જુનિયર હોકી વર્લ્ડકપ: ફ્રાન્સે ટીમ ઇન્ડિયાનું બ્રોન્ઝ મેડલ મેળવવાનું સપનું રોળ્યું

ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા ટાઇટલની રેસમાંથી બહાર !!

 

અબતક, ભુવનેશ્વર

જુનિયર હોકીનો ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ભારત પોતાના જ ઘરમાં ખાલી હાથે જતો રહ્યો. ભુવનેશ્વરમાં યોજાઈ રહેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાને તેની છેલ્લી મેચમાં ફ્રાંસના હાથે 1-3થી નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ મેળવવાની તક પણ ગુમાવી દીધી.

કેપ્ટન ટિમોથી ક્લેમાની હેટ્રિકના આધારે ફ્રાન્સે ફરી એકવાર ભારતને હરાવી ટુર્નામેન્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. ફ્રાન્સની ટીમે ગ્રુપ સ્ટેજમાં પણ ભારતને 5-4થી હરાવ્યું હતું. આર્જેન્ટિના અને જર્મની ટાઈટલ મેચમાં ટકરાશે.

મેચ ટાઈથી શરૂ થઈ હતી અને બંને ટીમો વધુ આક્રમક ચાલ કરી શકી ન હતી. જેના કારણે પ્રથમ ક્વાર્ટરમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી. બંને ટીમોને પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ તેને ક્ધવર્ટ કરી શક્યા નહીં. 11મી મિનિટે ભારતીય ટીમ ગોલ કરવાની ખૂબ જ નજીક આવી હતી, પરંતુ અરિજિત હુંદલનો જબરદસ્ત શોટ પોસ્ટ પર વાગ્યો હતો અને બહાર આવી ગયો. આ દરમિયાન ફ્રાંસને 14મી મિનિટે સતત ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ ભારતીય ડિફેન્સે તે ત્રણેય વખત નિષ્ફળ કરી.બીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમોએ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો, પરંતુ 26મી મિનિટે શારદાનંદ તિવારીને ફાઉલ કરવા બદલ ગ્રીન કાર્ડ બતાવવામાં આવ્યું અને તેના પર ફ્રાન્સના કેપ્ટન ટિમોથી ક્લેમાને પેનલ્ટી કોર્નરને ક્ધવર્ટ કરીને લીડ અપાવી. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ફ્રાન્સે તેની લીડ ડબલ કરી હતી. ફરી એકવાર કેપ્ટન ક્લેમેનનો પેનલ્ટી કોર્નર ચોક્કસ સ્ટ્રાઈક ગોલમાં ફેરવાઈ ગયો.દરમિયાન, છેલ્લી મિનિટોમાં ભારતે તેના હુમલા વધારી દીધા અને ટીમને તેનો ફાયદો મળ્યો. 42મી મિનિટે સુદીપ ફ્રાન્સના ગોલની ખૂબ જ નજીક આવ્યો અને તેણે ટાઇટ એન્ગલ પર રિવર્સ ફ્લિક વડે સરસ ગોલ કર્યો અને ભારતને વાપસી અપાવી. જો કે, ફ્રાન્સે હજુ પણ તેની લીડ જાળવી રાખી હતી અને મજબૂત ડિફેન્સના દમ પર ભારતને બરાબરી કરતા અટકાવ્યું હતું. ત્રીજા ક્વાર્ટરનો અંત ફ્રાન્સની તરફેણમાં 2-1થી થયો. ત્રીજા ક્વાર્ટરમાં 2-1થી આગળ રહેલી ફ્રાન્સની ટીમે છેલ્લા ક્વાર્ટરની શરૂઆતમાં સરસાઈ મેળવી હતી. કેપ્ટન ક્લેમાએ ટુર્નામેન્ટમાં બીજી વખત ભારત સામે હેટ્રિક નોંધાવી અને 47મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ટીમને 3-1 થી આગળ કરી. ફ્રાન્સની આ લીડ અંત સુધી રહી. ફ્રેન્ચ ડિફેન્સે ભારતને ગોલની નજીક પણ જવા દીધું ન હતું અને યાદગાર જીત નોંધાવવા માટે અંત સુધી લીડ બનાવી રાખી હતી અને ત્રીજા સ્થાને ટુર્નામેન્ટ સમાપ્ત કરી હતી. આ સાથે જ સતત બીજા ટાઇટલ જીતવાની આશા રાખતી ભારતીય ટીમ ખાલી હાથે રહી અને ચોથા સ્થાને રહીને સફર ખતમ કરી.