Abtak Media Google News

એક જ પૂર્વજોના વંશજો એવા કડવા પટેલ અને મુમના પટેલ સાથે મળીને શિક્ષણ , આરોગ્ય અને ખેતી વિષયક કાર્યક્રમોનું આયોજન કરશે : આત્મીયતા કેળવી એકબીજાને ઉપયોગી થવાનો સંકલ્પ

મોરબીના તાલુકા ભરતનગર ગામે કડવા પાટીદાર સમાજ દ્રારા મુમના પટેલ સમાજ સાથે વિચાર ગોષ્ઠી પ્રતિનિધિ સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં બન્ને સમાજના અગ્રણીઓએ સાથે મળીને સમાજલક્ષી કાર્યો તેમજ શિક્ષણ , આરોગ્ય અને ખેતીને લગતા કાર્યક્રમો યોજવાનો નીર્ધાર કર્યો હતો. ઉપરાંત બન્ને સમાજ વચ્ચે આત્મીયતા વધારવા આ પ્રકારે સ્નેહ મિલન જેવા કાર્યક્રમો સમયાંતરે યોજવાનું નક્કી કરાયું હતું.

Img 20180515 Wa0024વર્ષો પૂર્વે અનેક કડવા પટેલોએ ધર્મપરિવર્તન કર્યું અને મુમના પટેલ(મુસ્લિમ) તરીકે ઓળખાવા લાગ્યા હતા. તેઓ ઘણા વર્ષો પહેલા વાંકાનેર તેમજ ટંકારા તાલુકામાં સ્થાયી થયા હતા. તેઓની સાથે આત્મીયતાનો સંબંધ કેળવવા મોરબી પંથકના કડવા પટેલ અગ્રણીઓ દ્વારા ભરતવન ફાર્મ, ભરતનગર ગામની સામે, ૮-એ, નેશનલ હાઇવે, તા.મોરબી ખાતે સંમેલન યોજાયુ હતું.

Img 20180515 Wa0025વિચાર ગોષ્ઠી પ્રતિનિધિ સંમેલનમાં મુમના પટેલ સમાજના અંદાજે ૩૦૦ જેટલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કડવા પટેલ સમાજના અગ્રણીઓની પણ બહોળી ઉપસ્થિતિ રહી હતી. સંમેલનનું દીપ પ્રાગટય અજંતા ઓરેવા ગ્રુપના પ્રવીણભાઈ ભાલોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રવીણભાઈએ બન્ને સમાજના અગ્રણીઓને સંબોધિત કર્યા હતા. બાદમાં બન્ને સમાજના પાંચ પાંચ વક્તાઓએ ઉદબોધન કર્યું હતું.

Img 20180515 Wa0026કડવા પટેલ અને મુમના પટેલ સમાજના સંમેલનમાં બન્ને સમાજના લોકોએ હરખભેર ભાગ લીધો હતો. બન્ને સમાજના અગ્રણીઓએ આગામી દિવસોમાં સાથે મળીને શિક્ષણ, ખેતી અને આરોગ્ય વિષયક કાર્યક્રમો યોજવાનો નીર્ધાર કર્યો હતો. આ ઉપરાંત બન્ને સમાજ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તે માટે આ પ્રકારના સ્નેહ મિલન જેવા કાર્યક્રમો યોજવાનું પણ નક્કી કર્યું હતું. હાલ આ સંમેલન માત્ર બન્ને સમાજના પ્રતિનિધિઓ માટે જ યોજાયું હતું. ત્યારે આગામી દિવસોમાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમાં બંન્ને સમાજના નાનામાં નાના લોકોને પણ સાંકળવામાં આવશે.

Img 20180515 Wa0027મુમના પટેલ સમાજના અગ્રણીઓએ કડવા પટેલ સમાજના પુરુષાર્થ , પ્રતિભા અને પ્રામાણિકતા જેવા ગુણો અપનાવવાની હાકલ કરી હતી. મુમના પટેલ અગ્રણીના જણાવ્યા મુજબ કડવા પટેલ સમાજ મુખ્યત્વે ખેતી અને ઉદ્યોગ સાથે જોડાયેલો સધ્ધર સમાજ છે. ત્યારે તેમના માંથી પ્રેરણા લઈને મુમના પટેલ સમાજ પણ આગળ વધવાના પ્રયત્ન કરે તે ઇચ્છનીય છે.

