Abtak Media Google News

એક સાથે 67 દંપતીઓના આજીવન બ્રહ્મચર્ય પ્રત્યાખ્યાન ગ્રહણ સાથે નવ મુમુક્ષુઓના સંયમ સન્માન વધામણાં: સર્વત્ર જયકાર

અબતક,રાજકોટ

અંતર આત્માના ઊંડાણથી ઉદ્ભવેલાં સત્યના ઉદ્વોષ અનુસરીને સંસારનો ત્યાગ કરી સંયમ પંથની આરાધનાના 31 વર્ષના સમયગાળામાં અનેક આત્માઓને સત્યની દિશા આપી રહેલાં, પ્રભુ ધર્મની ધજા – પતાકાને દેશ-વિદેશના ખૂણે ખૂણે લહેરાવીને જિનશાસનને અનેરું ગૌરવ બક્ષી રહેલાં દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજની 31 દિક્ષા જયંતિ અવસરે દેશ-વિદેશના હજારો ભાવિકોએ પ્રભુના આગમ સૂત્રોને કંઠસ્થ કરવા સ્વરૂપ સ્વાધ્યાય દીક્ષા સંકલ્પની અર્પણતા કરીને અવસરને અવિસ્મરણીય બનાવ્યો હતો.

હજારો ભાવિકો માટે એવા પરમ ગુરુદેવની દીક્ષા જયંતિએ સંયમ અભિવંદના અર્પણ કરવા આ અવસરે ડો. પૂજ્ય તરૂલતાબાઈ મહાસતીજી આદિ, વિરલપ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઈ મહાસતીજી આદિ, બોટાદ સંપ્રદાયના પૂજ્ય વંદનાજી મહાસતીજી આદિ અનેક સંત સતીજીઓની સાથે સમગ્ર દેશ-વિદેશના અનેક ક્ષેત્રોના ભાવિકો અત્યંત ઉત્સાહ અને અહોભાવ સાથે જોડાઈ ગયાં હતાં.

પરમધામ સાધના સંકુલના પાવન પ્રાંગણે ઉપસ્થિત વિશાલ સમુદાયના ભાવિકો દ્વારા પરમ ગુરુદેવના ચરણમાં અર્પણ કરવામાં આવેલી અહોભાવભીની અભિવંદનાના અનન્ય દ્રશ્યો તેમજ પૂજ્ય પરમ મહાસતીજીઓના મુખેથી પ્રગટેલાં આગમ ગાથાઓના મધુર ગુંજારવ સાથે આ અવસરે પરમ ગુરુદેવે પોતાના 31 વર્ષીય સંયમ જીવનમાં પામેલાં અમૃતનું પાન કરાવતાં ફરમાવ્યું હતું કે, દિવસો, મહિનાઓ અને વર્ષોના વર્ષો જીવનના વ્યતીત થતાં થતાં અતીત બની જતાં હોય ત્યારે એ અતીત જ્યારે સંસારીઓના ચહેરા પર જીવનની નિરર્થકતાનો અફસોસ પ્રસરાવી જતાં હોય ત્યારે એક સંયમીના ચહેરા પર તે જીવનની પરમ સાર્થકતાનું સ્મિત રેલાવી જતાં હોય છે. વ્યતીત થતાં આ ભવથી જો કોઈક એક અમૂલ્ય મૂડી આવતાં ભવે સાથે લઈ જવી હોય તો તે છે, પ્રભુ વચનોની મૂડી, સ્વાધ્યાયની મૂડી. આ ભવે રોમરોમમાં પ્રભુ વચનોરૂપી સ્વાધ્યાયનો એવો અભિષેક કરી લઈએ કે એના આનંદમાં સંસારના દરેક આનંદ ફિક્કા પડી જાય.

આ અવસરે પૂજ્ય પરમ મહાસતીજી દ્વારા પરમ ગુરુદેવ પ્રત્યે વંદનીય ભાવના પ્રગટ કરવામાં આવી તેમજ યુવા માનસને સત્યની પ્રેરણા આપતાં પુસ્તકો “વાય એન આય” તેમજ “ધ વોર વીધિન” નું વિમોચન અહમ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવતાં હર્ષ હર્ષ છવાયો હતો. ઉપરાંતમાં સુવિખ્યાત સાહિત્યકાર ગુણવંતભાઈ બરવાળીયા રચિત “સંયમ” પુસ્તકનું વિમોચન પરમ ગુરુદેવના હસ્તે કરવામાં આવતાં સર્વત્ર જયકાર ગૂંજી ઉઠ્યો હતો.વિશેષમાં, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ચરણ-શરણમાં આગામી 20મી ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરી સંયમ પંથે પ્રયાણ કરવા તત્પર બનેલાં નવ નવ મુમુક્ષુ આત્માઓના પરમધામ સાધના સંકુલના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલાં સંયમ સન્માન સાથે જ આ અવસરે એક સાથે 67 દંપત્તિઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રતના પરમ ગુરુદેવના શ્રી મુખેથી પ્રત્યાખ્યાન ગ્રહણ કરતાં આ અવસર સહુના હૃદયમાં સંયમ, તપ અને સ્વાધ્યાય પ્રત્યે અમીટ ગૌરવ સ્થાપિત કરી ગયો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.