Abtak Media Google News

મોરારીબાપુના અધ્યક્ષ સ્થાને સંશોધકો-સંપાદકો અને લોકગાયક, લોક વાર્તાકારોને એવોર્ડ અપાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર સ્થાપિત અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પ્રેરિત-અનુદાનિત ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના ઈ.સ.૨૦૧૧માં થયેલ છે. ત્યારથી આ કેન્દ્ર દ્વારા કંઠસ્થ પરંપરા અને લોકસાહિત્યક્ષેત્રે ઉમદા સંશોધન કરનાર એક સંશોધનને ‘ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ’ એનાયત કરવામાં આવે છે અને ઈ.સ.૨૦૧૫ થી લોકગાયન ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર એક લોકગાયકને ‘હેમુગઢવી લોકગાયક એવોર્ડ’ એનાયત કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વર્ણિમ સ્થાપના વર્ષ નિમિતે બન્ને ક્ષેત્રે એટલે કે નવ સંશોધકો-સંપાદકો અને નવ લોકગાયક-લોકવાર્તાકાર તેમજ ભજનિકોને એવોર્ડ આપવાનો નિર્ણય થયેલ છે. આ વર્ષનો એવોર્ડ વિતરણ સમારોહ આવતીકાલ તા.૧ ઓગસ્ટના રોજ બપોરના ૧ વાગ્યે આત્મીય એન્જિનિયરીંગ કોલેજ, રાજકોટના સભાગૃહમાં યોજાશે.

આ સમારંભમાં અધ્યક્ષ સ્થાને પૂજય મોરારિબાપુ, ઉદઘાટક તરીકે ભારત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને પંચાયતીરાજ વિભાગના રાજયમંત્રી પરસોતમ ‚પાલા, મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના મહેસુલ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના યુવક, સેવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે.પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે. આ સમારંભમાં કંઠસ્થ પરંપરા અને લોકસાહિત્યના સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર નવ સંશોધકો સર્વ દોલતભાઈ ભટ્ટ, બળવંતભાઈ જાની, નિરંજનભાઈ રાજયગુરુ, જિતુદાન ગઢવી, લક્ષ્મણભાઈ ગઢવી, રેવાબેન તડવી, પુંજલભાઈ રબારી, નાથાલાલ ગોહિલ અને સાગરભાઈ બારોટને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ એનાયત થશે અને લોકગાયક, લોકવાર્તાકાર તેમજ ભજનિક તરીકે જેમણે વિશેષ સિદ્ધિઓ મેળવી છે એવા સર્વ પદ્મ ભીખુદાનભાઈ ગઢવી, દરબાર પુંજાવાળા, શાહબુદીનભાઈ રાઠોડ, દાદુભાઈ ગઢવી, દિનાબેન ગોધર્વ, લક્ષ્મણભાઈ બારોટ, હેમંતભાઈ ચૌહાણ, નિરંજનભાઈ પંડયા અને દમયંતીબેન બરડાઈને ‘લોકગાયક હેમુગઢવી એવોર્ડ’ એનાયત થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ લોકસાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કુલસચિવ ડો.ધીરેન પંડયા, ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો.અંબાદાન રોહડિયા અને સહનિયામક ડો.જે.એમ.ચંદ્રવાડિયાએ નિમંત્રણ પાઠવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.