‘કંકુ પગલા’ પડાવી ભૂલકાઓને કરાવ્યો શાળા પ્રવેશ: રાજકોટનો અનોખો અંદાજ

શાળા નં. 65 અને ર0-બીના પ્રવેશોત્સવમાં

ભૂલકાઓને શૈક્ષણિક કીટ સાથે તેજસ્વી તારલાઓને સન્માનીત કરાયાં: શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું: શાળા પરિવાર અને વાલીઓનો અનેરો આનંદ ઉત્સવ

આજથી સમગ્ર રાજયમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ શરુ થયેલ છે. જેના ભાગરુપે શિક્ષણ સમિતિની નારાયણનગર ઝુપડપટ્ટી પાસેની શાળામાં ઢોલ- નગારા – શરણાઇના સૂરે શાળા નં. 6પ અને 20-બી ના ધો. 1 માં નવા પ્રવેશ પામેલા ભૂલકાઓને મહેમાનોના વરદ હસ્તે શાળા પ્રવેશ કરાવ્યો હતો.

રાજયમાં કદાચ પ્રથમવાર આજે શિક્ષણ સમિતિની શાળા નં. 65/20-બી ના નવા પ્રવેશ પામેલા છાત્રોને ‘કંકુ પગલા’ પાડીને શાળા પ્રવેશ કરાવાયો હતો, આ કાર્યક્રમથી બાળકો અને વાલીઓ ગદગદીત થઇ ગયા હતા. તમામ નવા બાળકોને શૈક્ષણિક કીટ સાથે તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ પણ મહેમાનોના વરદ હસ્ત કરાયું હતું. આજના શાળા પ્રવેશોત્સવમાં કુલ 45 નવા ધો. 1 ના છાત્રોને પ્રવેશ અપાયો હતો.

કાર્યક્રમના પ્રમુખ સ્થાને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, શિક્ષણ સમિતિના સદસ્યો કિશોરભાઇ પરમાર, ડો. વિજય ટોળીયા, કોર્પોરેટર નિલેશભાઇ જલુ, વોર્ડ નં.14 ના પ્રભારી હસુભાઇ ચોવટીયા, પ્રમુખ હરિભાઇ રાતડીયા, મહામંત્રી નરેન્દ્ર કુબાવત, વિનુભાઇ માખેલા સહીતના મહાનુભાવો હાજર રહીને પોતાના વકતવ્યમાં શાળાની સરાહના કરી હતી.

શાળા નં. 65 ના આચાર્ય  સુશાંત સિઘ્પુરા અને શાળા નં. ર0-બીના આચાર્ય દિગીશભાઇ કરડાણી સાથે બન્ને શાળાનાં સ્ટાફ પરિવારે સુંદર વ્યવસ્થા સંભાળી હતી.

કાર્યક્રમમાં ઓજસ્વી ફાઉન્ડેશન ના હેમલ દવે, અર્હમ યુવા ગ્રુપના પ્રમુખ દિપકભાઇ તથા અહર્મ સેવા સરદારનગરના પ્રમુખ રાજશ્રી દીદી જેવા વિવિધ દાતાઓએ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.