Img 20180515 Wa0028બન્ને સમાજના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષો પૂર્વે મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં કડવા પટેલો વસતા હતા. જેમાંના અનેક લોકોએ કોઈ કારણોસર ધર્મપરિવર્તન કરી હિન્દૂમાંથી મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. મુસ્લિમ ધર્મ અપનાવ્યા બાદ તેઓ મુમના પટેલ તરીકે ઓળખાવા લાગ્યા હતા. તેઓ ઉત્તર ગુજરાત છોડીને વાંકાનેર તેમજ ટંકારા તાલુકામાં આવીને વસ્યા હતા. જોગાનુંજોગ ઉત્તર ગુજરાતના હિન્દૂ કડવા પટેલ સમાજના લોકો પણ ઉત્તર ગુજરાતમાંથી સ્થળાંતર કરીને મોરબી પંથકમાં વસ્યા હતા. આમ જોગાનુજોગ બનેં એકબીજાના પાડોશી બન્યા હતા.

મોરબી તાલુકામા વસતા કડવા પટેલ અને વાંકાનેર – ટંકારા તાલુકામાં વસતા મુમના પટેલ આ બન્ને સમાજના આશરે ૩૦૦ થી ૪૦૦ વર્ષના ભૂતકાળ પર નજર કરવામાં આવે તો બન્ને સમાજ એકજ પૂર્વજોના વંશજો છે. બનેં સમાજમાં માત્ર ધાર્મિક ભિન્નતા આવી છે. બાકી વર્ણ, ગૌત્ર ,કુળ તથા રક્ત તો એક જ છે.ઉપરાંત બન્ને સમાજ ખેતી સાથે જ જોડાયેલો છે. બન્ને સમાજના વ્યક્તિઓમાં એક અતૂટ લાગણી તથા ભાવનાત્મક સંબંધ આજે પણ દ્રશ્યમાન થાય છે. ઉપરાંત બન્ને સમાજની જીવન પદ્ધતિનો અભ્યાસ કરતા આહાર , વિહાર, રહેણી-કરણી, દ્રષ્ટિકોણમાં સામ્યતા જોવા મળી છે.

૬ માસ પૂર્વે કડવા પટેલ સમાજના યુવા સમજસેવીઓએ પટેલ વિચાર ગોષ્ઠી પ્રતિનિધિ સભા નામના સંગઠનની સ્થાપના કરી હતી. આ સંગઠન દ્વારા કડવા પટેલ અને મુમના પટેલ સમાજ વચ્ચે આત્મીયતા નો સંબંધ કેળવી ભાઈચારો વિકસાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સંગઠનના યુવાનોએ વાંકાનેર અને ટંકારા તાલુકાના ૫૦ ગામોમાં જઈને મુમના પટેલ સમાજના લોકોને મળ્યા હતા. તેઓને આ વિશે વિસ્તૃત સમજણ આપવમાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મુમના પટેલ સમાજ સાથે આત્મીયતાના સંબંધો કેળવવાનું વિચારબીજ મોરબીના અગ્રણી ઓ.આર. પટેલે રોપ્યું હતું. ઓ.આર.પટેલ જ્યારે મુમના પટેલ સમાજની વસ્તી વાળા એક ગામની મુલાકાતે ગયા હતા. ત્યારે તેઓને જાણ થઈ હતી કે મુમના પટેલ સમાજની દિકરીઓને ઉચ્ચ અભ્યાસ કરવો છે. પરંતુ સુવિધાના અભાવે તેઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી નથી. જેથી ઓ.આર.પટેલે તેમના દ્વારા સંચાલીત મોરબીની કડવા પાટીદાર કન્યા છાત્રાલયમાં મુમના સમાજની દીકરીઓને પ્રવેશ આપ્યો હતો. આમ મુમના પટેલ સમાજની દીકરીઓએ કડવા પાટીદાર કન્યા છાત્રાલયમાં રહીને બી.એડ.ની ડીગ્રી મેળવી હતી.

ઓ.આર.પટેલની આ પહેલથી પ્રેરાયને પટેલ વિચાર ગોષ્ઠિ પ્રતિનિધિ સભાના યુવાનો દ્વારા આ દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. હાલ પ્રથમ ચરણમાં મુમના પટેલ સમાજ સાથે પ્રતિનિધિ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર અને ટંકારા તાલુકાના ૫૦ જેટલા ગામોમા કે જ્યાં મુમના પટેલ સમાજની વસ્તી છે. તેવા દેરક ગામો માંથી દસ દસ અગ્રણીઓને પટેલ વિચાર ગોષ્ઠિ પ્રતિનિધિ સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ. સંમેલનમાં કડવા પટેલ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. અંદાજે ૭૦૦ જેટલા અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ સંમેલનમાં બન્ને સમાજના વિચારો, વિશેષતાઓ, સમસ્યાઓ , સમાધાનો તથા સહકારનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.