોઈ નિવેડો આવ્યો ન હતો. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં સારવાર અને ઓપરેશનમાં પણ અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હડતાળ દરમિયાન જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોટનની ઝપટે ચડતા આ પ્રશ્નનો હલ વધુ ગુચવાયો હતો. પરંતુ હાલ ઋષિકેશ પટેલ દ્વારા જુનિયર તબીબોની માંગણી સ્વીકારવા અંગે ખાતરી આપતા આખરે છ મેડિકલ કોલેજમાં ચાલતી હડતાળનો અંત આવ્યો છે અને તમામ જુનિયર તબીબો આજથી પરત પોતાની ફરજ પર ચડ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.