કંડલા બનશે ગુજરાતના વિકાસનું હબ: વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કરી આ જાહેરાત

વિશ્વના ર૦ દેશો અને દેશના ૧૦ રાજયો સમિટમાં ભાગ લેશે

બંદરીય ક્ષેત્રોમાં ઉઘોગો સહિત આયાત નિકાસને પ્રોત્સાહન આપવા દીનદયાળ પોર્ટ કંડલા ખાતે બીજી માર્ચથી ત્રણ દિવસની ઇન્ટરનેશનલ પોર્ટ સમિટનું આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા.ર ના રોજ વર્ચ્યુઅલ ઉદધાટન કરવામાં આવશે.

કેન્દ્રીય શિપિંગ મંત્રી શ્રી મનસુખ માંડવીયાના માર્ગદર્શન તળે શિપિંગ મંત્રાલયના નેજા હેઠળ બંદરીય ક્ષેત્રોમાં ઉદ્યોગો સહિત આયાત નિકાસને પ્રોત્સાહન આપવા સાથે વિવિધ પગલાં ભરાઈ રહ્યા છે. આ અંતર્ગત આગામી ૨ માર્ચ થી ૪ માર્ચ દરમિયાન દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા ઈન્ટરનેશનલ મેરી ટાઈમ સમિટનું આયોજન કરાયું છે.

આ અંગે માહિતી આપવા દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતાં ચેરમેન એસ.કે. મેહતાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના હસ્તે ૨ માર્ચે મેરીટાઈમ સમિટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્દઘાટન થશે. આ સમિટમાં દુનિયાના ૨૦ દેશો અને ભારતના ૧૦ રાજ્યોના બંદરો સાથે વિવિધ વ્યવસાયો તેમ જ ઉદ્યોગો સાથે સંકળાયેલા વ્યાપાર ગૃહો ભાગ લેશે. જોકે, દેશમાં દરિયાઈ વ્યાપારમાં આયાત નિકાસ ક્ષેત્રે માલ સામાનની હેરફેરમાં નંબર વન એવા દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા અત્યારથી જ મેરિટાઈમ સમિટની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ચેરમેન એસ.કે. મેહતાના જણાવ્યા પ્રમાણે ૭૭ હજાર કરોડના ઉદ્યોગ વ્યવસાયના એમ.ઓ.યુ. અત્યારથી જ તૈયાર છે. જે મહદ્અંશે સ્ટીલ, પેટ્રો કેમિકલ્સ સાથે સંકળાયેલા છે.

રોકાણનો આ આંકડો પ્રધાનમત્રી  નરેન્દ્ર મોદી સમિટનું ઉદ્દઘાટન કરે ત્યારે વધી શકે છે. ૨ થી ૪ માર્ચ દરમિયાન યોજાનાર આ સમિટ માટે અત્યારના તબક્કે ૬૫૧૦ કરોડના એમઓયુ ગઇકાલે થયા હતા. કંડલા મધ્યે વિકાસ પામી રહેલા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટી માટે ફર્નિચર પાર્ક માટે ૪૦૦ કરોડના એમઓયુ કંડલા ટીંબર એસો. દ્વારા કરાયા હતા.

શિપિંગ મંત્રાલય દ્વારા બનાવાયેલા વિઝન ૨૦૩૦ દસ્તાવેજમાં દેશના ત્રણ પોર્ટને મેગા પોર્ટ બનાવાશે જેમાં દીનદયાળ પોર્ટ કંડલા પણ સામેલ છે. તુણા ટેકરા મધ્યે ક્ધટેનર ટર્મિનલ ઉભુ કરાશે.

કોસ્ટગાર્ડ માટે વાડીનાર માં જેટી તૈયાર કરાશે. તો, કંડલા વાડીનાર વચ્ચે રો-રો ફેરી સર્વિસ પણ ચાલુ કરાશે. જે રીતે ગુજરાતના દરિયાઈ ક્ષેત્રે ઓદ્યોગિક વિકાસ માટે તૈયારી ચાલી રહી છે, તે જોતાં લાગે છે કે, આગામી દિવસોમાં દીનદયાળ પોર્ટ કંડલા દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે ગુજરાતના વિકાસનું હબ બનશે.