ઊંઘમાંથી જાગ્યા પછી પણ સતત ઊંઘના જ વિચારો અને બેચેની એટલે કલિનોમેનિયા

sleeping
sleeping

57 ટકા લોકોને જાગી ગયા બાદ ફરી સુઈ જવાની ઇચ્છા થાય છે: સર્વે

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ ભટ્ટ કર્તવી અને સૌંદરવા અંકિતાએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 998 લોકો પર સર્વે કર્યો જેમાં ઊંઘની સમસ્યાનું કારણ માનસિક છે એવું આશરે 73% લોકોનું માનવું છે

ઊંઘ વ્યક્તિની એવી જરૂરિયાત છે જે પૂર્ણ ન થતા ઘણા પ્રકારના ભ્રમ, વિભ્રમ અને શારીરિક કે માનસિક સમસ્યાઓ સર્જે છે. ક્યારેક વ્યક્તિને પથારીમાં રહેવાની ઈચ્છા થતી હોય છે, તે સામાન્ય છે. પરંતુ કેટલીક વ્યક્તિઓને સતત અને વારંવાર પથારીમાં રહેવાની તીવ્ર ઈચ્છા થાય છે. તેઓ પથારીમાંથી બહાર નીકળી શકતા નથી. જેને કલિનોમેનિયા અથવા ડાયસેનિયા કહે છે. આ વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ ભટ્ટ કર્તવી અને સૌંદરવા અંકિતાએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 998 લોકો પર સર્વે કર્યો જેમાં ઊંઘની સમસ્યાનું કારણ માનસિક છે એવું આશરે 73% લોકોનું માનવું છે.

ડાયસેનિયાના લક્ષણો

તેનું મુખ્ય લક્ષણ તો સતત પથારીમાં રહેવાની તીવ્ર ઈચ્છા હોય છે એ સિવાય પણ કેટલાક લક્ષણો છે જેના દ્વારા આ માનસિક સમસ્યાને ઓળખી શકાય છે.

 • વધુ પડતી ઊંઘ
 • અકારણ થાક
 • થોડું કાર્ય કરે તો પણ થાકનો અનુભવ થવો
 • રાત્રે 9 કલાકથી વધારે ઊંઘ પછી પણ સુસ્તી લાગવી
 • ઊંઘ ન આવવા છતાં પથારીમાં પડ્યા રહેવું

ડાયસેનિયાના કારણો

પથારીમાં વધુ પડતો સમય વિતાવવો એ ડિપ્રેશન જેવી સમસ્યાની નિશાની પણ હોય શકે છે . ડિપ્રેશન એ મૂડ ડિસઓર્ડર છે જે ઘણા લક્ષણો ધરાવે છે. જેમાં કોઈ પ્રવૃત્તિઓ કે લોકો સાથે વાતચીત કરવામાં વ્યક્તિને રસ રહેતો નથી, વજનમાં ફેરફાર થાય છે, ઊંઘમાં મુશ્કેલી પડે છે અને થાકનો અનુભવ થાય છે. આ લક્ષણોને કારણે પણ વ્યક્તિને સતત પથારીમાં રહેવાની ઈચ્છા થાય છે.  પથારીમાં વધુ સમય વિતાવવો એ પણ હાઈપરસોમનિયાનું લક્ષણ પણ હોઈ શકે છે . હાયપરસોમનિયા એ અતિશય ઊંઘની વિકૃતિ છે. તેવા લોકોને રાત્રે સૂતા પછી પણ સુસ્તીનો અનુભવ થાય છે અને દિવસ દરમિયાન પણ વારંવાર સૂઈ જવાની જરૂર લાગે છે.

ડાયસેનિયાનો ઉપચાર

 • યોગ્ય સમયે કાઉન્સેલર ની મદદ લેવી જોઈએ.
 • પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો.
 • ગમતી પ્રવૃત્તિને રોજીંદા કાર્યમાં ઉમેરવી
 • સારા પુસ્તકો વાંચવા
 • થોડા થોડા વખતે બહાર ફરવા જવું
 • સ્ક્રીન નો ઉપયોગ બને એટલો ઓછો કરવો

સર્વેમાં પૂછવામાં આવેલ પ્રશ્નો

શુ તમને સવારે જાગવામાં તકલીફ પડે છે?
જેમાં 49% લોકોએ હા, 26% લોકોએ ક્યારેક અને 25% લોકોએ ના જણાવી.

શુ તમને જાગી ગયા પછી પણ ફરી સુઈ જવાની ઈચ્છા થાય છે?
જેમાં 57.3% લોકોએ હા, 22.9% લોકોએ ક્યારેક અને 19.8% લોકોએ ના જણાવી.

શુ તમને દિવસનો વધુ પડતો સમય ઊંઘવાના વિચારો આવ્યા કરે છે?
જેમાં 57.3% લોકોએ હા, 25% લોકોએ ક્યારેક અને 17.7% લોકોએ ના જણાવી.

કોઈ કાર્ય કરતી વખતે પણ તમને પથારીમાં પડ્યા રહેવાના વિચારો આવે છે?
જેમાં 44.8% લોકોએ હા, 32.3% લોકોએ કયારેક અને 22.9% લોકોએ ના જણાવી.

ક્યાંક બહાર ગયા હો ત્યારે પણ ઘરે આવીને ઊંઘી જવાની ઈચ્છા થયા કરે છે?
જેમાં 56.3% લોકોએ હા, 24% લોકોએ ક્યારેક અને 19.8% લોકોએ ના જણાવી.

રાત્રે પૂરતી ઊંઘ લીધા પછી પણ સુતા રહેવાની ઈચ્છા થાય છે?
જેમાં 41.7% લોકોએ હા, 41.7% લોકોએ ક્યારેક અને 16.7% લોકોએ ના જણાવી.

સતત ઊંઘના વિચારો અન્ય કોઈ કામમાં વિઘ્ન ઉભા કરે છે?
જેમાં 50% લોકોએ હા, 33.3% લોકોએ ક્યારેક અને 16.7% લોકોએ ના જણાવી.

નવરાશના સમયમાં પણ પથારીમાં પડ્યા રહેવાનું ગમે છે?
જેમાં 46.9% લોકોએ હા, 32.3% લોકોએ કયારેક અને 20.8% લોકોએ ના જણાવી.

પૂરતી ઊંઘ લીધા પછી પણ ક્યારેક ચીડિયાપણું કે તણાવ અનુભવાય છે?
જેમાં 43.9% લોકોએ હા, 36.6% લોકોએ ક્યારેક અમે 19.5% લોકોએ ના જણાવી.

જાગ્યા પછી કંટાળા કે થાકનો અનુભવ થાય છે?
જેમાં 43.9% લોકોએ હા, 36.6% લોકોએ કયારેક અને 19.5% લોકોએ ના જણાવી.

ઊંઘની અસર કાર્યક્ષમતા પર થાય છે?
જેમાં 46.3% લોકોએ હા, 31.7% લોકોએ ક્યારેક અને 22% લોકોએ ના જણાવી.

જાગ્યા પછી નબળાઈ કે ધ્રુજારીનો અનુભવ થાય છે?
જેમાં 58.5% લોકોએ હા, 24.4% લોકોએ ક્યારેક અને 17.1% લોકોએ ના જણાવી.

ઊંઘમાં સમસ્યાઓ થવાનું મુખ્ય કારણ કયું હોઈ શકે?
જેમાં 73.2% લોકોએ માનસિક, 22% લોકોએ શારીરિક, 2.4% લોકોએ સામાજિક અને 2.4% લોકોએ આર્થિક જણાવ્યું.