Abtak Media Google News

ફાઈબર અને ખનીજથી સમૃધ્ધ ગણાતું ડ્રેગન ફ્રૂટ એટલે કમલમ્ ભારતના સીમાડા વટીને હવે વિદેશની ભૂમિ પર પણ જમાવટ કરશે. ડ્રેગન ફ્રૂટ એટલે કે, કમલમ્ની નિકાસને ભારત સરકારે મંજૂરી આપી દીધા બાદ કમલમ્ ફ્રૂટનો પહેલો મોટો જથ્થો દુબઈ રવાના કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં તડાસર ગામના ખેડૂતોએ ઉગાવેલા કમલમ્નો જથ્થો પહેલી વખત વિદેશની ભૂમિ પર રવાના કરવામાં આવ્યો હતો એમ કેન્દ્રના વાણીજ્ય મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું હતું.

મુળ મલેશીયા, થાઈલેન્ડ, ફીલીપાઈન્સ, અમેરિકા અને વિયેતનામમાં કમલમ્નું ઉત્પાદન થતું રહ્યું છે. પરંતુ ભારતમાં 1990ના દશકાના પ્રારંભથી જ ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં આ ફળને કમલમ્ નામ આપવામાં આવ્યું છે. ઉદ્યોગ અને વાણીજ્ય મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ફાયબર અને મિનરલથી ભરપુર કમલમ્ દેશના સીમાડા પાર કરીને દુબઈ પહોંચી રહ્યું છે. સાંગલીના ખેડૂતોએ ઉગાવેલા ફળનો જથ્થો પહેલી વખત વિદેશની ભૂમિ પર જઈ રહ્યો છે.

દેશમાં મોટાભાગે કર્ણાટક, કેરલ, ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પં.બંગાળ, આંધ્રપ્રદેશ અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર કમલમ્ ઉગાડવામાં આવે છે. આ વિલેક્ષણ પ્રકારના ફળમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન, ખનીજ, ફાયબરનું પ્રમાણ હોય છે. જેના કારણે શરીર માટે તેનું સેવન ખુબજ ઉપયોગી માનવામાં આવે છે. ડ્રેગન ફ્રૂડનો આકાર દૂરથી કમળ લાગતો હોવાથી ભારત સરકારે આ ફળને કમલમ્ એવું નામ આપ્યું છે. હવે નિયમીત રીતે ડ્રેગન ફ્રૂડની નિકાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.